India

‘મંચ-સમય તમે નક્કી કરો, હું ડિબેટ માટે તૈયાર’, રાહુલ ગાંધીનો PM મોદીને બીજો પડકાર, 45 કેસનો ઉલ્લેખ કરી ઘેર્યા

By GS Team
3 Nov 20263 mins read
TukuTouch Logo
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, PM મોદી ગમે તે મંચ અને જગ્યા પસંદ કરી લે, તેઓ ડિબેટ કરવા તૈયાર છે. તેમણે મોહન ભાગવતને જજ બનાવવાનું પણ સૂચન કર્યું. US ડીલ, અદાણી કેસ અને એપસ્ટીન ફાઇલ જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી. રાહુલે કહ્યું, "ડરો નહીં, સામે આવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો."

Summarized by AI; it may make mistakes. Check important info

‘મંચ-સમય તમે નક્કી કરો, હું ડિબેટ માટે તૈયાર’, રાહુલ ગાંધીનો PM મોદીને બીજો પડકાર, 45 કેસનો ઉલ્લેખ કરી ઘેર્યા

Rahul Gandhi Challenges PM Modi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. રાહુલ ગાંધીએ પોતાની એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, ‘પડકાર આપ્યાને 24 કલાક થઈ ગયા છે. જો વડાપ્રધાન એમ કહેતા હોય કે વિપક્ષ દેશદ્રોહી છે, તો તેઓ ગમે તે મંચ અને જગ્યા પસંદ કરી લે, હું તેમની સાથે ડિબેટ કરવા માટે તૈયાર છું.’

‘ડિબેટમાં મોહન ભાગવતને જજ બનાવી દો’

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ચર્ચામાં મુખ્ય પ્રશ્ન એ ઊભો થવો જોઈએ કે, ‘વાસ્તવમાં દેશદ્રોહી કોણ છે અને વિદેશી તાકાતો સાથે કોનું કેવા પ્રકારનું કનેક્શન છે? આપણે બંને મળીશું, સામે મીડિયા હશે, દેશના યુવાનો હાજર રહેશે અને વચ્ચે એક ટેબલ હશે. એક તરફ વડાપ્રધાન બેસશે અને બીજી તરફ હું બેસીશ. જેને જજ બનાવવા હોય તેને બનાવી દો, મોહન ભાગવતને પણ જજ બનાવી શકાય છે, પણ એકવાર ખુલ્લી ચર્ચા થવી જોઈએ.’

US ડીલ, અદાણી કેસ, એપસ્ટીન ફાઇલ… રાહુલે PMને ઘેર્યા

કોંગ્રેસ નેતાએ સ્પષ્ટ કહ્યું કે, આ ચર્ચામાં દેશની આર્થિક વ્યવસ્થા અને માળખા પર મહત્વના સવાલો ઉઠાવવામાં આવશે. તેમણે પ્રશ્નો કરતાં કહ્યું કે, ‘અમેરિકા સાથે થયેલી ડીલ કઈ રીતે થઈ, શા માટે થઈ, આટલી ઝડપથી કેમ પતાવવામાં આવી, માત્ર વડાપ્રધાને જ આ ડીલ કેમ કરી અને કેબિનેટને આ અંગે અંધારામાં કેમ રખાઈ?’ આ ઉપરાંત તેમણે અદાણી કેસ બંધ થવા અને એપ્સટીન મામલે પણ ખુલ્લી ચર્ચાની વાત કરી હતી.

'ડરો નહીં, સામે આવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો'

તેમણે વડાપ્રધાનને કહ્યું કે, ‘આવી ઘણી બાબતો છે જેના પર ખુલ્લા મનથી ચર્ચા થશે. તમે સામે આવો, ડરો નહીં. સામસામે બેસીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો.’ તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન તેમની સામે જે આક્ષેપો મૂકે છે, તે સામસામે ચર્ચામાં બેસવાથી દેશ સમક્ષ એકદમ સ્પષ્ટ થઈ જશે.

45 કેસ કર્યા તો વિદેશી કનેક્શન મુદ્દે પણ કેસ કરો : રાહુલ ગાંધી

તેમણે બદનક્ષીના કેસોનો ઉલ્લેખ કરતા વધુમાં કહ્યું કે, ‘બીજી બાબતો પર મારી સામે બદનક્ષીના કેસો કરવામાં આવ્યા છે અને કદાચ મારી સામે આવા 45 જેટલા ડિફેમેશન કેસ ચાલી રહ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે વિદેશી કનેક્શનના આક્ષેપો પર મારી સામે કોઈ માનહાનિનો કેસ કરવામાં આવતો નથી. સરકાર આ મુદ્દે પણ મારી સામે કેસ દાખલ કરે, જેથી ત્યાં પણ આ મામલે ખુલ્લી ચર્ચા થઈ શકે.’

2 નવેમ્બરે પણ લગાવ્યા હતા ગંભીર આક્ષેપો

આ પહેલાં 2 નવેમ્બરે પણ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘મોદીજી, આ દેશ સાથે જૂઠું બોલવાનું બંધ કરો. વડાપ્રધાન વિદેશી મદદથી પદ પર પહોંચ્યા છે અને વિદેશી ટેકાથી જ ટકી રહ્યા છે. દેશની આર્થિક વ્યવસ્થા સંપૂર્ણપણે વિદેશીઓના નિયંત્રણ અને સમર્થન પર ચાલી રહી છે તથા વિદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પણ સંપૂર્ણપણે PM સાથે ઊભા છે. વડાપ્રધાન ક્યારેય મારી સાથે ચર્ચામાં નહીં આવે, કારણ કે હું તેમના વિશે જે સચ્ચાઈ જાણું છું તેનાથી તેઓ ડરે છે.’