Get The App

શરદ પવાર, પાર્થ કે પછી પ્રફુલ્લ પટેલ... હવે કોણ સંભાળશે અજિત પવારની NCP?

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
શરદ પવાર, પાર્થ કે પછી પ્રફુલ્લ પટેલ... હવે કોણ સંભાળશે અજિત પવારની NCP? 1 - image


તસ્વીરમાં પ્રથમ છગન ભુજબળ, પ્રફુલ્લ પટેલ, શરદ પવાર, પાર્થ પવાર, સુનેત્રા પવાર

Ajit Pawar Successor NCP : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારનું 66 વર્ષની ઉંમરે બુધવારે (28 જાન્યુઆરી) સવારે એક પ્લેન અકસ્માતમાં નિધન થયું છે. તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે 11 વાગ્યે બારામતી ખાતે કરવામાં આવશે. તેઓ મુંબઈથી પ્રાયવેટ વિમાનમાં બારામતી જવા માટે નીકળ્યા હતા, જોકે લેન્ડિંગ વખતે વિમાનમાં ટેકનિકલ ખામી આવવાથી આ ગંભીર દુર્ઘટના બની છે. અજિત પવારના નિધનના સમાચાર સાંભળતા જ પવાર પરિવાર અને દાદાના ચાહકોમાં દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.

અજિત પવારની રાજકીય કરિયર

35 વર્ષની રાજકીય કરિયરમાં અજિત પવાર છ વખત નાયબ મુખ્યમંત્રી અને છ વખત ધારાસભ્ય બન્યા હતા. એટલું જ નહીં તેમણે નાણાંમંત્રી તરીકે મહારાષ્ટ્રમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું હતું. જોકે તેમનું અચાનક નિધન મહારાષ્ટ્રના રાજકારણ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

નાયબ મુખ્યમંત્રી અજિત પવારે ભલે કાકા શરદ પવારની આંગળી પકડીને રાજકારણ શીખ્યું હોય, પરંતુ ભત્રીજાએ રાજકીય ઉડાન ભરવા માટે અલગ રાહ પસંદ કરી હતી. જોકે હવે તેમનું અચાનક નિધન થયા બાદ સવાલ ઉઠ્યો છે કે, હવે અજિત પવારની એનસીપી કોણ સંભાળશે?

આ પણ વાંચો : અજિત પવાર પ્લેન ક્રેશ: આવતીકાલે અંતિમ સંસ્કાર, ફડણવીસ અને શિંદે બારામતી પહોંચ્યા

મહારાષ્ટ્રના રાજકારણનાં માહિર ખેલાડી

અજિત અનંતરાવ પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં માહિર ખેલાડી તરીકે ઓળખાતા હતા. તેઓ શરદ પવારની છત્રછાયા હેઠળ રાજકારણમાં આગળ વધ્યા, પરંતુ કાકા દિલ્હી જતા રહ્યા બાદ તેમણે માત્ર બારામતી જ નહીં, રાજ્યના રાજકારણમાં પણ પોતાની પક્કડ મજબૂત કરી હતી. આ જ કારણે તેઓ શરદ પવારના રાજકીય ઉત્તરાધિકારી મનાતા હતા.

NCPના રાજકીય ભવિષ્યને લઈ ચિંતા ઉઠી

જ્યારે શરદ પવારે રાજકીય વારસદાર તરીકે પુત્રી સુપ્રિયા સુલેને આગળ વધારી તો અજિત પવારે પોતાનો રસ્તો બદલી નાખ્યો હતો. તેમણે 2023માં કાકા પાસેથી આખી પાર્ટી છિનવી લીધી, જેમાં એનસીપીના તમામ મોટા નેતાઓએ શરદ પવારનો સાથ છોડીને અજિત પવાર સાથે જતા રહ્યા. હવે અચાનક તેમનું નિધન થયા બાદ એનસીપીના રાજકીય ભવિષ્યને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો : VIDEO : અજિત પવારનું નિધન: ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા સુપ્રિયા સુલે, સમર્થકોના આક્રંદથી બારામતી હિબકે ચડ્યું

અજિત પવારની NCPને કોણ સંભાળશે?

અજિત પવારે પાર્ટીના મજબૂત નેતાઓનો સાથ મેળવીને NCP પર કબજો જમાવ્યો હતો. અજિતની સાથે છગન ભુજબળથી લઈને પ્રફુલ્લ પટેલ, ધનંજય મુંડે, અદિતિ તટકરે, નરહરિ ઝિરવાલ, મકરંદ પાટિલ, બાલા સાહેબ પાટિલ, ઈન્દ્રનીલ નાઇક, સુનીલ તટકરે દત્તાત્રેય અને નિતિન લક્ષ્મણરાવ જાદવ જેવા દિગ્ગજ નેતાઓએ શરદ પવારનો સાથ છોડી દીધો હતો.

અજિત પવાર બાદ એનસીપીમાં નંબર બે પર પ્રફુલ્લ પટેલનું નામ આવે છે, પરંતુ છગન ભુજબલની રાજકીય પક્કડ મજબૂત હોવાના કારણે તેમને મહારાષ્ટ્ર સરકારમાં સામેલ કરવા પડ્યા હતા.

