ઇઝરાયલ ઇઝરાયલ છે, વરુણ ધવન વરુણ ધવન
- શ્રીરામ રાઘવનની બદલાપુર અને સુજિત સરકારની ઓક્ટોબર તેને બીજા અભિનેતાઓથી અલગ પાડે છે
- જ્યારે ડેવિડે વરુણ સામે ટેનિસ બોલ રાખ્યો અને કહ્યું, આ છે અનુપમ ખેર, હવે ડાયલોગ બોલ
- ડેવિડ ક્યારેય કોઈ હીરો સાથે જેટલું ખરાબ વર્તન નહોતું કર્યું તેટલું મેં તેરા હીરોના શૂટિંગ દરમિયાન પોતાના દીકરા સાથે કરેલું
એટલે ઇઝરાયલ ઇઝરાયલ છે. ઇઝરાયલના પબ્લિક બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના પ્રતિનિધિ એમિકાઈ સ્ટીને તેમના ટ્વીટ્ટર હેન્ડલ પર લખ્યું, બ્રેકિંગઃ ઇઝરાયલના સંરક્ષણ વિભાગ અને ઇઝરાયલ ઇન્સ્ટીટયૂટ ઑફ બાયોલોજિકલ રીસર્ચનું સંયુક્ત નિવેદનઃ કોરોના વાઇરસનું એક એન્ટિડોટ શોધવામાં મોટી સફળતા હાંસલ થઈ છે. આ એન્ટિડોટ વાઇરસ પર હુમલો કરે છે અને તેનો પ્રભાવ ખતમ કરી નાખે છે.
વરુણ ધવને આ ટ્વીટ વાંચીને પ્રતિક્રિયા આપી, આશા છે કે આ વાત સાચી હશે.
થોડી વારમાં ઇઝરાયલ સરકારના ઑફિશિયલ ટ્વીટ્ટર હેન્ડલ પરથી જવાબ આવ્યો, સહી દિશા મેં ઉઠા હર કદમ અપને આપ મેં એક મંઝિલ હૈ. આખિર ઝિંદગી કા મતલબ હી અપના અગલા કદમ ચૂનના હૈ.
હીબુ્ર ભાષા બોલતો દેશ આપણા અભિનેતાને તેની હિંદી ફિલ્મના ડાયલોગ થકી જવાબ આપે... આ સજ્જતાને સલામ છે. એટલે ઇઝરાયલ ઇઝરાયલ છે.
તે આપણો વરુણેય ગાજ્યો જાય એમ નથી. તેણે લખ્યું, જાણીને ખુશી થઈ કે આ ડાયલોગ પ્રેમ અને પોઝિટિવિટી ફેલાવતા-ફેલાવતા છેક ઇઝરાયલ પહોંચી ગયો છે. નમસ્કાર.
બે ફિલ્મો એવી છે જે વરુણને આજની ફિલ્મોથી અલગ ઊભો રાખે છે.શ્રીરામ રાઘવન દિગ્દર્શિત બદલાપુર (૨૦૧૫) અને સુજીત સરકારની ઓક્ટોબર (૨૦૧૮). આ બે ફિલ્મો ન હોત તો તેઓ એટલા ઑફબીટ લાગત નહીં જેટલા આજે લાગે છે. એબીસીડી, મેં તેરા હીરો, બદરીનાથ કી દુલ્હનિયા ઔર ઢિશૂમ ટાઇપની પિક્ચર્સમાં કામ કરી ચૂકેલા આ અભિનેતાને હંમેશા કશુંક હટકે અને ઇન્ટેન્સ કરવાની ચાહત રહી છે. અનુરાગ કશ્યપની બ્લેક ફ્રાઇડે તેને ખૂબજ ગમેલી. તેમણે કહેલું કે જો અનુરાગ મને તેની ડાર્ક સ્ટાઇલ સિનેમામાં લોન્ચ કરે તો હું મારો જમણો હાથ કપાવવા રેડી હતો.
તેઓ ફિલ્મ મેકિંગ શીખતા હતા ત્યારે કેટલીક પ્રાયોગિક ફિલ્મો બનાવતા તે પણ આ જ પ્રકારની હતી. તેમના પિતાની ફિલ્મોથી બિલકુલ હટકે. મેઇનસ્ટ્રીમમાં પણ તેમણે સૂઈ ધાગા જેવી રિયાલિસ્ટિક પિક્ચર પસંદ કરી. પ્રારંભમાં તેમની ઇચ્છા હીરો બનવાની નહોતી. નાનકડા વરુણે વિચારેલું કે મોટો થઈને એક ચેનલના માલિક બનીશ. એક એવી ચેનલ જેમાં પોતાનો ટોક શો હોય અને સ્ટેન્ડ અપ કોમેડી કરી ઑડિયન્સને હસાવી શકે.
