News Focus

ઈટાલીમાં જન્મેલી એક વિદેશી નારીએ ભગવદ્ ગીતાનું શરણ લીધું!

By GS Team
17 Nov 20268 mins read
TukuTouch Logo
1996માં કોંગ્રેસના પરાજય બાદ સોનિયા ગાંધીએ 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'માંથી માર્ગદર્શન મેળવ્યું. કોંગ્રેસના વિઘટન અને નેતૃત્વ સંભાળવાના દબાણ વચ્ચે, કલકત્તામાં 1997માં પક્ષના 80મા અધિવેશનમાં તેમણે સભ્યપદ સ્વીકાર્યું. સ્વધર્મ અને રાજધર્મની અવઢવમાં, તેમણે ગીતાના જ્ઞાન થકી આત્મબળ મેળવી, તમામ ભય ત્યાગીને રાજકારણમાં ઝંપલાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈટાલીમાં જન્મેલી એક વિદેશી નારીએ ભગવદ્ ગીતાનું શરણ લીધું!
  • સોનિયા ગાંધીને ૧૯૯૬માં કોંગ્રેસના પરાજય બાદ સ્વધર્મ અને રાજધર્મની પસંદગીની અવઢવના ઉકેલનું માર્ગદર્શન ગીતામાંથી મળ્યું
  • કોંગ્રેસના વિઘટનની શરૂઆત ૧૯૯૫માં જ થઈ ચૂકી હતી, જ્યારે અર્જુન સિંહ, એન. ડી. તિવારી અને મોહસીના કિદવાઈ જેવા દિગ્ગજ નેતાઓએ બંડ પોકાર્યું, ત્યારબાદ ૧૯૯૬માં કોંગ્રેસનો કેન્દ્રમાં પરાજય થયો. ત્યારબાદ ૧૯૯૬માં તમિલનાડુના વરિષ્ઠ નેતાઓ જી. કે. મૂપનાર અને પી. ચિદમ્બરમ માધવરાવ સિંધિયાએ પણ અલગ ચોકો રચ્યો અને ૧૯૯૭માં મમતા બેનરજીએ પણ પક્ષ છોડીને ટીએમસીની રચના કરી : આ અસ્થિરતા વચ્ચે ૧૯૯૭માં તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરીના આમંત્રણ પર કલકત્તા ખાતે યોજાયેલા પક્ષના ૮૦મા પૂર્ણ અધિવેશનમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ સ્વીકાર્યું હતું. પરંતુ પક્ષની કથળતી જતી પરિસ્થિતિને જોતા તેમના પર નેતૃત્વ સંભાળવાનું દબાણ સતત વધી રહ્યું હતું.

સોનિયા ગાંધીએ પોતાના સંસ્મરણોમાં તેમણે ૧૯૯૦ના દાયકાની પોતાની માનસિક સ્થિતિ, ભય, અપરાધભાવ, પીડા, એકલતા અને આખરે 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'ના જ્ઞાાન થકી મળેલા આત્મબળની જે કથા વર્ણવી છે, તે કોઈ પણ સંવેદનશીલ વાચકના હૃદયને હચમચાવી નાખે તેવી છે. સૌથી મોટી વાત એવી છે કે, એક તરફ દેશમાં ચારેકોર સનાતન અને હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાની વાત થાય છે અને બીજી તરફ સોનિયા ગાંધી ઈટાલીથી ભારત આવ્યા અને આજે આટલા વર્ષે પણ તેને વિદેશી વહુ અને વિદેશી નાગરિક હોવાના રાજકીય ટોણા મારવામાં આવે છે. આ બધા વચ્ચે તેમના જીવનનું એક એવું પાસું સામે આવ્યું જેણે સાચા અર્થમાં ભારતીય નારી અને ભારતીય સંસ્કૃતિને વરેલી એક ભારતીય પત્ની હોવાના તેમના ચારિત્ર્યનો પુરાવો આપ્યો છે. આજે જ્યારે ભારતમાં ભગવદ ગીતા મુદ્દે વિરોધ અને વિવાદો થાય છે પણ તેને વાંચવામાં કે જીવનમાં ઉતારવામાં લોકોને રસ નથી ત્યારે આજથી અઢી દાયકા પહેલાં વિદેશી આવેલી, ક્રિશ્ચિયન મહિલાએ પોતાના પતિ અને તેના પરિવારના સંસ્કારોને આત્મસાત કરીને ભગવદ ગીતાનું જ્ઞાાન લીધું. ધર્મ, જાતી કે વર્ણના તમામ ભેદને કોરાણે મુકીને સ્વધર્મ અને રાજધર્મની સાચી સમજ કેળવી.
