લોકરને કંઈ થયું તો 100 ગણું વળતર, સાયબર ફ્રોડમાં પણ જવાબદારી બૅન્કની: નિયમોમાં મોટાપાયે ફેરબદલની તૈયારીમાં RBI

RBI New Banking Rule : આગામી કેટલાક મહિનાઓમાં દેશના બૅન્કિંગ કામકાજમાં મોટા ફેરફારો થવાના છે. ભારતીય રિઝર્વ બૅન્ક (RBI)એ કુલ 237 બૅન્કિંગ નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આરબીઆઇએ ડ્રાફ્ટ પર સામાન્ય જનતા પાસેથી 10 નવેમ્બર સુધી સૂચનો માંગ્યા છે. આ નવા નિયમો વર્ષ 2026ની શરુઆતથી લાગુ થઈ શકે છે. આરબીઆઇના પૂર્વ ગવર્નર આર. ગાંધીએ કહ્યું કે, નિયમનકારી કાયદાઓમાં સુધારા માટે પહેલીવાર આવો ડ્રાફ્ટ જાહેર કરીને લોકોના સૂચનો માંગવામાં આવ્યા છે.
નવા નિયમોમાં બૅન્કના ગ્રાહકોને અનેક ફાયદો
આરબીઆઇએ ડ્રાફ્ટ જાહેર કરી દીધો છે અને તેના નવા નિયમો 2026ની શરુઆતથી લાગુ થશે. નવા નિયમ મુજબ, જો ગ્રાહક સાયબર ફ્રોડની જાણકારી ત્રણ દિવસની અંદર બૅન્કને આપી દેશે, તો ગ્રાહકની જવાબદારી શૂન્ય થઈ જશે. જો બૅન્ક સમયસર કાર્યવાહી નહીં કરે તો તેના પર રૂ. 25000 સુધીનો દંડ લાગી શકે છે. હાલમાં આવી કોઈ સમયમર્યાદા નક્કી નથી. જ્યારે બૅન્કના લોકરમાં ચોરી કે અન્ય કોઈ નુકસાન થાય તો બૅન્કે ગ્રાહકને લોકરના ભાડાના 100 ગણા સુધીનું વળતર ચૂકવવું પડશે.
પ્રીપેમેન્ટ પર પેનલ્ટી સમાપ્ત, વૃદ્ધોને ઘરે બેઠા બૅન્કિંગ સુવિધા
લોન વ્યાજ દર નક્કી કરવા માટે સમાન ફોર્મ્યુલા લાગુ થશે. તમામ પ્રકારની લોન પર સમય પહેલાં લોન ચૂકવણી પર લાગુ પડતી પેનલ્ટી બંધ કરી દેવાશે. એટલે કે પ્રીપેમેન્ટ કરનારા ગ્રાહકોને કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં ચૂકવવો પડે. આ ઉપરાંત 70 વર્ષથી વધુ ઉંમરના ગ્રાહકોને ઘરે બેઠા બૅન્કિંગ સુવિધા મળશે. આ સૂચનો પર વિચારણા ચાલી રહી છે. ત્યારબાદ પહેલી જાન્યુઆરીથી પહેલી એપ્રિલ-2026 સુધીમાં તમામ નિયમો લાગુ કરી દેવાશે.
કયા ખાતાની KYC ક્યારે કરવી પડશે?
- સામાન્ય ખાતાઓની કેવાયસી દર 10 વર્ષમાં એકવાર
- મધ્યમ જોખમવાળા ખાતાઓની 8 વર્ષમાં એકવાર
- ઉચ્ચ જોખમવાળા ખાતાઓની દર 2 વર્ષે કરવી પડશે
- કેવાયસી આઉટસોર્સિંગ : બૅન્કે પોતે જ કેવાયસી કરવાની રહેશે, એજન્સી દ્વારા નહીં. અત્યાર સુધી ઘણી બૅન્કો આઉટસોર્સિંગ દ્વારા કેવાયસી કરાવતી હતી. આનાથી ગ્રાહકનો ડેટા વધુ સુરક્ષિત રહેશે.
