Maharastra News : મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજિત પવાર હાજર પણ હાજર હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજિત પવાર સહિત 5 લોકોનું નિધન થઈ ગયું છે. વિમાનમાં અજિત પવાર સહિત બે પાઇલટ, 1 ક્રૂ મેમ્બર અને 1 અન્ય વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમને આશા હતી કે અજિત પવાર રાજકારણમાં લાંબી ઈનિંગ રમશે પણ એવું ના થયું. આ ઘટનાને લઈને સમગ્ર મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
AJIT PAWAR PLANE CRASH LIVE UPDATES
આવતીકાલે સવારે 11 વાગ્યે અજિત પવારના અંતિમ સંસ્કાર કરાશે
વડાપ્રધાન મોદીએ શરદ પવાર જોડે વાતચીત કરીને તેમને સાંત્વના આપી હતી. આ સાથે અજિત પવારની આવતીકાલે 11 વાગ્યે અંતિમવિધિ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.
કપડાં અને ઘડિયાળ પરથી કરાઈ અજિત પવારની ઓળખ
આ ઘટના પછી પોલીસ અને તપાસ એજન્સીઓના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે, મૃતદેહો ક્ષતવિક્ષત થઈ ગયા હોવાથી ઓળખ કરવી મુશ્કેલ હતી. આ સ્થિતિમાં અજિત પવારની ઓળખ કપડાં અને ઘડિયાળ પરથી કરાઈ હતી.
દુર્ઘટના વખતે વિમાનનું સુકાન કેપ્ટન શાંભવી પાઠક પાસે હતું
બારામતીમાં ક્રેશ થયેલું વિમાન લિયરજેટ 45 (Learjet 45) હતું, જેનું વજન 9,752 કિલો હતું. આ દુર્ઘટના વખતે વિમાનનું સુકાન ફર્સ્ટ ઓફિસર કેપ્ટન શાંભવી પાઠક પાસે હતું. શાંભવી પાઠક ઉડ્ડયન ક્ષેત્રે બહોળો અનુભવ અને તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા. શાંભવી પાઠકે પ્રારંભિક શિક્ષણ દિલ્હીની પ્રતિષ્ઠિત 'એરફોર્સ બાલ ભારતી સ્કૂલ'માંથી કર્યો હતો. આકાશમાં ઉડવાનું સપનું સેવનાર શાંભવી પાઠકે મુંબઈ યુનિવર્સિટીમાંથી એરોનોટિક્સ/એવિએશન/એરોસ્પેસ સાયન્સ અને ટેકનોલોજીમાં બી.એસસી. ડિગ્રી હાંસલ કરી હતી. ત્યાર પછી પાયલોટ બનવા ખાસ તાલીમ લેવા 'ન્યૂઝીલેન્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પાયલોટ એકેડેમી'માંથી વ્યવસાયિક તાલીમ લીધી હતી. આ દુર્ઘટના બાદ ઉડ્ડયન જગત અને શાંભવી પાઠકના પરિવારમાં પણ શોકની લહેર પ્રસરી ગઈ છે. હાલ તપાસ એજન્સીઓ આ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પ્રયત્નશીલ છે.
આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કેપ્ટન સુમિત કપૂર (પાઇલટ-ઇન-કમાન્ડ), કેપ્ટન શામ્ભવી પાઠક (ફર્સ્ટ ઓફિસર), વિદીપ જાધવ (પર્સનલ સિક્યુરિટી ઓફિસર) અને પિંકી માલી (ફ્લાઈટ એટેન્ડન્ટ) એમ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ગાઢ ધુમ્મસને કારણે એરસ્ટ્રીપ ન દેખાઈ?
સૂત્રો દ્વારા પ્રાથમિક તપાસ પરથી દાવો કરાયો છે કે, ધુમ્મસને કારણે પાઇલટને એરસ્ટ્રીપ જ દેખાઈ નહોતી જેના કારણે વિમાન રન-વે પર લેન્ડ ન થઈ શક્યું. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી અને લેન્ડિંગ સમયે જ પાઇલટ થાપ ગયાનો દાવો કરાયો છે. જો કે કેટલાક સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના પગલે તે ક્રેશ થઇ ગયું. વિમાને ક્રેશ થતાં પહેલા બે વખત લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. અત્યારે એએઆઈબી દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને તેના પછી જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે.
વિમાન ક્રેશ થવાનું કારણ શું?
બારામતીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજિત પવાર ત્યાં જઇ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થવાનું કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિમાન આગમાં લપેટાઈ ગયું છે. ધૂમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. અહેવાલોમાં અનુસાર આ વિમાનમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપીના લીડર અજિત પવાર હાજર હતા. વિમાન ક્રેશ થયા બાદ આખો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.
ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા અજિત પવાર!
અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હોવાની ચર્ચા છે ત્યારે જ અધવચ્ચે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. એનસીપી નેતા માજિદ મેમણે જણાવ્યું કે અજિત પવાર આજે બારામતી આવવાના હતા. વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા. સવારે 8:45 વાગ્યાની આજુબાજુમાં જ આ વિમાન રન વે પર લેન્ડ થતી વખતે ક્રેશ થઇ ગયું હતું. આ દરમિયાન ડીજીસીએએ પણ વિમાન દુર્ઘટનાની પુષ્ટિ કરી હતી.
મહારાષ્ટ્રના રાજકારણમાં શોકની લહેર
અજિત પવારના નિધન પર મહારાષ્ટ્રના રાજકારણમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ સાથે આ મામલે ચર્ચા કરી ઘટનાની જાણકારી મેળવી હતી. આ સાથે સુપ્રિયા સુલે પણ બારામતી જવા રવાના થયા હતા. બીજી બાજુ વિપક્ષના નેતાઓ સંજય રાઉત, મહેબુબા મુફ્તી, ચંદ્રબાબુ નાયડુ અને મમતા બેનરજી સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.