ઉલ્લેખનીય છે કે, ૧૯૯૬ની સામાન્ય ચૂંટણીના પરિણામો કોંગ્રેસ પક્ષ માટે અત્યંત નિરાશાજનક રહ્યા હતા. કોંગ્રેસ પક્ષ પોતાના દમ પર સરકાર બનાવવામાં નિષ્ફળ ગયો હતો અને આંતરિક જૂથવાદ તથા વિભાજનના કારણે તૂટી રહ્યો હતો. આ વિઘટનની શરૂઆત ૧૯૯૫માં જ થઈ ચૂકી હતી, જ્યારે અર્જુન સિંહ, એન. ડી. તિવારી અને મોહસીના કિદવાઈ જેવા દાયકાઓ જૂના અને મહત્વના હોદ્દાઓ સંભાળી ચૂકેલા દિગ્ગજ નેતાઓએ સોનિયા ગાંધી પાસે તેમના જૂથને સમર્થન આપવાની માંગ કરી હતી. સોનિયા ગાંધીએ સ્પષ્ટ ઇનકાર કરતા આ નેતાઓએ પક્ષ છોડીને અલગ પાર્ટી બનાવી હતી. ત્યારબાદ ૧૯૯૬માં તમિલનાડુના વરિષ્ઠ નેતાઓ જી. કે. મૂપનાર અને પી. ચિદમ્બરમ તથા ૧૯૮૦માં કોંગ્રેેસમાં જોડાયેલા યુવા નેતા માધવરાવ સિંધિયાએ પણ અલગ ચોકો રચ્યો હતો. આ સિલસિલો ૧૯૯૭માં પણ અટક્યો નહીં, જ્યારે રાજ્ય નેતૃત્વ સાથેના મતભેદોને કારણે મમતા બેનર્જીએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને 'તૃણમૂલ કોંગ્રેસ'ની સ્થાપના કરી હતી.
આ અસ્થિરતા વચ્ચે ૧૯૯૭માં તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરીના આમંત્રણ પર કલકત્તા ખાતે યોજાયેલા પક્ષના ૮૦મા પૂર્ણ અધિવેશનમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ સ્વીકાર્યું હતું. પરંતુ પક્ષની કથળતી જતી પરિસ્થિતિને જોતા તેમના પર નેતૃત્વ સંભાળવાનું દબાણ સતત વધી રહ્યું હતું. આ દબાણની સાથે જ સોનિયા ગાંધીના મનમાં અગમ્ય બેચેની અને વ્યગ્રતા ઘર કરવા લાગ્યા હતા. દેશના રાજકીય ક્ષિતિજ પર થઈ રહેલા ફેરફારો તેમને ચિંતિત કરી રહ્યા હતા.
મીડિયામાં પ્રકાશિત થતા લેખો કોંગ્રેસ પક્ષના ભવિષ્યનું અત્યંત ધૂંધળું અને નિરાશાજનક ચિત્ર રજૂ કરી રહ્યા હતા. આ બધું વાંચીને અને જોઈને સોનિયા ગાંધી અંદરથી તૂટી રહ્યા હતા. ઘરમાં જ્યારે પણ તેઓ રાજીવ ગાંધી અને પોતાના સાસુ ઇન્દિરા ગાંધીની તસવીરો પાસેથી પસાર થતા, ત્યારે તેમના હૃદયમાં પીડા અને અપરાધભાવનું મિશ્રણ ઉમટી પડતું. ઘણીવાર તો તેઓ આ તસવીરો સામે જોવાનું પણ જાણીજોઈને ટાળતા હતા. તેમને સતત એવું લાગતું કે જે ભારતને તેમણે પોતાનું માન્યું હતું, તે તેમને રાજીવ અને ઇન્દિરાજીના માધ્યમથી મળ્યું હતું. ભારતની બહુલતાવાદી સંસ્કૃતિને બચાવવા માટે જે પરિબળો સામે આ બંનેએ દાયકાઓ સુધી લડત આપી હતી અને પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા, આજે એ જ પરિબળો દેશના તાણાવાણાને નુકસાન પહોંચાડી રહ્યા હતા. સોનિયા ગાંધીની અંતરાત્મા તેમને ડંખતી હતી કે શું તેઓ ઘરમાં આરામથી બેસી રહીને પોતાના પતિ અને સાસુના બલિદાનને વ્યર્થ જવા દેશે?
