'દેશના તમામ મોટા કાર્યક્રમો ગુજરાતમાં જ કેમ?': નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મામલે રાજ ઠાકરેએ ઉઠાવ્યા સવાલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Raj Thackeray On National Film Awards : નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહને 72 વર્ષમાં પહેલીવાર દેશની રાજધાની દિલ્હીથી ગુજરાતના કેવડિયા ખસેડવામાં આવતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. આ નિર્ણય સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરતાં તેમણે આક્ષેપ કર્યો છે કે દેશની આર્થિક રાજધાની મુંબઈના મહત્વને ઘટાડવાના પ્રયાસો તો લાંબા સમયથી ચાલી જ રહ્યા છે, પરંતુ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું મહત્વ પણ ધીમે ધીમે ઓછું કરવાની કોશિશ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જ્યારે તમે જાતે કશું નવું સર્જન નથી કરી શકતા, ત્યારે જૂની પરંપરાઓ, નામો અને સ્થળો બદલીને એક ભ્રામક ઈતિહાસ રચવાનો પ્રયાસ કરો છો.
કાર્યક્રમ દિલ્હીથી ગુજરાત ખસેડાયા રાજ ઠાકરેએ કેન્દ્ર પર કર્યા પ્રહાર
રાજ ઠાકરેએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘નેશનલ ફિલ્મ એવોર્ડ્સના 72 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ સમારોહ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી ગુજરાતના કેવડિયા ખાતે ખસેડવામાં આવી રહ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈનું કદ નાનું કરવાના સંગઠિત પ્રયાસો તો ચાલી જ રહ્યા છે, હવે રાષ્ટ્રીય રાજધાનીનું મહત્વ પણ ઘટાડવાનું શરૂ થયું છે. આ એવોર્ડ સમારોહને ખસેડવા પાછળનું અસલ કારણ શું છે? એવું લાગે છે કે, પોતાના દમ પર કશું નવું બનાવી ન શકવાના કારણે, નામ અને સ્થળો બદલીને ભ્રામક ઈતિહાસ ઊભો કરવાની આ વ્યૂહરચના છે. કદાચ કેન્દ્રમાં સત્તા પર બેઠેલા બે નેતાઓને એવો અહેસાસ થઈ ગયો છે કે તેમનો પ્રભાવ ભવિષ્યમાં માત્ર ગુજરાત પૂરતો જ સીમિત રહી જશે, એટલે જ તેઓ ત્યાં કોઈક રીતે ભવ્યતા અને મહત્વ સ્થાપિત કરવા માટે મક્કમ બન્યા છે.’
‘મુંબઈ કે દક્ષિણનું રાજ્ય કેમ પસંદ ન કર્યું?’
મનસે પ્રમુખે સવાલ ઉઠાવતા આગળ જણાવ્યું છે કે, ‘જો સમારોહનું સ્થળ બદલવું જ હતું, તો પછી તેને મુંબઈ કેમ ન લઈ જવાયો? જ્યાં દાદાસાહેબ ફાળકેએ ભારતીય સિનેમાનો પાયો નાખ્યો હતો તે રાજ્યમાં આ પુરસ્કાર વિતરણ કેમ ન થઈ રહ્યું? મહારાષ્ટ્રમાં અથવા તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ કે તેલંગાણા જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાં કેમ નહીં, જ્યાં સૌથી વધુ ફિલ્મોનું નિર્માણ થાય છે? દક્ષિણના રાજ્યોના રાજકારણને ઘડવામાં સિનેમાએ હંમેશાં મહત્વની ભૂમિકા ભજવી છે. તો પછી ખાસ ગુજરાત જ શા માટે પસંદ કરવામાં આવ્યું?’
‘તેઓ આખરે દેશને શું મેસેજ આપવા માગે છે?’
