જ્યોતિ મલ્હોત્રાને રાહત ! પોલીસે કહ્યું, ‘યુટ્યુબરનો આતંકવાદ સાથે સીધો સંબંધ હજુ સુધી મળ્યો નથી’
Youtuber Jyoti Malhotra Case : હિસાર પોલીસે હરિયાણાના હિસારમાંથી કથિત ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં મહત્ત્વનું નિવેદન જાહેર કર્યું છે. જ્યોતિએ અનેક વખત પાકિસ્તાનની યાત્રા કરી હોવાથી તેમજ પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારી દાનિસ સાથે સંબંધોની વાતો સામે આવ્યા બાદ તેના પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપો લાગ્યા છે. તેણે પાકિસ્તાનમાં કરેલી યાત્રાના વીડિયો, ખર્ચા, તેના મિત્રો, પર્સનલ ચેટ બધુ દ શંકાના ઘેરામાં આવી રહ્યું છે. જોકે હવે હિસાર પોલીસે જ્યોતિને રાહત આપતું નિવેદન જાહેર કર્યું છે.
જ્યોતિ વિરુદ્ધ ચાલી રહેલી અફવાઓને પોલીસે રદિયો આપ્યો
મીડિયા રિપોર્ટ મુજબ હિસાર પોલીસે 16 મેએ જ્યોતિને ભારતીય દંડ સંહિતાની કલમ 152 અને ભારતીય ગોપનીય અધિનિયમ હેઠળ આરોપ દાખલ કરી ધરપકડ કરી હતી. તે કેટલાક શંકાસ્પદ લોકોના સંપર્કમાં હતી અને તેણે ગુપ્ત માહિતીની આપ-લે કરી હતી. જોકે હવે આ મામલે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અહેવાલોને હિસાર પોલીસે રદિયો આપ્યો છે. પોલીસનું કહેવું છે કે, ‘હાલ જ્યોતિની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. તેની સામે ચાલી રહેલી તપાસ દરમિયાન અનેક અર્થવગરના અહેવાલો ચાલી રહ્યા છે, જેના કારણે કેસની તપાસને અસર પડી રહી છે.’
જ્યોતિના ત્રણ મોબાઈલ જપ્ત, ફોરેન્સિક તપાસ માટે મોકલાયા
પોલીસે કહ્યું કે, ‘આવા કેસમાં ફેલાઈ રહેલી અર્થહિન બાબતોના કારણે રાષ્ટ્ર સુરક્ષા જોખમાય છે. આરોપી જ્યોતિ પાસેથી ત્રણ મોબાઈલ ફોન, એક લેપટોપ અને કેટલાક અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ કબજે કરી ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલાયા છે. આ ઉપરાંત વિઝા આપનાર કુરુક્ષેત્રનો રહેવાસી હરકીરતને પૂછપરછ માટે બોલાવાયો છે. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ કબેજ લીધા છે, પરંતુ તેની ધરપકડ કરી નથી.
ज्योति मल्होत्रा के केस में आधिकारिक प्रेस नोट। भ्रामक खबरों से बचे - पुलिस अधीक्षक हिसार।@police_haryana @shashanksawan @aajtak @ABPNews @ZeeNews #Police #news pic.twitter.com/Z2HySEquXE
— Hisar Police (@HissarPolice) May 21, 2025
એજન્સીને તેની કસ્ટડી સોંપાઈ નથી : હિસાર પોલીસ
જ્યોતિ પાંચ દિવસની પોલીસ રિમાન્ડ પર છે. હિસાર પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પ્રોટોકોલ મુજબ કેન્દ્રીય એજન્સીઓ પણ તેની પૂછપરછ કરી રહી છે, પરંતુ કોઈપણ એજન્સીને આરોપીની કસ્ટડી સોંપવામાં આવી નથી. પોલીસે કહ્યું કે, આરોપીની કોઈપણ સૈન્ય, સંરક્ષણ અથવા રણનીતિક માહિતી સુધી પહોંચ હોવાની કોઈપણ હકીકત સામે આવી નથી. પોલીસ દ્વારા તેના મોબાઈલ-ગેઝેટની હજુ તપાસ કરી રહી છે.
‘હજુ તપાસ ચાલી રહી છે, કોઈ હકીકત સામે આવી નથી’
હજુ સુધી તેના મોબાઈલ અને ગેઝેટ્સની તપાસના વિશ્લેષણનું પરિણામ હિસાર પોલીસને સોંપાયું નથી. જ્યાં સુધી સંપૂર્ણ માહિતી સામે ન આવે, ત્યાં સુધી જ્યોતિની વોટ્સએપ ચેટ અંગે કોઈપણ ટિપ્પણી ન કરી શકાય. મીડિયા રિપોર્ટમાં તેની ડાયરીના પેજ જાહેરમાં દેખાડા છે, જોકે આ પેજ પોલીસના કબજામાં આવ્યા નથી. તેમના બેંક એકાઉન્ટની પણ તપાસ ચાલી રહી છે, તેથી પૈસાની લેવડ-દેવડ અંગે પણ કોઈપણ ટિપ્પણી કરવી અયોગ્ય છે. તેણી તરફથી એવી કોઈ હકીકત પ્રકાશમાં આવી નથી જે સાબિત કરી શકે કે તેણી કોઈ આતંકવાદી સંગઠનના સંપર્કમાં હતી.
પોલીસની તમામ મીડિયા અને સોશિયલ મીડિયા યુઝરને વિનંતી
હિસાર પોલીસે કહ્યું કે, ‘આરોપી આતંકવાદની ઘટનાઓમાં સામેલ હોવા અંગે હજુ સુધી કોઈપણ હકીકત સામે આવી નથી. તેણે કોઈ પીઆઈઓ સાથે લગ્ન કર્યા હોવાની કે પછી ધર્મ પરિવર્તન કર્યું હોવાની પણ હકીકત સામે આવી નથી. આ તપાસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે. પોલીસે તમામ મીડિયા અને સોશિયલ મીડિયા યુઝરને વિનંતી કરી છે કે, માત્ર સત્તાવાર જ નિવેદન જાહેર કરે. સમાચારોની સત્તાવાર પુષ્ટિ કર્યા બાદ જ પ્રસારિત કરે.