સાજન ચલે સસુરાલ, હીરો નંબર વન, સ્વર્ગ, હસીના માન જાયેગી જેવી કોમેડી ફિલ્મો બનાવી દિગ્દર્શક તરીકે પોતાની અલગ છાપ છોડનારા ડેવિડને લાગતું નહોતું કે તેનો દીકરો કંઈ મોટું કરી શકશે. તેણે અને તેની પત્નીએ એક પરિચિતને ભલામણ કરીને દીકરાને બેંકની નોકરીમાં લગાવી દેવાનો નિર્ણય કરેલો. એક વખત વરુણે સિટી બેંકમાં ઇન્ટરવ્યૂ પણ આપેલો.
બાદમાં તેઓ કરન જોહરને આસિસ્ટ કરવા લાગ્યા. પિતાને આ વિશે કોઈ વાત કરેલી નહીં. બેરી જૉન પાસેથી એક્ટિંગ શીખ્યા. એ જ બેરી જૉન જેણે શાહરુખ ખાન અને મનોજ વાજપેયીને એક્ટિંગ શીખવી હતી. વરુણે એક વખત કિરણ રાવની ડેબ્યુ ફિલ્મ ધોબી ઘાટમાં પણ ઓડિશન આપેલું. સંભવતઃ મુન્નાના રોલ માટે જે બાદમાં પ્રતીક બબ્બરે ભજવ્યો. ડેવિડ ધવનને તેમણે જણાવ્યું નહોતું કે તેઓ ઓડિશન દેવા જઈ રહ્યા છે. ડેવિડને ખબર પડી તો ભડકો થઈ ગયા. તેમણે કહ્યું, તું પાગલ છો? ફિલ્મો કરવી હોય તો કંઈક વ્યવસ્થિત કર. આવી ફિલ્મથી ન શરૂ થઈ શકે હિસાબ-કિતાબ.
એક દિવસ કરણ જોહર ડેવિડ ધવનને મળવા આવ્યા ને કહ્યું, હું વરુણને મારી ફિલ્મમાં લેવા માગું છું. ત્યારે ડેવિડને રાહત થઈ. તેમણે કહ્યું, આ ફિલ્મ તારા માટે બરાબર છે. આનાથી વધારે તારે શું જોઈએ? ખભા પર પગ મૂકીને છલાંગ લગાવી લે. છેલ્લું વાક્ય જરાક ખૂંચી જાય એવું હતું. વરુણ ધવનને ડેવિડ ધવનના દીકાર હોવાના નાતે કરણે બ્રેક આપ્યો કે તેની ટેલેન્ટ જોઈને તે એક ડિબેટેબલ વિષય છે.
વરુણે બદલાપુરમાં કામ શરૂ કર્યું તે પણ ડેવિડને બિલકુલ ગમ્યું નહોતું. આ વિશે એક વખત સિનિયર ધવને કહ્યું, આણે દાઢી વધારી લીધી હતી. કેરેક્ટરમાં હતો. હસતો નહોતો. વાતો પણ નહોતો કરતો ૨૦ દિવસ સુધી. હું મારી વાઇફને કહેતો. આ દાઢી ક્યારે કપાવશે. તપાસ કર.
બદલાપુર તેની પ્રથમ ડાર્ક ફિલ્મ. ત્યારથી આલોચકો તેને ગંભીરતાથી લેવા માંડયા. બહુ ઓછા કલાકારો એવા હોય છે કે જેઓ કોમર્શીયલ અને ઑફબીટ બંને ફિલ્મોમાં સફળ થાય છે. વરુણ તેમાંના એક છે. ફિલ્મલાઇનમાં આવતા પહેલા પણ તેમણે એક શોર્ટ ફિલ્મમાં કામ કરેલું. એ પણ ડાર્ક ફિલ્મ ટાઇપ જ હતી. એડ્રોનોક્રોમ એવી ડ્રગ છે જેની લત પડી જાય તો નશાખોરને હત્યા કરતા રહેવું પડે છે. કેમ કે આ ડ્રગ માનવ શરીર સિવાય ક્યાંયથી પ્રાપ્ત થતી નથી.