કેન્દ્રના નેતૃત્વ સામે પ્રહારો ચાલુ રાખતાં તેમણે વધુમાં ઉમેર્યું છે કે, ‘ભૂતકાળના કોઈપણ વડાપ્રધાને પોતાના જન્મસ્થળ કે કર્મભૂમિ ધરાવતા રાજ્યોનું કદ કૃત્રિમ રીતે વધારવાનો પ્રયાસ ક્યારેય કર્યો નહોતો. આપણે જોઈ રહ્યા છીએ કે કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાય છે, વર્ષ 2023નો ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ ગુજરાતમાં રમાડાય છે, વિદેશથી આવતા રાષ્ટ્રાધ્યક્ષોને ગુજરાત લઈ જવાય છે અને ગિફ્ટ સિટી પ્રોજેક્ટને મુંબઈથી ગુજરાત ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ બધું કરીને આખરે શું મેસેજ આપવા માગે છે? શું તેઓ એવું સાબિત કરવા માગે છે કે આ દેશનો પાયો માત્ર ગુજરાતમાં જ નંખાયો હતો? આજનો ભારત દેશ અસંખ્ય પેઢીઓના બલિદાન અને દેશના દરેક પ્રદેશના યોગદાનનું પરિણામ છે. આ લોકોને ગુજરાત સિવાયના દેશના અન્ય પ્રદેશોની યાદ માત્ર સ્થાનિક ચૂંટણીઓ વખતે જ આવે છે, જ્યારે તેઓ ત્યાં જઈ સ્થાનિક પહેરવેશ ધારણ કરે છે, ભાષણો આપે છે અને રાજ્યો સાથે જૂનો સંબંધ હોવાનો દાવો કરીને મતો મેળવે છે.’
‘ઓસ્કાર : અમેરિકી પ્રમુખોએ ક્યારેય સ્થળ બદલ્યું નથી’
આંતરરાષ્ટ્રીય ઉદાહરણ આપતાં તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે કે, ‘સત્તા પર બેઠેલા લોકો કળાના સાચા કદરદાન તરીકે જાણીતા નથી. તેમની એકમાત્ર ‘કળા’ કોઈપણ ભોગે ચૂંટણીઓ જીતવી અને બાકીના લોકોને પોતાની લાઈનમાં ઊભા રહેવા મજબૂર કરવાની છે. સિનેમા સાથે તેમનો સંબંધ માત્ર પ્રોપગેન્ડા ફિલ્મો બનાવડાવવા અને તેને એવોર્ડ અપાવવા પૂરતો જ છે. કલાકારોએ આ નિર્ણય સામે અવાજ ઉઠાવવો જ પડશે. મુદ્દો એ નથી કે સમારોહ કેવડિયામાં થાય છે કે અન્ય ક્યાંય, પરંતુ કલાકારોએ સવાલ કરવો જોઈએ કે દેશની રાજધાનીમાં સ્થાપિત થયેલી ભવ્ય પરંપરાને કેમ તોડવામાં આવી રહી છે? નહીં તો એવો દિવસ પણ આવશે જ્યારે એવો આદેશ નીકળશે કે જો કાર્યક્રમ ગુજરાતમાં નહીં થાય તો નેશનલ એવોર્ડ જ નહીં અપાય. ઓસ્કાર હંમેશાં લોસ એન્જલસમાં જ યોજાય છે. ટ્રમ્પ, બુશ કે ઓબામા જેવા નેતાઓએ પણ તેને ક્યારેય પોતાના ગૃહરાજ્યમાં લઈ જવાની કોશિશ કરી નહોતી.’
ગુજરાતી ભાઈઓને ગેરમાર્ગો ન જવા અપીલ
પોતાની વાતના અંતે મનસે વડાએ ચેતવણીના સૂરે નોંધ્યું છે કે, ‘હું મારા ગુજરાતી ભાઈઓને અપીલ કરું છું કે તેઓ આ લોકોની વાતોમાં ગેરમાર્ગે ન જાય. તમારી ભાષા બોલતા નેતાઓ સત્તામાં છે તે વાતનો અત્યારે મળતો આનંદ, સત્તા ગયા પછી અત્યંત પીડાદાયક સાબિત થશે. દેશના અન્ય પ્રદેશોના નાગરિકો અને નેતાઓ પોતાના રાજ્યો અને સ્થાનિક વ્યવસાયો સાથે થયેલા અન્યાયનો હિસાબ જરૂર લેશે. અમે આ મુદ્દે અવાજ ચોક્કસ ઉઠાવીશું, પણ દેશભરના કલાકારોએ પણ સ્ટેન્ડ લેવું પડશે. જો મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યો મક્કમ વલણ નહીં અપનાવે, તો આ લોકો દક્ષિણ અને દખ્ખણ ક્ષેત્રની અસ્મિતા તથા ઓળખને કચડી નાખશે, અને પછી ઘણું મોડું થઈ ચૂક્યું હશે.’




