India

જમ્મુ-કાશ્મીરમાં ડેપ્યુટી CMના કાફલાની ટક્કરથી યુવકનું મોત, ગંગ્યાલમાં સર્જાઈ દુર્ઘટના

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
જમ્મુના ગંગ્યાલમાં શનિવારે રાત્રે 8:55 વાગ્યે જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરિંદર ચૌધરીના સુરક્ષા કાફલાની કારે બિહારના ભરત કાપર નામના યુવકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. જોકે, અકસ્માત સમયે ડેપ્યુટી CM કાફલામાં હાજર નહોતા. પોલીસે FIR નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જમ્મુ-કાશ્મીરમાં ડેપ્યુટી CMના કાફલાની ટક્કરથી યુવકનું મોત, ગંગ્યાલમાં સર્જાઈ દુર્ઘટના

Jammu Kashmir Deputy CM Convoy Accident : જમ્મુ શહેરના બહારના વિસ્તાર એવા ગંગ્યાલમાં શનિવારે રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જમ્મુ-કાશ્મીરના ઉપમુખ્યમંત્રી (ડેપ્યુટી CM) સુરિંદર ચૌધરીના સુરક્ષા કાફલામાં સામેલ એક ઝડપી કારની ઝપેટમાં આવી જતાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સમયે ડેપ્યુટી CM પોતે કાફલામાં હાજર નહોતા, પરંતુ કાફલો તેમને ઘરે છોડીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.

બિહારના સમસ્તીપુરનો રહેવાસી હતો મૃતક યુવક

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત રાત્રે આશરે 8:55 વાગ્યાના સુમારે બન્યો હતો. મૃતક યુવકની ઓળખ બિહારના સમસ્તીપુર જિલ્લાના વતની ભરત કાપર તરીકે થઈ છે. ભરત ગંગ્યાલ વિસ્તારની એક સ્થાનિક દુકાનમાં કામ કરતો હતો. રાત્રિના સમયે જ્યારે તે રસ્તો ઓળંગી રહ્યો હતો, ત્યારે ડેપ્યુટી CM ના કાફલામાં સામેલ પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારે તેને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માત સર્જાયા બાદ તુરંત જ ગાડીનો ડ્રાઇવર નીચે ઉતર્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલા ભરત કાપરને બક્ષી નગર સ્થિત ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસે FIR નોંધી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે પોલીસે ગુનો (FIR) નોંધીને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તેની તપાસ શરૂ કરી દીધી છે. આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. મોડી રાત્રે શહેરી વિસ્તારોમાં વીઆઈપી (VIP) કાફલાઓની તેજ ઝડપ અને માર્ગ સલામતીને લઈને આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.