Get The App

પુતિનથી નારાજ ટ્રમ્પના ફરમાનથી પેટ્રોલ-ડિઝલની કિંમતો પર થશે અસર? જાણો ભારત પાસે હવે શું છે વિકલ્પ

Updated: Oct 24th, 2025

GS TEAM

Google News
Google News
પુતિનથી નારાજ ટ્રમ્પના ફરમાનથી પેટ્રોલ-ડિઝલની કિંમતો પર થશે અસર? જાણો ભારત પાસે હવે શું છે વિકલ્પ 1 - image


America-Russia-India Crude Oil Controversy : અમેરિકાએ રશિયન ક્રૂડ ઓઈલ કંપની રોસનેફ્ટ અને લુકોઈલ પર કડક પ્રતિબંધો લગાવીને વૈશ્વિક ઊર્જા માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકાએ યુક્રેન યુદ્ધમાં ફન્ડિંગ રોકવાના નામે આ પ્રતિબંધ લાદ્યા છે. જોકે તેની સૌથી વધુ અસર ભારત પર થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 35-40 ટકા ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી આયાત કરે છે.

અમેરિકાએ સંકટ વધાર્યું, ભારત પાસે અનેક વિકલ્પ

ભારત વર્ષ 2022થી મોટા પ્રમાણમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે. રશિયા ભારતને સસ્તામાં ક્રૂડ ઓઈલ આપી રહ્યું છે, જેના કારણે ભારતને અબજો ડૉલરની બચત થઈ છે. જોકે હવે અમેરિકાએ બે રશિયન ક્રૂડ ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લાદતા ભારતની ઊર્જા સુરક્ષા સંકટમાં મુકાઈ શકે છે. પરંતુ આ સંકટ ટાળવા ભારત પાસે વિકલ્પો ઉપાય છે.

ટ્રમ્પે પ્રતિબંધની કરી હતી જાહેરાત

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) બંને રશિયાની સૌથી મોટી બે ક્રૂડ ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ પ્રતિબંધથી રશિયન સંપત્તિઓને નુકસાન થશે અને તે કંપનીઓ અન્ય દેશોની કંપનીઓ સાથે વેપાર પણ નહીં કી શકે. યુરોપીયન સંઘે પણ અમેરિકા જેવો નિર્ણય લઈને રશિયન ક્રૂડ ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : ‘સંયુક્ત રાષ્ટ્રનો એક સભ્ય આતંકી સંગઠનનો હિતેચ્છુ’ UNના કાર્યક્રમમાં જયશંકરના પાકિસ્તાન પર પ્રહાર

પ્રતિબંધના કારણે ભારતને થઈ શકે છે મોટું નુકસાન

ભારતની વાત કરી એ તો ભારત રશિયા પાસેથી દૈનિક 1.5થી 1.7 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરે છે, જે ભારતની જરૂરીયાતનો 35થી 40 ટકા છે. આ પ્રતિબંધના કારણે ભારતમાં થતી આયાતમાં 40-50 ટકાનો કપાત થઈ શકે છે અને વાર્ષિક બેથી ત્રણ બિલિયિન ડૉલરનું નુકસાન થઈ શકે છે. જો તેલ આયાતનો ખર્ચ વધશે તો ફુગાવો વધી શકે છે અને પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં પાંચથી સાત ટકાનો વધારો થઈ શકે છે, જેની અસર ગ્રાહકો પર પડી શકે છે. આના કારણે દેશની જીડીપી પર 0.2થી 0.5 ટકાની નકારાત્મક અસર પડી શકે છે. આ ઉપરાંત ઊર્જા ખર્ચ વધવાના કારણે ઉદ્યોગો અને પરિવહનને પણ અસર પડશે.

અમેરિકાએ પહેલેથી જ ભારત પર 25-50 ટકા ટેરિફ ઝિંકેલો હતો, જે આ પ્રતિબંધો સાથે જોડાયેલ છે. જોકે ભારત સરકારે રાષ્ટ્ર હિતોને ધ્યાને રાખીને તેલ ખરીદવાનું યથાવત્ રાખ્યું છે.

ભારત પાસે વિકલ્પ

ભારત પાસે ક્રૂડ ઓઈલ ખરીદવાના અનેક વિકલ્પો છે. ભારત પાસે સાઉદી અરેબિયા, યુએઈ, નાઈજીરિયા, અંગોલા, બ્રાઝિલ અને અમેરિકા જેવા વૈક્લપિક દેશો છે. ભારતની એક કંપની મધ્ય પૂર્વ દેશો એટલે કે સાઉદી અરેબિયા અને યુએઈ પાસેથી તેલ ખરીદી રહી છે, જેમાં દૈનિક એક મિલિયન બેરલ મળવાની સંભાવના છે. આ ઉપરાંત ભારત ઓપેક+ દેશો વધારાના ઉત્પાદનની માંગ કરી રહ્યું છે. તેમજ કેન્દ્ર સરકારે રિન્યુએબલ એનર્જી (સોલર, ઇથેનોલ) પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેન્દ્ર સરકાર પાસે 90 દિવસનો તેલ ભંડાર છે અને 2030 સુધીમાં આયાત પરની નિર્ભરતા 77 ટકાથી ઘટાડીને 65 ટકા કરવાનું લક્ષ્ય રાખેલું છે. જોકે વૈકલ્પિક તેલ 5-10 ટકા મોંઘું પડશે, પરંતુ આ પ્રતિબંધો ભારતને ઊર્જાના નવા સ્રોત તરફ લઈ જશે અને તેનાથી લાંબા ગાળે ફાયદો થશે. આગામી દિવસોમાં ભારત માટે રશિયા અને અમેરિકા વચ્ચે સંતુલન જાળવવું પડકારજનક રહેશે.

આ પણ વાંચો : Hockey World Cup : પાકિસ્તાની ટીમ ભારત નહીં આવે, વર્લ્ડ કપમાંથી નામ પરત લીધું

Tags :