48 કલાકમાં એવું તો શું થયું કે I.N.D.I.A બ્લૉકના નેતાઓને પ્રિયંકામાં આશાનું કિરણ દેખાયું?

Parliament : સંસદના ચાલુ સત્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમે કોંગ્રેસ પાર્ટીની આંતરિક ગતિવિધિઓ અને નેતૃત્વના સંતુલન પર નવા પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને, 'વંદે માતરમ્' પરની ચર્ચા અને 'ચૂંટણી સુધારાઓ'ના મુદ્દાએ પક્ષની અંદરની ભૂમિકાઓ સ્પષ્ટપણે દર્શાવી છે.
PM મોદી વિ. પ્રિયંકા ગાંધી : વંદે માતરમ્ પર ધારદાર જવાબ
સંસદીય પરંપરા મુજબ વડાપ્રધાનના સંબોધનનો જવાબ વિપક્ષના નેતાએ આપવાનો હોય છે. પરંતુ 'વંદે માતરમ્' પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી ગૃહમાં ગેરહાજર હતા, તેથી કોંગ્રેસ પક્ષ તરફથી આ જવાબદારી તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંભાળી હતી.
પ્રિયંકા ગાંધીની પ્રશંસા
રસપ્રદ વાત એ છે કે, પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi Vadra)એ PM મોદી(PM Modi)ના સંબોધનના દિવસે જ સંસદમાં ભાષણ આપ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે મીડિયામાં PM મોદી વિરુદ્ધ પ્રિયંકા ગાંધીની તસવીરો અને ચર્ચા છવાઈ ગઈ હતી. પ્રિયંકાએ સ્મિત સાથે સત્તા પક્ષ પર ધારદાર કટાક્ષો કર્યા હતા, જેની ભાજપના કેટલાક સભ્યોએ પણ પ્રશંસા કરી હતી. તેમનું ધારદાર વક્તવ્ય કોંગ્રેસ અને INDIA ગઠબંધન માટે આશાનું કિરણ બની ગયું છે.
આ પણ વાંચો : સંકટ વચ્ચે ઈન્ડિગોની મુસાફરો માટે વળતરની જાહેરાત, દિલ્હી હાઈકોર્ટની ફિટકાર બાદ નિર્ણય
રાહુલ ગાંધીમાં આક્રમક ઊર્જાનો અભાવ
આ ઘટનાના બીજા દિવસે રાહુલ ગાંધીને ચૂંટણી સુધારણાના મુદ્દે બોલવાનું હતું. એવું લાગતું હતું કે, તેઓ આ મુદ્દે જોરદાર ટક્કર આપશે, જોકે તેમના ભાષણ દરમિયાન વડાપ્રધાન ગૃહમાં હાજર ન હતા. એટલું જ નહીં તેમના ભાષણમાં આક્રમક ઊર્જા પણ જોવા મળી નથી. રાહુલ થોડા સમય માટે ગૃહમાં આવ્યા અને ભાષણ સમાપ્ત થતાં જ ચાલ્યા ગયા હતા. જેના કારણે કોંગ્રેસ સાંસદોને તેમનું વલણ ખૂંચી ગયું છે, કારણ કે તેમની પાસે મોટા ટક્કરની અપેક્ષા હતી. આ ