India

ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગશે? PM મોદીએ ઓસ્ટ્રેલિયાના કાયદાના કર્યા વખાણ

By GS Team
10 Jul 20263 mins read
TukuTouch Logo
ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયને પીએમ મોદીએ મેલબોર્નમાં ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલનમાં વખાણ્યો. તેમણે કહ્યું કે, ભારત પણ ઓસ્ટ્રેલિયાના આ પ્રેરણાદાયક પગલાંમાંથી ઘણું શીખી રહ્યું છે. આ કાયદો ડિસેમ્બર 2025માં લાગુ થયો હતો, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નવા એકાઉન્ટ બનાવી શકશે નહીં. ભારત પણ આવા કડક પગલાં લેવા વિચારી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગશે? PM મોદીએ ઓસ્ટ્રેલિયાના કાયદાના કર્યા વખાણ

India social media ban under 16: શું ભારત પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે? ઓસ્ટ્રેલિયા વિશ્વનો એવો પહેલો દેશ બન્યો છે જેણે પોતાના ત્યાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને એક મોટી શીખ ગણાવી છે. મેલબોર્નમાં આયોજિત ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલનમાં બોલતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને બાકીના દેશોએ પણ ઓસ્ટ્રેલિયાના આ પ્રશંસનીય પગલામાંથી ઘણું બધું શીખ્યું છે.

પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક નિર્ણયના કર્યા વખાણ

રિપોર્ટ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ત્યાંના પીએમ એન્થની અલ્બનીઝની હાજરીમાં પીએમ મોદીએ આ કડક કાયદાની જોરદાર પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, 'જે રીતે ઓસ્ટ્રેલિયા IT અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા કાયદાઓમાં મહત્ત્વના ફેરફારો કરી રહ્યું છે, તે સમાજની સુરક્ષા માટે અત્યંત પ્રેરણાદાયક છે. બાળકોને ઓનલાઇન જોખમો અને ડિજિટલ ખતરાઓથી બચાવવા માટે ઓસ્ટ્રેલિયાએ જે પ્રયાસો કર્યા છે, તેમાંથી ભારત પણ ઘણું શીખી રહ્યું છે.'

શું છે ઓસ્ટ્રેલિયાનો આ કડક સોશિયલ મીડિયા કાયદો?

ઓસ્ટ્રેલિયા દુનિયાનો સૌપ્રથમ એવો દેશ છે જેણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બેન કરી દીધું છે. આ કાયદો ડિસેમ્બર 2025માં લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદો અમલી બન્યા બાદ ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યૂટ્યૂબ, X અને સ્નેપચેટ જેવા મોટા પ્લેટફોર્મ્સ પર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના નવું એકાઉન્ટ બનાવવા પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા સરકારે તમામ સોશિયલ મીડિયા કંપનીઓને કડક આદેશ આપ્યા છે કે તેઓ યૂઝર્સની ઉંમરની તપાસ કરવા માટે અત્યંત નક્કર અને કડક પગલાં ઉઠાવે.

વિશ્વના અન્ય દેશો પણ ઓસ્ટ્રેલિયાના માર્ગે

ઓસ્ટ્રેલિયાના આ ઐતિહાસિક નિર્ણય બાદ હવે વૈશ્વિક સ્તરે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું બાકીના દેશોમાં પણ 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ સંદર્ભમાં બ્રિટનના કાર્યવાહક પીએમ કીર સ્ટાર્મરે પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર બેન લગાવવાની તેમજ ગેમિંગ અને લાઇવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાની મોટી જાહેરાત કરી છે. આ ઉપરાંત કેનેડા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ પણ પોતાના ત્યાં આ પ્રકારના અનેક નિયંત્રણો લાદ્યા છે, જ્યારે ફ્રાન્સ, સ્પેન અને દક્ષિણ કોરિયા જેવા દેશો હાલમાં આવા કાયદા પર ગંભીર વિચારણા કરી રહ્યા છે.

શું ભારત પણ ઉઠાવશે આવું મોટું પગલું?

પીએમ મોદી દ્વારા ઓસ્ટ્રેલિયાના આ સોશિયલ મીડિયા બેનના નિર્ણયની પ્રશંસા કરવાને કારણે સોશિયલ મીડિયા પર એવી અટકળો તેજ થઈ છે કે કદાચ ભવિષ્યમાં ભારત સરકાર પણ આવો કોઈ કાયદો લાવી શકે છે. નોંધનીય છે કે બાળકોને ઓનલાઇન જોખમોથી સુરક્ષિત રાખવા માટે ભારત સરકારે અગાઉ પણ કડક પગલાં લીધાં છે. ભારતના તાજેતરના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ઍક્ટમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ડેટાને પ્રોસેસ કરવા માટે માતા-પિતાની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી છે.

આ ઉપરાંત, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ગોવા જેવા કેટલાક રાજ્યો પણ પોતાના સ્તરે બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની વકીલાત કરી ચૂક્યા છે. જોકે, ડિજિટલ એક્સપર્ટ્સના મતે ભારત સરકાર બાળકોના શિક્ષણ અને ડિજિટલ વિકાસ માટે ઇન્ટરનેટ એક્સેસને ખૂબ જ જરૂરી માને છે, તેથી ભારતમાં સોશિયલ મીડિયા પર સંપૂર્ણ બેન લગાવવાને બદલે 'પેરેન્ટલ કંટ્રોલ' (માતા-પિતાની દેખરેખ અને નિયંત્રણ) પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.