તેઓ અડધી રાત્રે જાગી જતા અને પોતાની જાતને જ સવાલ પૂછતા કે તેમણે કયા માર્ગે જવું જોઈએ? તેમણે તો જીવનના દરેક તબક્કે રાજકારણનો સખત વિરોધ કર્યો હતો. આ એ જ ક્રૂર રાજકારણ હતું, જેણે પહેલા તેમની પાસેથી તેમના માતા સમાન સાસુ ઇન્દિરા ગાંધીને છીનવી લીધા હતા અને ત્યારબાદ તેમના જીવનના પ્રેમ, તેમના બાળકોના પિતા રાજીવ ગાંધીને પણ તેમની પાસેથી કાયમ માટે દૂર કરી દીધા હતા. તો પછી આજે તેમના મનમાં એ જ રાજકારણમાં ઝંપલાવવાની તીવ્ર ઈચ્છા કેમ જાગી રહી હતી? વર્ષોપહેલા જ્યારે રાજીવ ગાંધી જાહેર જીવનમાં હતા, ત્યારે સોનિયા ગાંધીને રાજકારણ પ્રત્યે અણગમો હતો. પરંતુ હવે તેમને એ વાત સમજાઈ રહી હતી કે એ સમયે રાજીવ ગાંધીને કયા પરિબળોએ રાજકારણમાં આવવા મજબૂર કર્યા હતા. તે પોતાની માતા અને પોતાના દેશ પ્રત્યેની ફરજનું ખેંચાણ હતું. આજે એ જ કર્તવ્યનું ખેંચાણ સોનિયા ગાંધીને પોતાને અનુભવાતું હતું. તેઓ તેનાથી ડરતા હતા, તેની સામે લડવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ એ વિચાર તેમને છોડતો નહોતો.
સોનિયા ગાંધી પોતાના જ અસ્તિત્વ સાથે એક ભીષણ યુદ્ધ લડી રહ્યા હતા. તેમના વ્યક્તિત્વનો એક હિસ્સો રાજકારણની દુનિયામાં રહેલી સત્તાની લાલસા, લોભ, દંભ અને વિશ્વાસઘાતથી દૂર ભાગતો હતો. પરંતુ બીજી તરફ, બાળપણથી તેમનામાં સિંચાયેલા સંસ્કારો, સોંપાયેલા કાર્ય પ્રત્યેની નિષ્ઠા, વડીલો પ્રત્યેનો આદર, માતા-પિતાની આજ્ઞાાનું પાલન અને પરિવારની પરંપરાઓ પ્રત્યેની વફાદારી, તેમને શાંત બેસવા દેતા નહોતા. તેમને એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેમનું કર્તવ્ય ક્યાં છે, પરંતુ એ કર્તવ્યના પરિણામોની કલ્પના માત્રથી તેઓ ભયભીત થઈ જતા હતા. તેમણે રાજીવ ગાંધીના માધ્યમથી રાજકારણની ઊંચાઈઓ અને સિદ્ધિઓ જોઈ હતી, તો સાથે જ તેની કદરૂપતા અને ભ્રષ્ટતાનો પણ એટલો જ નજીકથી અનુભવ કર્યો હતો.
