India

હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી? CMના નિર્ણયથી ભારે નારાજગી, ટ્રસ્ટે કહ્યું- આ મંદિર તમારું નથી

By GS Team
15 Jul 20263 mins read
TukuTouch Logo
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની પહેલી આરતીના પ્રોટોકોલમાં ફેરફારની જાહેરાત કરી છે. અત્યાર સુધી આ વિશેષાધિકાર કર્ણાટકના મુખ્યમંત્રી પાસે હતો, પરંતુ હવે ધારાસભ્યો, સાંસદો અને ન્યાયાધીશોને પણ તક આપવાની વાત છે. TTD બોર્ડે આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે, કારણ કે આ મૈસૂરના મહારાજનો પરંપરાગત અધિકાર છે. ભાજપે તેને રાજકીય લાભ માટેનો બિનજરૂરી વિવાદ ગણાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી? CMના નિર્ણયથી ભારે નારાજગી, ટ્રસ્ટે કહ્યું- આ મંદિર તમારું નથી
IMAGE - IANS

Tirupati Balaji Temple Dispute: તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની પહેલી પૂજા અને આરતી કોણ કરી શકે, તે પ્રોટોકોલને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે જાહેરાત કરી છે કે તેઓ પહેલી આરતીના અધિકારવાળા જૂના નિયમમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધીના નિયમ મુજબ આ પહેલી આરતી કરવાનો વિશેષાધિકાર માત્ર કર્ણાટકના મુખ્યમંત્રી પાસે જ હતો અને તેમના વતી રાજ્ય સરકારના સ્પેશિયલ ઓફિસર આ આરતી કરતા હતા. જોકે, હવે શિવકુમાર નવો પ્રોટોકોલ લાવવાની તૈયારી કરી રહ્યા છે, જેથી રાજ્યના લોકપ્રતિનિધિઓને પણ આ પૂજા કરવાનો મોકો મળે.

ધારાસભ્યો અને સાંસદોને પણ આરતીનો હક મળવો જોઈએ: ડી.કે. શિવકુમાર

ડી.કે. શિવકુમારના જણાવ્યા અનુસાર, સરકાર એવો નવો પ્રોટોકોલ લાવવા જઈ રહી છે જેનાથી જો મંદિર પરિસરમાં કોઈ ધારાસભ્ય, સાંસદ કે જજ હાજર હોય, તો તેમને પણ પહેલી આરતી કરવાનો અધિકાર મળશે. તેમનું કહેવું છે કે લોકપ્રતિનિધિઓ જનતા દ્વારા ચૂંટાઈને આવે છે અને તેઓ પ્રજાનો અવાજ છે. આથી તેમને પણ ભગવાન ગોવિંદાની પહેલી આરતી કરવાનો હક મળવો જ જોઈએ. કર્ણાટકના મંત્રી રામલિંગા રેડ્ડીએ પણ આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું છે કે આ મામલે ટૂંક સમયમાં જ તિરુમલા દેવસ્થાનમ બોર્ડ સાથે ચર્ચા કરવામાં આવશે.

દેવસ્થાનમ બોર્ડ નારાજ: 'આ શિવકુમારનું વ્યક્તિગત મંદિર નથી'

કર્ણાટક સરકારની આ યોજના સામે તિરુપતિ તિરુમલા દેવસ્થાનમ (TTD) બોર્ડના સભ્ય ભાનુ પ્રકાશ રેડ્ડીએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ દરખાસ્તની આકરી ટીકા કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, 'મંદિરમાં આરતી કોણ કરશે અને પરંપરાઓ શું રહેશે, તે નક્કી કરવાનું કામ દેવસ્થાનમ બોર્ડનું છે, મુખ્યમંત્રીનું નહીં. આ કંઈ ડી.કે. શિવકુમારનું પોતાનું વ્યક્તિગત મંદિર નથી. આ પરંપરાગત અધિકાર મૈસૂરના મહારાજનો છે, કોઈ રાજકીય નેતાનો નહીં.'

મૈસૂરના રાજવી પરિવાર સાથે જોડાયેલો છે આ અધિકારનો ઇતિહાસ

ઐતિહાસિક તથ્યો મુજબ, તિરુપતિ બાલાજી મંદિરના નિર્માણમાં મૈસૂરના મહારાજ કૃષ્ણદેવ રાયનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. આ જ કારણસર કર્ણાટક (અગાઉનું મૈસૂર રાજ્ય)ને ભગવાન વેંકટેશ્વરની પહેલી આરતી કરવાનો પરંપરાગત અને ઐતિહાસિક અધિકાર મળેલો છે. મૈસૂર રાજપરિવારના સભ્યો હંમેશા તિરુપતિમાં હાજર રહી શકે તેમ ન હોવાથી, તેમના વતી આ પૂજા સંપન્ન કરવા માટે કર્ણાટક સરકારના એક ખાસ અધિકારી (સ્પેશિયલ ઓફિસર)ની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ હવે સરકાર આ ઐતિહાસિક પરંપરામાં ફેરફાર કરવા માંગે છે.

ભાજપે કર્યો ઉગ્ર વિરોધ: 'શિવકુમાર જાણીજોઈને વિવાદ ઊભો કરી રહ્યા છે'

વિરોધ પક્ષ ભાજપે પણ ડી.કે. શિવકુમારના આ પ્રસ્તાવનો જોરદાર વિરોધ કર્યો છે. કર્ણાટકના પૂર્વ સીએમ અને ભાજપના સાંસદ બસવરાજ બોમ્મઈએ આને તદ્દન બિનજરૂરી વિવાદ ગણાવ્યો છે. બોમ્મઈએ પ્રશ્ન ઉઠાવ્યો કે, 'જ્યારે ભગવાનના દરબારમાં બધા ભક્તો સમાન જ છે, તો પછી લોકપ્રતિનિધિઓને પહેલી આરતીનો ખાસ અધિકાર આપવાની વાત જ ક્યાંથી આવે? ડી.કે. શિવકુમાર રાજકીય ફાયદા માટે આ વિવાદ ઊભો કરી રહ્યા છે. મંદિરની તમામ વ્યવસ્થાઓ સ્વાયત્ત બોર્ડ હસ્તક હોય છે અને તેમાં સરકાર કે કોઈ રાજકીય પક્ષની દખલઅંદાજી બિલકુલ યોગ્ય નથી.'