સંસદના સત્રો ખોરવાતા એક દાયકામાં પ્રજાના 3300 કરોડ વેડફાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સંસદ એવું સ્થાન છે જ્યાં 140 કરોડ નાગરિકોના ભવિષ્ય, તેમના અધિકારો, ટેક્સના નાણાંના સદુપયોગ અને દેશ માટે નવા કાયદાઓ બનાવવા વિષયક ચર્ચાઓ અને નિર્ણય થાય છે. પરંતુ, છેલ્લાં દાયકાથી દેશની સંસદ ન્યાય અને નીતિઓના ઘડતર કરતાં વિરોધ, શોરબકોર, બેનરો દર્શાવવા, હોબાળા કરવા અને ગૃહના મોકૂફની રાજકારણનો અખાડો બની ગઈ છે : સંસદના ઈતિહાસમાં સૌથી ઓછું ઉત્પાદક બજેટ સત્ર ૨૦૧૮ માં નોંધાયું હતું. તે સમયે ૨૯ બેઠકોમાંથી લોકસભા માત્ર ૩૪ કલાક ચાલી હતી અને ૧૨૭ કલાકથી વધુનો સમય હોબાળામાં વેડફાયો હતો. જેના લીધે પ્રજાના અંદાજે રૂ. ૧૯૮ કરોડ પાણીમાં ગયા હતા. ૨૦૨૩માં અદાણી-હિન્ડનબર્ગ મુદ્દે હોબાળો થતાં સમગ્ર સત્રમાં ૫ ટકા કામ થયું અને પ્રજાના ૨૦૦ કરોડનો વ્યય થયો હતો ઃ લોકોની એવી માગણી છે કે, સામાન્ય માણસો અને કર્મચારીઓની જેમ સાંસદો માટે પણ કડક નિયમો હોવા જોઈએ. જો સાંસદોના વિરોધને પગલે સંસદ ન ચાલે તો તે સમયગાળા માટે સાંસદોના દૈનિક ભથ્થા કાપી લેવા જોઈએ. તેમનો પગાર પણ કાપી લેવો જોઈએ. નો વર્ક નો પેની સિસ્ટમ તેમને લાગુ કરવી જોઈએ
સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું તેને પાંચ દિવસ થઈ ગયા છતાં એકપણ દિવસ સંસદમાં કામ થયું નથી. સતત વધતા વિરોધ, વિપક્ષોની ધાંધલ અને નારેબાજીના કારણે ચોમાસુ સત્રમાં કામ થયું નથી. શુક્રવારે સવારે કામ શરૂ કરવા પ્રયાસ કરાયો પણ સ્થિતિ થાળે પડી નહીં અને સોમવાર સુધી ગૃહની કામગીરીઓ મોકુફ કરવી પડી. ભારત જેવા દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ માટે કેટલી શરમજનક બાબત છે કે, સાંસદો જ સંસદની કામગીરી ચાલવા દેતા નથી. ૧.૪૦ અબજ વસતી જે વિશ્વાસ અને આશા સાથે આ નેતાઓને પસંદ કરીને પોતાના પ્રતિનિધિ તરીકે મોકલે છે પણ સાંસદો સાંઠગાઠ, ખરીદફરોત અને રાજકીય નાટકબીજામાંથી જ નવરા પડતા નથી અને પ્રજાના પૈસાનો વેડફાટ થાય છે અને તેમના વિશ્વાસ ઉપર ફરી એક વખત નિરાશાનું પાણી ફરી વળે છે.
લોકશાહીનો સૌથી પવિત્ર સ્તંભ એટલે દેશની સંસદ. સંસદ એવું સ્થાન છે જ્યાં ૧૪૦ કરોડ નાગરિકોના ભવિષ્ય, તેમના અધિકારો, ટેક્સના નાણાંના સદુપયોગ અને દેશ માટે નવા કાયદાઓ બનાવવા વિષયક ચર્ચાઓ અને નિર્ણય થાય છે. પરંતુ, છેલ્લાં દાયકાથી દેશની સંસદ ન્યાય અને નીતિઓના ઘડતર કરતાં વિરોધ, શોરબકોર, બેનરો દર્શાવવા, હોબાળા કરવા અને ગૃહના મોફૂકની રાજકારણનો અખાડો બની ગઈ છે. પ્રજા પોતાના પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરે છે જેથી દેશનું તંત્ર સરસ રીતે ચાલી શકે. પરંતુ જ્યારે લોકસભા અને રાજ્યસભામાં એકપણ કલાક કામ કર્યા વગર માત્ર સૂત્રોચ્ચાર અને હોબાળાને કારણે ગૃહ સ્થગિત કરી દેવામાં આવે છે, ત્યારે દર મિનિટે પ્રજાના લાખો રૂપિયા વેડફાઈ જાય છે. એક અહેવાલ પ્રમાણે છેલ્લાં એક દાયકામાં સાંસદોના વિરોધ, તોફાનો, ધતિંગો અને રાજકીય નાટકોના પગલે સંસદ સ્થગિત થતા પ્રજાના પરસેવાની કમાણીના ૩૩૦૦ કરોડ રૂપિયાનો ધુમાડો થઈ ગયો છે.