તેમના મનમાં અનેક શંકાઓ હતી. તેઓ વિચારતા કે આગામી ચૂંટણી જંગમાં પક્ષનું નેતૃત્વ કરવાનો વિચાર પણ તેઓ કેવી રીતે કરી શકે? તેમની પાસે ન તો રાજકીય અનુભવ હતો, ન તો આ કઠિન કાર્યને સમજવાની ક્ષમતા, એવું કાર્ય જેણે ભૂતકાળના મોટા-મોટા દિગ્ગજ નેતાઓને પણ હતાશ કરી દીધા હતા. વળી, તેઓ મૂળભૂત રીતે એક 'બહારના વ્યક્તિ' ગણાતા હતા, અને આ વાતનો અનુભવ તેમને વારંવાર કરાવવામાં આવતો હતો. તેઓ ઇન્દિરા ગાંધીના પુત્રવધૂ અને રાજીવ ગાંધીના પત્ની જરૂર હતા, પરંતુ જે પદ પર આ બંને મહાન હસ્તીઓ બિરાજમાન રહી હતી, તે પદ પર બેસવાની હિંમત તેઓ કેવી રીતે કરી શકે? તેમની પાસે કોઈ અધિકાર નહોતો, સિવાય કે તેમની પાસે ગાંધી પરિવારનું નામ હતું-એવું નામ જે સમગ્ર દેશમાં ધર્મ, જાતિ, ભાષા કે પ્રદેશના ભેદભાવથી ઉપર ઉઠીને ભારતની સંસ્કૃતિ પ્રત્યેની અતૂટ નિષ્ઠા અને સમર્પિત સેવાનું પ્રતીક માનવામાં આવતું હતું.
આ જ કારણસર કોંગ્રેસના હજારો કાર્યકરો અને નેતાઓ તેમને પક્ષની કમાન સંભાળવા માટે આજીજી કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે જો સોનિયા ગાંધી આગળ નહીં આવે, તો પક્ષ સંપૂર્ણપણે વિખેરાઈ જશે અને ત્યારબાદ કોમી પરિબળોની આગેકૂચને રોકવા માટે દેશમાં કોઈ શક્તિ બચશે નહીં. સોનિયા ગાંધી માટે આ સૌથી પ્રબળ અને નિર્ણાયક દલીલ હતી. તેમ છતાં, નિદ્રાહીન રાતો અને ચિંતાતુર દિવસો વચ્ચે તેમનો આંતરિક સંઘર્ષ ચાલુ રહ્યો. તેઓ પોતાની જાતને અત્યંત એકલા અને પીડિત અનુભવી રહ્યા હતા. તેમને કોઈ એવા આધાર કે માર્ગદર્શકની શોધ અને જરૂર હતી, જે તેમને તેમના ભય અને શંકાઓમાંથી બહાર કાઢી શકે.
સોનિયા ગાંધી નોંધે છે કે, તેઓ પોતાના પુખ્ત જીવનમાં ક્યારેય ધાર્મિક રહ્યા નહોતા, જોકે તેઓ તમામ ધર્મોનો સમાન આદર કરતા હતા. માનસિક અશાંતિના આ તબક્કામાં તેમના મનમાં 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' તરફ પાછા ફરવાની તીવ્ર ઈચ્છા જાગી. તેમણે યુવાન વયે ગીતા વાંચી હતી અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના નાયકો પર તેના ઊંડા પ્રભાવથી તેઓ પરિચિત હતા. તેમણે દિલ્હીની 'લાલ બહાદુર શાસ્ત્રી સંસ્કૃત વિદ્યાપીઠ' વિશે સાંભળ્યું હતું. પોતાની આ ઈચ્છા પાછળનો સાચો હેતુ ગુપ્ત રાખીને તેમણે પોતાની ઓફિસ દ્વારા તપાસ કરાવી કે શું કોઈ વિદ્વાન તેમને ઘરે આવીને ગીતાના પાઠ ભણાવી શકે તેમ છે? આ સંદર્ભમાં પ્રોફેસર વાચસ્પતિ ઉપાધ્યાય, જેમને સૌ પ્રેમથી 'શાસ્ત્રીજી' કહેતા હતા, તેમનું નામ સામે આવ્યું. શાસ્ત્રીજી એક અત્યંત સૌમ્ય, નિરાભિમાની અને પ્રખર વિદ્વાન હતા તથા ગાંધી પરિવારથી પણ પરિચિત હતા. તેમણે પોતાના ફાજલ સમયમાં સોનિયા ગાંધીને ગીતાનું ગહન દાર્શનિક જ્ઞાાન સમજાવવાની સંમતિ આપી.