નવા નિયમો હેઠળ નીચે મુજબના ફેરફારો જોવા મળશે
સાયબર ફ્રોડ : જો ગ્રાહક ત્રણ દિવસની અંદર બૅન્કને જાણ કરશે તો જવાબદારી શૂન્ય થઈ જશે. જો બૅન્ક પછી એક્શન ન લે અથવા એક્શન લેવામાં મોડું કરે તો 25000 દંડ ભરવો પડશે. હાલમાં કોઈ સમયસીમા નક્કી નથી. આનાથી બૅન્ક જવાબદેહ બનશે.
સિબિલ અપડેટ : પેમેન્ટ અને ડિફોલ્ટ દર મહિનાની 15 તારીખ સુધીમાં અપડેટ કરવામાં આવશે. હાલમાં સિબિલ અપડેટ કરવાની સમયસીમા 90 દિવસ છે. આનાથી ક્રેડિટ સ્કોરનો રિપોર્ટ સુધરશે.
લોકર ચોરી/નુકસાન : લોકરમાં ચોરી કે અન્ય કોઈ નુકસાન થાય તો બૅન્કે ભાડાના 100 ગણા સુધીનું વળતર આપવું પડશે. જ્યારે હાલમાં બૅન્ક પર કોઈ જવાબદેહી નથી. આનાથી મજબૂત સુરક્ષા ગેરંટી મળશે.
લોનનું વિવરણ : બૅન્કે લોન આપતી વખતે વ્યાજ, ફીસ અને પેનલ્ટીનું પૂરી વિગતો આપવી પડશે. પહેલાં માહિતી અસ્પષ્ટ રહેતી હતી. આનો ફાયદો એ થશે કે છૂપો ચાર્જ ખતમ થઈ જશે.
લોન ડાઉનપેમેન્ટ : નવા નિયમ હેઠળ 20 લાખથી વધુની હોમ લોન પર 80 ટકા જ લોન મળશે. અત્યાર સુધી તમામ લોન પરની સીમા 90 ટકા હતી. એટલે કે, ગ્રાહકે વધુ ડાઉનપેમેન્ટ આપવું પડશે.
ઓછા સમયગાળાની લોન : ઓછા સમયગાળાની એટલે કે 3 વર્ષથી ઓછા સમયગાળાની લોન MCLRથી નીચે નહીં મળે. અત્યાર સુધી ઓછા દરે આપી શકાતી હતી. આનાથી વ્યાજ દરોમાં ભેદભાવ ખતમ થશે.
લોન વ્યાજ ફોર્મ્યુલા : એકીકૃત ફોર્મ્યુલાથી વ્યાજ નક્કી કરવામાં આવશે. જ્યારે અત્યાર સુધી બૅન્ક પોતાનો દર નક્કી કરતી હતી. આ નિયમથી સમાનતા વધશે.
પ્રીપેમેન્ટ પેનલ્ટી ખતમ : પ્રીપેમેન્ટ કરવા પર તમામ પ્રકારની લોન પર કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં. પહેલાં રાહત માત્ર રિટેલ લોન પર હતી. આનાથી ગ્રાહકને વહેલી લોન ચૂકવવી સરળ બની જશે.
લોન ડૉક્યુમેન્ટ : ગ્રાહક લોન ચૂકવે તેના 30 દિવસની અંદર બૅન્કે ડૉક્યુમેન્ટ પાછા આપવા પડશે, નહીં તો બૅન્ક પર દરરોજ 5000નો દંડ લાગશે.
ગોલ્ડ લોન હરાજી : લોન ન ચૂકવા પર ગોલ્ડની હરાજી માટે ગ્રાહકની હાજરી અને શપથ પત્ર ફરજિયાત હશે. અત્યાર સુધી કંપનીઓ મનમાનીથી હરાજી કરી દેતી હતી. આનાથી નિષ્પક્ષ હરાજી થઈ શકશે.
