મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જેવા હાલ થશે? ચૂંટણી પંચને મળ્યું બળવાખોર જૂથ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

West Bengal TMC Political Crisis: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. ગુરુવારે (2 જુલાઈ) તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદોના જૂથે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી અને બે તૃતીયાંશ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે.
ચૂંટણી પંચ સાથે મુલાકાત બાદ રિતબ્રત બેનરજીનો દાવો
EC(ઈલેક્શન કમિશન) સાથે મુલાકાત બાદ રિતબ્રત બેનરજીએ કહ્યું-
22 જૂનના રોજ કોલકાતામાં અમારા ડેલિગેશનની બેઠક મળી હતી. તેમાં નેશનલ કમિટી ચૂંટવામાં આવી, અમે 23 જૂને ચૂંટણી પંચને આ અંગે જાણ કરી દીધી હતી અને ચૂંટણી પંચ પાસે માંગણી કરી હતી કે અમને મળવાની તક આપવામાં આવે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યો અમારી સાથે છે, કાઉન્સિલરો, જિલ્લા પરિષદના સભ્યો બધા અમારી સાથે છે.
પરિવારવાદ, સરમુખત્યારશાહી અને ભ્રષ્ટાચાર સામે લડાઈનો દાવો
તેમણે આગળ કહ્યું, 'અમારી લડાઈ એ કલ્ચર વિરુદ્ધ છે, જેમાં પાયાના સ્તરની પાર્ટીને એક પરિવારવાદની પાર્ટી બનાવી દીધી, સરમુખત્યારશાહી વિરુદ્ધ આ લડાઈ છે. અમારી લડાઈ સિન્ડિકેટ ચલાવનારાઓ વિરુદ્ધ છે. આ જે પરિણામ છે તે ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે.'
રિતબ્રતબેનરજીએ પાર્ટીમાં ભંગાણને લઈને કહ્યું-
તૃણમૂલ કોંગ્રેસમાં ભંગાણની તો કોઈ વાત જ નથી, કારણ કે અસલી તૃણમૂલ કોંગ્રેસ તો અમે જ છીએ. અમે ચૂંટણી પંચને આ જણાવ્યું છે, મમતા બેનરજી શું કહે છે અભિષેક બેનરજી શું કહે છે, તેનાથી અમને કોઈ મતલબ નથી. અમે 23 જૂને જ ચૂંટણી પંચને પત્ર લખીને આ અંગે જણાવી દીધું હતું.
બળવાખોર જૂથ પાસે 64 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો
294 સભ્યોની પશ્ચિમ બંગાળ વિધાનસભામાં TMCના કુલ 80 ધારાસભ્યો છે. રિતબ્રત બેનરજીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે તેમની પાસે 64 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે, પાર્ટી પ્રમુખ મમતા બેનરજી અને અભિષેક બેનરજી પ્રત્યે વફાદાર મૂળ તૃણમૂલ જૂથ સાથે હાલમાં માત્ર 20 ધારાસભ્યો છે.
ધારાસભ્યોની સહીઓમાં કથિત ગેરરીતિની સીઆઈડી તપાસ
બીજી તરફ, વિધાનસભા અધ્યક્ષને સોંપવામાં આવેલા એ પ્રસ્તાવમાં કેટલાક ધારાસભ્યોની સહીઓમાં કથિત ગેરરીતિની તપાસ પણ CID કરી રહી છે, જેમાં સોવંદેબ ચટ્ટોપાધ્યાયને વિરોધ પક્ષના નેતા, અસીમા પાત્રા અને નૈના બંદ્યોપાધ્યાયને ઉપનેતા વિરોધ પક્ષ અને ફિરહાદ હકીમને તૃણમૂલ ધારાસભ્ય દળના મુખ્ય વ્હીપ તરીકેની નિમણૂક અપાઈ હતી.
રિતબ્રત બેનરજી સત્તાવાર રીતે વિરોધ પક્ષના નેતા બન્યા
રિતબ્રત બેનરજી અને સંદીપન સાહાની સહીઓમાં કથિત ગેરરીતિનો મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ CIDએ તપાસ શરૂ કરી હતી. આ પછી તરત જ તૃણમૂલ કોંગ્રેસે બંને નેતાઓને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ રિતબ્રત બેનરજીની આગેવાનીમાં 60 ધારાસભ્યોએ બળવો કરીને પોતાને બહુમતી વાળું જૂથ ગણાવતા નવો પ્રસ્તાવ વિધાનસભા અધ્યક્ષને સોંપ્યો હતો. વિધાનસભા અધ્યક્ષે આ નવા પ્રસ્તાવને સ્વીકારીને રિતબ્રત બેનરજીને સત્તાવાર રીતે વિરોધ પક્ષના નેતા તરીકે માન્યતા આપી દીધી હતી.