જાન્યુઆરી ૧૯૯૭થી આ અનોખી જ્ઞાાનયાત્રા શરૂ થઈ. સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીના પુસ્તકાલયમાંથી ગીતાની એવી આવૃત્તિ પસંદ કરી, જેમાં સંસ્કૃત શ્લોેકોની નીચે હિન્દી અને અંગ્રેજી અનુવાદ આપેલા હતા. શાસ્ત્રીજી સંસ્કૃતમાં એક-બે શ્લોકોનું પઠન કરતા, સોનિયા ગાંધી તેનો હિન્દી અનુવાદ વાંચતા અને ત્યારબાદ શાસ્ત્રીજી તેનો ગૂઢ અર્થ સમજાવતા. શરૂઆતમાં આ સત્રો ધીમી ગતિએ ચાલ્યા, પરંતુ ડિસેમ્બર ૧૯૯૭ આવતા સુધીમાં તેમની સંખ્યા વધી ગઈ હતી. આ વાંચન અને ચિંતનનો સિલસિલો ૫ જાન્યુઆરી, ૧૯૯૮ સુધી અવિરત ચાલ્યો.

ગીતાના અંતિમ શ્લોકોએ સોનિયા ગાંધીના અંતરમાં નવી ચેતના જગાડી
સોનિયા ગાંધીના મનોભાવ સમજી શકે અને તેમને શાંત્વના અને માર્ગદર્શન આપી શકે તેવું કોઈ હતું નહીં. ખાસ કરીને રાજીવ ગાંધીના સ્વર્ગવાસ બાદ તેમના જીવનમાં જે ખાલિપો આવ્યો હતો તેના કારણે તેમની સ્થિતિ વધારે કફોડી હતી. તેઓ કોંગ્રેસને બચાવવા માગતા હતા પણ તેમની પાસે નિર્ણય લેવા જેટલી શક્તિ નહોતી. ત્યારે તેમને રાજીવ ગાંધીએ આપેલી ભગવદ ગીતા યાદ આવી. તેમને યાદ આવ્યું કે, સમસ્યાનું સમાધાન ક્યાંય ન મળે ત્યારે ગીતા વાંચવાનું રાજીવનું અંગત સુચન હતું. તેથી જ તેઓ ભગવદ ગીતાના પાઠ શીખવા લાગ્યા.
બીજી તરફ, ગીતાના પાઠ પણ હવે સમાપ્તિ તરફ આગળ વધી રહ્યા હતા. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો શાશ્વત સંદેશ આપ્યો હતો : ફળની અપેક્ષા રાખ્યા વિના માત્ર તારા સ્વધર્મ એટલે કે કર્તવ્યનું પાલન કર. શ્રીકૃષ્ણના આ ઉપદેશ બાદ પાંડવ રાજકુમાર અર્જુન ઘોષણા કરે છે કે તેમનો મોહ નષ્ટ થઈ ગયો છે, તેમની તમામ શંકાઓ દૂર થઈ ગઈ છે અને તેઓ પોતાની ફરજ બજાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ગીતાના આ અંતિમ શ્લોકોએ સોનિયા ગાંધીના અંતરમાં જાણે કોઈ નવી ચેતના જગાડી દીધી. તેમની તમામ મૂંઝવણો અને સવાલોના જવાબ તેમને મળી ચૂક્યા હતા. તેમના મનનો ભય દૂર થઈ ગયો હતો અને એક અડગ નિશ્ચયે તેમનું સ્થાન લઈ લીધું હતું. તેમને ખાતરી થઈ ગઈ હતી કે હવે તેમણે ઘરની સુરક્ષિત દીવાલોની બહાર નીકળીને જ્યાં તેમનું કર્તવ્ય તેમને બોલાવી રહ્યું છે, ત્યાં જવું જ પડશે. અને આખરે, પોતાના તમામ ભય અને અંગત સ્વાર્થને ત્યાગીને સોનિયા ગાંધીએ રાજકારણના એ કઠિન રણમેદાનમાં ડગ માંડયા. તેમણે કોંગ્રેસના માત્ર સભ્ય તરીકે નહીં પણ ગાંધી પરિવારના ઉત્તરાધિકારી તરીકે કોંગ્રેસનું સુકાન સંભાળી લીધું.