ડિજિટલ લોન : લોન આપવા માટે ઓછામાં ઓછા 1 દિવસનો 'કૂલિંગ ઑફ પિરિયડ' જરૂરી. અત્યાર સુધી કોઈ સમયસીમા નક્કી ન હતી. લોન રદ કરવા માટે સમય મળશે.
ક્લેમ સેટલમેન્ટ : બૅન્કો માટે ક્લેમ 15 દિવસની અંદર જ પતાવવો ફરજિયાત હશે. અત્યાર સુધી કોઈ સમયસીમા નક્કી નથી, જેથી સમાધાન મળવામાં મોડું થાય છે.
બિનદાવાકૃત જમા : દાવો આવતા જ બૅન્ક પૈસા પરત કરશે પછી RBI પાસેથી લઈ લેશે. પહેલાં રકમ RBI ફંડમાં જતી રહેતી હતી. આનાથી ગ્રાહકની જમા રકમ મળવી સરળ થશે.
જપ્ત સંપત્તિ : જપ્ત કરાયેલી સંપત્તિઓ દર મહિને વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે. અત્યાર સુધી તેનું વિવરણ જાહેર કરવામાં આવતું ન હતું. આ સુધારાથી ગ્રાહકને પૂરી જાણકારી મળશે.
વરિષ્ઠ નાગરિક બૅન્કિંગ : નવા નિયમ મુજબ બૅન્ક 70 વર્ષથી ઉપરના લોકોને ઘરબેઠા સેવા આપશે. પહેલાં આના પર સ્પષ્ટ નિયમ ન હતો.
સંપત્તિની ઘોષણા : તમામ ખાનગી બૅન્કના કર્મચારીઓને સંપત્તિનું વિવરણ આપવું પડશે. પહેલાં ફક્ત સરકારીમાં જ લાગુ હતું.
લોટરી/ચિટફંડ પર રોક : બૅન્કો આવા ખાતાઓ કે ટ્રાન્ઝેક્શનને મંજૂરી નહીં આપે. અત્યાર સુધી લોટરી પર કોઈ રોક નથી. આ નિયમથી નકલી સ્કીમથી સુરક્ષા મળશે.
તમે પણ RBIને મોકલાવી શકો છો સૂચન
ભારતીય રિઝર્વ બૅન્કે 238 બૅન્કિંગ નિયમોના ડ્રાફ્ટ પર 10 નવેમ્બર સુધી સામાન્ય લોકોના સૂચનો માંગ્યા છે, જેના પર ભારતનો કોઈપણ નાગરિક સૂચન આપી શકે છે.
1. RBIની વેબસાઇટ rbi.org.in પર જાઓ.
2. તેમાં અંગ્રેજીનો વિકલ્પ પસંદ કરો.
3. હોમપેજ પર 'What's New' (નવું શું છે) દેખાશે, તેના પર ક્લિક કરો.
4. સૂચિમાં 5મા નંબર પર 'Drafts for Comments' (સૂચનો માટેના ડ્રાફ્ટ) પર ક્લિક કરો.
5. હવે 'Drafts of the 238 consolidated...' પર ક્લિક કરો.
6. પહેલા જ નંબર પર 'Connect to Regulate' (નિયમન સાથે જોડાઓ) લખેલું દેખાશે, તેના પર ક્લિક કરો.
7. 'Submit Comment' (સૂચન સબમિટ કરો) પર ક્લિક કરો.
8. હવે બોક્સમાં ટિક કરીને 'Proceed to Comment...' પર ક્લિક કરો.
9. પછી જે વિન્ડો દેખાય તેમાં તમારું નામ, સંસ્થાનું નામ અને તમારું સૂચન (જે મહત્તમ 65 હજાર કેરેક્ટર્સનું હોઈ શકે છે) લખો.
10. ત્યારબાદ મોબાઇલ નંબર અને ઈ-મેલ OTP દ્વારા વેરિફાય કરો અને સબમિટ કરી દો.
આ પણ વાંચો : Hockey World Cup : પાકિસ્તાની ટીમ ભારત નહીં આવે, વર્લ્ડ કપમાંથી નામ પરત લીધું