ચિંતાની વાત એ છે કે, આ સાંસદો હવે નીતિમત્તા ભુલી ગયા છે. સત્તામાં રહેવા કે સત્તામાં આવવા ઘણા હવે પોતાની કિંમત લગાવવા માંડયા છે. ગમે ત્યારે અને ગમે તે રીતે સાંસદોને ખરીદી શકાય છે, પોતાની તરફ કરી લેવાય છે. સત્તાની સાઠમારીમાં બધું જ ચાલે છે પણ પ્રજાનું કલ્યાણ ક્યાંય કોરાણે મુકી દેવાયું છે. તેમાંય સંસદની કામગીરી દરમિયાન વિરોધ કરવાનો અને પ્રજાના પ્રશ્નોને પડતા મુકી દેવાના. દર વર્ષે કરોડો રૂપિયા સાંસદો પાછળ ખર્ચવામાં આવે છે છતાં તેનું કોઈ પરિણામ મળતું નથી.
ઉલ્લેખનીય છે કે, સંસદ ભવનનું સંચાલન એ માત્ર સાંસદોના વેતન પૂરતું મર્યાદિત નથી. આ સંકુલને ચલાવવા માટે વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈટેક ટેકનોલોજી, સુરક્ષા વ્યવસ્થા, કર્મચારીઓના પગાર, સાંસદોના ભથ્થાં, પ્રિન્ટિંગ, વીજળી અને લોજિસ્ટિક્સ પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે. એક અહેવાલ અનુસાર સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) ચલાવવાનો દર મિનિટનો અંદાજિત ખર્ચ રૂપિયા ૨.૫૦ લાખ થાય છે. દર કલાકે સંસદ ચલાવવાનો ખર્ચ લગભગ રૂપિયા ૧.૫ કરોડ સુધી પહોંચે છે. તેવી જ રીતે સંસદનો સામાન્ય રીતે રોજનો સમય ૬ કલાકનો હોય છે. જો બંને ગૃહો સરખી રીતે ચાલે તો પ્રતિ દિવસનો કામગીરી ખર્ચ રૂપિયા ૮ થી ૯ કરોડ નો થાય છે.
ચિંતાજનક બાબત એ છે કે, સેકન્ડ, કલાક કે દિવસ નહીં પણ આખા વર્ષમાં જેટલી સંસદ ચાલે છે તેના કલાકો ગણીઓ તો આંકડો સતત મોટો થતો જાય છે. ભારતમાં વર્ષમાં સામાન્ય રીતે ત્રણ સત્રો યોજાય છે - બજેટ સત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર. સામાન્ય રીતે એક વર્ષમાં સંસદ આશરે ૭૦ થી ૮૦ દિવસ જ કામ કરે છે. સમગ્ર સંસદ સચિવાલય, સાંસદોના પગાર, પેન્શન, ભથ્થાં, મુસાફરી ખર્ચ અને વાર્ષિક રક્ષણ-ઈન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ ઉમેરીએ તો સંસદ પાછળ દેશ વાર્ષિક કરોડોથી વધુ રકમ ખર્ચે છે.