વરુણે એ ફિલ્મ કરણ જૌહર અને અયાન મુખરજીને દેખાડી. તે જોયા પછી કરન જૌહરે તેને સ્ટુડન્ટ ઑફ ધ ઇયરમાં લેવાનો નિર્ણય કર્યો. વરુણે કહેલું, પહેલી ફિલ્મ હતી એટલે મને કોઈ ટેન્શન નહોતું. જે બિલ ફાટે તે કરણ જોહરની માથે ફાટવાનું હતું.
પિતાની ફિલ્મ મેં તેરા હીરોમાં કામ કરતી વખતે તેની હાલત ખરાબ થઈ. ડેવિડે બીજા કોઈ એક્ટર સાથે જેટલી કડકાઈ નહીં કરેલી તેટલી વરુણ જોડે કરી. ફિલ્મના એક સીનમાં વરુણે અનુપમ ખેરની સામે જોઈને બોલવાનું હતું. ડેવિડે અનુપમ ખેરને હટાવી દીધા અને સ્ટેન્ડ પર ટેનિસ બોલ રાખી દઈને કહ્યું, આ અનુપમ ખેર છે. આની સામે જોઈને ડાયલોગ બોલ. વરુણ આમતેમ જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે મજાક ચાલી રહી છે. બીજી બાજુ ડેવિડ ગુસ્સામાં હતા. તેઓ જોરથી બોલ્યા, કર. વરુણે કહ્યું, અનુપમ સર તો અહીં જ છેને. હું ટેનિસ બોલની સામે શામાટે બોલું?
જો તું ટેનિસ બોલ સામે એક્ટિંગ નથી કરી શકતો તો તને એક્ટિંગ આવડતી નથી, ડેડી ધવને કઠોરતાપૂર્વક કહ્યું. ડેવિડને લાગતું હતું કે ધર્મા પ્રોડક્શન્સની સ્ટુડન્ટ... વાળી આરામદાયક દુનિયામાંથી આવેલા વરુણને એક્ટિંગ આવડતી નથી. એટલે જ તેઓ તેમની સાથે ખરાબ વર્તન કરતા હતા. એ ખરાબ વર્તન, એ ગુસ્સા પાછળ એક પિતાની પીડા હતી. પીડા કે તેનો દીકરો સફળ થઈ જાય. કયા બાપને નથી હોતી આ પીડા?
વરુણે બાઇક ચલાવતા-ચલાવતા એક શોટ કરવાનો હતો. વળાંક વાળતા અચાનક બાઇક સ્લીપ થઈ ગયું. ડેવિડ માઇક પર બોલ્યા, મોકલો, હજી આને ધર્મા પ્રોડક્શન્સ મોકલો. તેમણે જ લાડકોડથી મોટો કર્યો છેને આને. ત્યાં જ જવા દો. આ નહીં થાય તેનાથી.
મે તેરા હીરો હૂંના શૂટિંગ દરમિયાન તેમનો ડેવિડ ધવન સાથે ઝઘડો પણ થઈ જતો. એક દિવસ વરુણ વેનિટી વેનમાં બેસીને રડી રહ્યા હતા. ભાઈ રોહિત ત્યાં ગયો તો હસવા લાગ્યો. કહે, પપ્પાએ સંજય દત્ત, સલમાન ખાન, અજય દેવગન જેવા ટફ લોકો સાથે કામ કર્યું છે. તેઓ એટલા હાર્ડકોર છે કે પોતાની ફિલ્મો ફ્રન્ટ ફૂટ પર ખેલીને બનાવે છે. તે તને કોઈ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવાના નથી.
પિતાની ફિલ્મ કરતી વખતે તેઓ બીજી ફિલ્મો કરવા જતા ત્યારે તેનો હેન્ગ ઓવર રહેતો. તેની સાઇડ ઇફેક્ટ જોવા મળતી. બદલાપુર ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ડેથ સીન હતો, જે વરુણે બહુ જ લાઉડ ભજવ્યો. આ સીન એક હૉસ્પિટલમાં ફિલ્માવવામાં આવ્યો હતો. વરુણ એટલો લાઉડ હતો કે આસપાસના બેડ અને બીજા લોકો પણ ચકિત થઈ ગયા. ડિરેક્ટર શ્રીરામ રાઘવન તેની પાસે જઈને બોલ્યા, અરે શું કરી રહ્યો છે? ધીરેથી કર. દર્દને અંદર મહેસૂસ કર અને પછી કર. ત્યારે જઈને તે એ સ્ટાઇલમાં એડજસ્ટ થયા.
