શું છે કાર્બાઈડ ગન? જે દિવાળી પર બની 'કાળ', 300 ઈજાગ્રસ્ત; 20થી વધુ બાળકોએ આંખની રોશની ગુમાવી

What Is Carbide Gun : એક તરફ દેશભરમાં દિવાળીની ઉજવણી થઈ રહી હતી, ત્યારે બીજી તરફ એક ખતરનાક ટ્રેન્ડના કારણે અનેક લોકો હોસ્પિટલ પહોંચ્યા છે. મધ્ય પ્રદેશમાં 'કાર્બાઇડ ગન'ની ઝપેટમાં આવવાથી બાળકો સહિત 30 લોકોએ પોતાની આંખોની રોશની ગુમાવી છે. આંખોમાં ગંભીર ઈજા થવાના કારણે બાળકો અને વયસ્કો સહિત 300થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં આની સૌથી ગંભીર અસર જોવા મળી છે, જ્યાં સ્થાનિક બજારોમાં આ ગનનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. બિહાર સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ આ ગનથી લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
પ્રતિબંધ છતાં વેચાણ
મધ્યપ્રદેશ સરકારે દિવાળી પહેલા 18 ઓક્ટોબરે આ કાર્બાઇડ ગન પર પ્રતિબંધ લગાવી દીધો હતો, તેમ છતાં તેનું ઉત્પાદન અને વેચાણ અટકાવી શકાયું નથી. આનું મુખ્ય કારણ એ છે કે, આ ગન ખૂબ જ સ્થાનિક સ્તરે અને ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેના કારણે તેના ઉત્પાદન પર નિયંત્રણ કરવું મુશ્કેલ બની જાય છે. ઘણા પીડિતોએ કહ્યું કે, તેમણે સોશિયલ મીડિયા પર વિડિયો જોઈને ઘરે જ આ ગન બનાવી હતી, જે તેમની આંખોની સામે જ ફાટી ગઈ હતી.
શું છે આ જીવલેણ 'કાર્બાઇડ ગન'?
આ કોઈ રમકડું નથી, પરંતુ એક દેશી બનાવટનો વિસ્ફોટક છે. તેને પ્લાસ્ટિક કે ટીનના પાઇપનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેમાં કેલ્શિયમ કાર્બાઇડ, ગનપાઉડર અને દીવાસળીના માથાનો વિસ્ફોટક મિશ્રણ ભરવામાં આવે છે. તેમાં એક કાણું પાડીને આગ ચાંપતા જબરદસ્ત વિસ્ફોટ થાય છે. ડોક્ટરોના મતે, આ વિસ્ફોટથી ધાતુના ટુકડા અને કાર્બાઇડની વરાળ સીધી આંખોમાં પ્રવેશે છે, જે આંખની કીકી (pupil) અને રેટિનાને બાળી નાખે છે, જેના કારણે કાયમી અંધાપો આવે છે.
સોશિયલ મીડિયાએ ફેલાવ્યો ટ્રેન્ડ
આ ખતરનાક ટ્રેન્ડ પાછળનું મુખ્ય કારણ ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ છે. "ફટાકડા ગન ચેલેન્જ" (#FirecrackerGunChallenge) નામના ટેગ સાથેના વીડિયો વાયરલ થયા છે, જેમાં કિશોરો લાઇક્સ અને વ્યૂઝ માટે આ બંદૂકો ચલાવતા જોવા મળે છે.
તંત્રની નિષ્ફળતા અને કાર્યવાહી, સૌથી વધુ અસરગ્રસ્ત વિદિશા જિલ્લામાં
સરકારે ઓક્ટોબરે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, સ્થાનિક બજારોમાં આ 'ગન' ખુલ્લેઆમ 150થી 200માં વેચાઈ રહી હતી. ઘટનાઓની ગંભીરતાને જોતા, વિદિશા પોલીસે હવે ગેરકાયદેસર રીતે આ ઉપકરણો વેચવા બદલ છ લોકોની ધરપકડ કરી છે. ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરની હોસ્પિટલોના આંખના વોર્ડ આ ખતરનાક 'રમકડા'થી ઘાયલ થયેલા બાળકોથી ભરાઈ ગયા છે.


