‘આ ભારત છે, હું કન્નડ ભાષા નહીં બોલું’ અધિકારી મહિલાનો VIDEO વાયરલ થતાં હોબાળો, બૅકે કરી કાર્યવાહી
Karnataka News : છેલ્લા ઘણાં સમયથી દેશના દક્ષિણ ભારતના જુદા જુદા રાજ્યોમાં સ્થાનિક ભાષા બોલનારા અને હિન્દી ભાષી લોકો વચ્ચે મતભેદ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ ઘટના ક્રમ વચ્ચે એક અધિકારીનો વીડિયો વાયરલ થતાં સ્થાનિક લોકો જોરદાર વિરોધ કરી રહ્યા છે. વીડિયોમાં એક બૅંકની મહિલા અધિકારી એક ગ્રાહકને કન્નડ ભાષામાં વાત કરવાનો ઇન્કાર કરી દે છે, ત્યારબાદ બંને વચ્ચે રકઝક થાય છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
‘કન્નડ ભાષા બોલવાનો કોઈ નિયમ નથી’ મહિલાનો વીડિયો વાયરલ
વાસ્તવમાં બેંગલુરુ સ્થિત એક બૅંકની મહિલા અધિકારીનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા બોલી રહ્યા છે કે, કન્નડ ભાષા બોલવાનો કોઈ નિયમ નથી, તેથી હું આ ભાષામાં વાત નહીં કરું. ત્યારબાદ મહિલા અધિકારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. ગ્રાહક અધિકારીને વારંવાર કહે છે કે, ‘તમે કન્નડ બોલો’. તો મહિલા અધિકારી પણ તેને સ્પષ્ટ કહી દે છે કે, ‘હું ક્યારે કન્નડ ભાષા નહીં બોલું.’ ત્યારબાદ મહિલા અધિકારી ત્યાંથી જતી રહે છે.
‘આ કર્ણાટક છે, તેથી કન્નડમાં વાત કરવી જરૂરી છે.’
વિવાદ બાદ ગ્રાહક બૅંકના કર્મચારીને કહે છે કે, ‘આ કર્ણાટક છે, તેથી કન્નડમાં વાત કરવી જરૂરી છે.’ જેના જવાબમાં અધિકારીએ કહ્યું કે, ‘આ ભારત છે.’ વીડિયો સામે આવ્યા બાદ બૅંકે ઘટના પર દિલગીરી વ્યક્ત કરી જાહેર નિવેદન જાહેર કર્યું છે. બૅંકે કહ્યું કે, બૅંક ગ્રાહકોની ભાવનાનું સન્માન કરે છે. બૅંકે અધિકારી મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરી બદલી કરી દીધી છે.’