ઉલ્લેખનીય છે કે, બજેટ સત્ર એ વર્ષનું સૌથી મહત્વપૂર્ણ સત્ર હોય છે પરંતુ તાજેતરના બજેટ સત્ર દરમિયાન લોકસભામાં વિરોધ પ્રદર્શનો અને સ્થગિતતાને કારણે ૨૦ થી ૨૫ કલાક નો સમય વેડફાયો હતો. જ્યારે રાજ્યસભામાં પણ ૧૨ થી ૧૫ કલાક ની કામગીરી અટકી પડી હતી. આના પરિણામે કેવળ આ એક જ સત્રના વિરોધ પ્રદર્શનોથી દેશને રૂપિયા ૫૭ કરોડથી વધુનું નુકસાન થયું હતું. સંસદના ઈતિહાસમાં સૌથી ઓછું ઉત્પાદક બજેટ સત્ર ૨૦૧૮માં નોંધાયું હતું. તે સમયે ૨૯ બેઠકોમાંથી લોકસભા માત્ર ૩૪ કલાક ચાલી હતી અને ૧૨૭ કલાકથી વધુનો સમય હોબાળામાં વેડફાયો હતો. જેના લીધે અંદાજે રૂ. ૧૯૮ કરોડ પ્રેજાના પાણીમાં ગયા હતા.
ઈતિહાસ ઉપર નજર કરીએ તો કેટલાક સત્રો એવા રહ્યા હતા જેમાં વેડફાટ સિવાય કશું જ થયું નહોતું. ૨૦૨૧માં પેગાસસ જાસૂસી કાંડ અને ખેડૂત આંદોલને સંસદ સત્રનો ભોગ લીધો હતો. આ મુદ્દાના લીધે સતત વિરોધ અને હોબાળો થતા લોકસભાની ઉત્પાદકતા માત્ર ૨૧% અને રાજ્યસભાની માત્ર ૨૮% રહી હતી. બાકીનો તમામ સમય વેડફાઈ ગયો હતો. જાણકારોના મતે બંને ગૃહોના મળીને આશરે ૧૫૦થી વધુ કલાક વેડફાયા હતા. આ એક જ સત્રમાં ટેક્સપેયર્સના આશરે રૂ. ૧૩૩ કરોડ નું આર્થિક નુકસાન થયું હતું.
તેવી જ રીતે ૨૦૨૩માં જ્યારે અદાણી-હિન્ડનબર્ગ અહેવાલનો વિવાદ થયો ત્યારે પણ બજેટ સત્રના બીજા તબક્કાનો ભોગ લેવાયો હતો. વિપક્ષ દ્વારા હિન્ડનબર્ગ રિપોર્ટ પર વઁભની માંગણી અને સત્તાપક્ષ દ્વારા રાહુલ ગાંધીના વિદેશી નિવેદન પર માફીની માંગ થતાં મામલો ગુંચવાયો હતો. તેના કારણે લોકસભામાં માત્ર ૫% અને રાજ્યસભામાં માત્ર૬% જ કામ થઈ શક્યું હતું. આ વિવાદના પગલે માત્ર થોડીક જ મિનિટો સુધી ચાલેલા ગૃહોને કારણે પ્રજાના અંદાજે રૂ. ૧૮૦ થી ૨૦૦ કરોડનો વ્યય થયો હતો.
ઉલ્લેખનીય છે કે, સંસદમાં સુરક્ષામાં છિંડા અને અન્ય મુદ્દે ૨૦૨૩માં શિયાળુ સત્રમાં મોટો વિવાદ થયો હતો. સંસદ ભવનની અંદર સ્મોક બોમ્બ સાથે ઘુસણખોરી અને ગૃહમંત્રીના નિવેદનની માગણી થતા વ્યાપક વિરોધ નોંધાયો હતો. તેના પરિણામે લોકસભા અને રાજ્યસભામાંથી ૧૪૬ સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. ભારતની સંસદીય કામગીરીમાં આ મોટો નિર્ણય હતો. તે સમયે પણ ગૃહની મોટાભાગની કામગીરી વેડફાઈ હતી અને અંદાજે ૧૫૦ કરોડનો વ્યય થયો હતો.
૨૦૨૪માં પણ નીટ પેપર લીક અને મણિપુર હિંસાનો મુદ્દો સંસદમાં ગાજ્યો હતો અને વિપક્ષોએ બંને ગૃહની કામગીરી માથે લીધી હતી. તે સમયે પણ મોટાભાગનો સમય વેડફાતા પ્રજાના અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાનો ધુમાડો થયો હતો.