જ્યારે તેઓ બેરી જૉન પાસે એક્ટિંગનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે એક ફિલ્મનું દિગ્દર્શન પણ કરેલું. અર્જુન કપૂરે તેમાં રોલ કરેલો. એ ફિલ્મનું નામ હતું વાઇટ માઉન્ટેન. જે ડ્રગ્સ અને મર્ડર વિશેની કહાની હતી.
આ અભિનેતા પાસે ભવિષ્યમાં અનેક હટ કે મુવિઝની અપેક્ષા છે.
જીકે જંકશન
- ઇટલી તેના સૌંદર્ય માટે ફેમસ છે. આજે કોરોનાએ તેની બૂરી હાલત કરી છે, પણ તેના વિશેની ઘણી બધી બાબતો રસ પડે એવી છે, જાણવા જેવી છે.
- ઇટલીની રાજધાની રોમને ઇટરનલ સિટી પણ કહેવામાં આવે છે. આ શહેર કમસેકમ ૩,૦૦૦ વર્ષ જૂનું છે. તે ૧૮૭૧થી દેશની રાજધાની બનેલું છે.
- વેટિકન સિટી દુનિયાનો એક માત્ર એવો દેશ છે જે રાતે પોતાના ગેટ બંધ કરી શકે છે. તેની પાસે પોતાની ફોન કંપની, રેડિયો કંપની, ટીવી, સ્ટેશન અને સ્ટેમ્પની કંપની છે. એટલું જ નહીં, તેની પાસે પોતાની આર્મી પણ છે.
- ઇટલીમાં દુનિયાના કોઈ પણ દેશ કરતા વધારે પ્રતિમાઓ જોવા મળે. વરુ તેનું બિનસત્તાવાર મુખ્ય પ્રાણી છે. કહેવાય છે કે ઇટલીની સ્થાપનામાં વરુએ મહત્ત્વની ભૂમિકા ભજવેલી.
- ૨૦મી સદીના પ્રથમ છ મહિનામાં ઇટલી યુરોપના અન્ય દેશોની તુલનાએ આર્થિક દૃષ્ટિએ ઘણું પાછળ ફેંકાઈ ગયેલું. હાલ ઇટલીની અર્થવ્યવસ્થા દુનિયાની સાતમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
- ઇટલીમાં કુલ બે સ્વતંત્ર રાજ્ય છે. રિપબ્લિકન ઑફ સેન મેરિનો અને વેટિકન સિટી. સેન મેરિનો દુનિયાનું સૌથી પ્રાચીન ગણરાજ્ય છે. તેની સ્થાપના ઇસ ૩૦૧માં થયેલી. તેના શાસકોએ તેના પ્રાચીન સંવિધાનનું નિરંતર જતન કર્યું છે. તેના નાગરિકોને સમારિનિસ કહેવામાં આવે છે.
- ઇટલીનો ૮૦ ટકા વિસ્તાર પહાડોથી ઘેરાયેલો છે. સદીઓથી થતી ખેતીએ તેની પ્રાકૃતિક વનસ્પતિ અને જીવોને ખતમ કરી નાખ્યાં છે. વધુ શિકાર કરવાને કારણે તેનું વન્ય જીવન લગભગ લુપ્ત થઈ ચૂક્યું છે.
- ૧૮૬૧થી ૧૯૮૫ સુધીમાં ૨૬ લાખ ઇટાલિયનો બહેતર જીવનની શોધમાં ઇટલી છોડીને ગયા. તેમાંથી માત્ર ૨૫ ટકા પરત ફર્યા. વિશ્વનો સૌથી ઊંચો માઉન્ટેઇન પોઇન્ટ ઇટલીમાં છે. ૧૫,૭૭૧ ફુટ ઊંચો. તેનું નામ છે મોન્ટે બિયાનો. આ પર્વત આલ્પ્સ પર્વતમાળાનો ભાગ છે.
- ઇટલીને તેની કુલ આવકના ૬૩ ટકા ટુરિઝમમાંથી પ્રાપ્ત થાય છે. દર વર્ષે ૫ કરોડથી વધુ લોકો ઇટલીના પ્રવાસે જાય છે. પ્રવાસન તેની આવકનો મુખ્ય સ્રોત છે. કોવિડના તાંડવને પગલે હવે ટુરિઝમ ફરી ક્યારે શરૂ થાય એ કહેવું અઘરું.
આજની નવી જોક
છગન (લથડિયા ખાતા દારૂડિયાને): ધ્યાન રાખીને ચાલ. આગળ ગટર છે.
દારૂડિયોઃ અમે ઇકોનોમી ચલાવીએ છીએ અને તું અમને ચાલતા શીખવાડીશ?
છગનઃ હેં!?