અજિત પવાર બાદ પ્રફુલ્લ પટેલ એનસીપીના રાજકીય વારસ હશે, તે પર શંકા છે. પ્રફુલ્લ પટેલ મોટા નેતા જરૂર છે, પરંતુ રાજ્યના રાજકારણમાં પાયાના નેતા તરીકે તેમની ઓળખ ક્યારે જોવા મળી નથી. તેઓ શરુઆતથી જ વ્હાઇટ કૉલર અને એસી રૂમવાળું રાજકારણ કરે છે, જેના કારણે એનસીપીના નેતાઓ તેમને સમર્થન આપશે, તેવું લાગી રહ્યું નથી.

આ પણ વાંચો : બારામતી પ્લેન ક્રેશ: અજિત પવાર માટે 'કાળ' સાબિત થઈ ધુમ્મસ! માત્ર 800 મીટર હતી વિઝિબિલિટી

NCPના રાજકીય વારસ પાર્થ પવાર અથવા સુનેત્રા પવાર?

અજિત પવારના નિધન બાદ સવાલ એ છે કે, હવે પાર્ટીનું શું થશે? વાત માત્ર પાર્ટીની જ નહીં, તેમના રાજકીય વારસની પણ છે. અજિતના પત્ની સુનેત્રા પવાર હાલ રાજ્યસભા સાંસદ છે, પરંતુ તેમની રાજકીય સફર ખૂબ નાની છે. અજિત સુનેત્રાને 2024ની લોકસભા ચૂંટણીમાં લાવ્યા હતા. એટલે કે સુનેત્રાએ તેમની પ્રથમ લોકસભા ચૂંટણી લડી હતી અને તેઓ સુપ્રિયા સુલે સામે હારી ગયા હતા. ત્યારબાદ અજિતે તેમને રાજ્યસભા મોકલ્યા.

અજિત પવારના બે પુત્રો છે. એકનું નામ પાર્થ અને બીજાનું જય છે. અજિત પુત્ર પાર્થને પોતાના રાજકીય વારસદાર તરીકે રાજકારણમાં લાવ્યા. પાર્થ 2019ની લોકસભા ચૂંટણી પણ લડ્યા છે. જ્યારે જય પવાર બિઝનેસ કરે છે. અજિત પવારના રાજકીય વારસ તરીકે પત્ની સુનેત્રા અને પુત્ર પાર્થનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે, જોકે તેઓ બંને પાસે રાજકીય અનુભવ ઓછો છે. આવી સ્થિતિમાં તેઓ બંને માટે NCPને એક રાખીને ચાલવું મોટો રાજકીય પડકાર છે.

આ પણ જુઓ : PHOTO, મહારાષ્ટ્ર પ્લેન ક્રેશના ભયાનક દૃશ્યો, અજિત પવારના અચાનક મૃત્યુથી પરિવારને આઘાત

તો શું શરદ પવાર NCPની કમાન સંભાળશે?

અજિત પવાર સાથે ગયેલા તમામ નેતાઓને રાજકારણમાં લાવવામાં સૌથી મોટો ફાળો શરદ પવારનો છે. છગન ભુજબળથી લઈને હસન મુશ્રીફ, ધનંજય મુંડે અને સુનીલ તટકરેના શરદ પવાર સાથે કેવા સંબંધો છે, તે જગજાણીતા છે. એટલું જ નહીં શરદ પવારે પ્રફુલ્લ પટેલને પણ રાજકારણમાં આગળ વધાર્યા હતા. આવી સ્થિતિમાં શું શરદ પવાર ફરીથી NCPને એક કરવા તરફ પગલાં લેશે?

જ્યારે અજિત પવાર હતા, ત્યારે એનસીપીના નેતાઓ તેમની સાથે હતા, પરંતુ હવે તે રહ્યા નથી, તો પછી શરદ પવાર ફરી એનસીપી પોતાના હાથમાં લઈ શકે છે. શરદ પવાર રાજકારણના માહિર ખેલાડી છે, તેમને દુશ્મનને દોસ્ત બનાવવાની પણ કળા આવડે છે. અજિતના નિધન બાદ તેઓ એનસીપીના તમામ નેતાઓને પોતાની સાથે લાવવાનો પ્રયાસ કરી શકે છે.

NCPના નેતાઓ પણ સમજે છે કે, તેમનું રાજકીય ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત હોઈ શકે છે. શરદ પવારના ખભે હવે માત્ર પરિવારને એક કરવાની જ નહીં, પરંતુ NCPને એક કરવાની પણ જવાબદારી આવી ગઈ છે. આ જ કારણે પવારના નિધન બાદ શરદ પવારથી લઈને સુપ્રિયા સુલે અને રોહિત પવાર સુધીના તમામ લોકો પરિવારની સાથે ઊભા છે. હવે જોવાનું એ છે કે, એનસીપીની કમાન કોણ સંભાળશે?

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં વિમાન દુર્ઘટના: ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, કપડાં પરથી કરાઈ મૃતદેહોની ઓળખ