ગત વર્ષે પણ ચોમાસુ સત્રમાં લોકસભામાં જે સાંસદોએ દેશના હિતમાં ૧૨૦ કલાક ચર્ચા કરવાની હતી તેમાંથી તેમણે ફક્ત ૩૭ કલાક જ કામ કર્યું. ૮૩ કલાક વેડફાયા. તેનો અર્થ એ છે કે, ૩૧% કામ થયું. રાજકારણના નામે હોબાળો કરીને ૬૯% સમય વેડફયો અને રાજ્યસભામાં પણ એવું જ થયું. જ્યાં ૧૨૦ કલાક કામના કલાકો સામે માત્ર ૪૭ કલાક કામ કર્યું પછી સાંસદોએ ૭૩ કલાક વેડફી કાઢયા. આમ અહીંયા પણ ૩૮% કામ થયું. ૬૨% સમય જનતા માટે બિલકુલ વાપર્યો નહીં. તેની પાછળ પ્રજાના ૨૦૪ કરોડ રૂપિયા વેડફાઈ ગયા.
- દરેક સાંસદ પાછળ વર્ષે ૩૫ લાખ રૂપિયા માત્ર પગારનો ખર્ચ કરાય છે
જાણકારોના મતે સંસદ ચાલે કે ન ચાલે પણ સાંસદોના ખિસ્સા ભરાયેલા રહે છે. તેમના પગારમાંથી કાણો પૈસો પણ કપાતો નથી. તેમના ભથ્થા, તેમની સવલતો કે તેમના ભંડોળમાંથી કશું જ ઘટતું નથી. સાંસદોનો દર મહિને ૨.૮૬ લાખનો તો પગાર ચુકવવામાં આવે છે. આ ઉપરાંત તેમને ૩૪ જેટલી ડોમેસ્ટિક ફ્લાઈટનું ટ્રાવેલિંગ ફ્રીમાં આપવામાં આવે છે. તે ઉપરાંત દેશની કોઈપણ ટ્રનેમાં જવા માટે ફર્સ્ટ ક્લાસની ટિકિટ ફ્રીમાં મળે છે. આ સુવિધા તેમના પરિવારને પણ આપવામાં આવે છે. આ સિવાય દર વર્ષે ૫૦,૦૦૦ ફ્રી યુનિટ વીજળી અને ૪,૦૦૦ કિલોલિટર પાણી મફત અપાય છે. સાંસદો અને તેમના પરિવારને સારામાં સારી સરકારી મેડિકલ સેવાઓ મળે છે. કાર્યકાળ ચાલુ હોય ત્યારે રેન્ટ ફ્રી મકાન મળે છે. તે સિવાય સત્ર ચાલુ હોય ત્યારે રોજનું ૨૫૦૦ રૂપિયા ઘરેથી સરકારી ગાડીમાં સંસદ જવા માટેનું ભથ્થું ચુકવાય છે. આ સિવાય તેમને અંદાજે વર્ષે ૫ કરોડનું તો પોતાના મતવિસ્તારના ડેલપમેન્ટ માટેનું ભંડોળ મળે છે તેમાં પણ ઘણા વહેવાર થઈ જતા હોવાની ફરિયાદો છે. લોકોની એવી માગણી છે કે, સામાન્ય માણસો અને કર્મચારીઓની જેમ સાંસદો માટે પણ કડક નિયમો હોવા જોઈએ. જો સાંસદોના વિરોધને પગલે સંસદ ન ચાલે તો તે સમયગાળા માટે સાંસદોના દૈનિક ભથ્થા કાપી લેવા જોઈએ. તેમનો પગાર પણ કાપી લેવો જોઈએ. આ ઉપરાંત યુકેની સંસદની જેમ 'ઓપોઝિશન ડેઝ' નક્કી કરવા જોઈએ, જેમાં વિપક્ષ જે મુદ્દો નક્કી કરે તેના પર જ ફરજિયાત ચર્ચા થાય. લોકો માને છે કે, સંસદ એ પ્રજાનો અવાજ છે અને પ્રજાના પરસેવાના નાણાંથી ચાલે છે. વિરોધ કરવો એ લોકશાહીનો અધિકાર છે, પરંતુ વિરોધ ગૃહની અંદર ચર્ચા કરીને થવો જોઈએ, ગૃહને સ્થગિત કરાવીને નહી. જો સંસદનો સમય આ રીતે જ વેડફાતો રહેશે, તો સામાન્ય નાગરિકોનો લોકશાહી પ્રક્રિયા પરથી વિશ્વાસ ઉઠી જશે.




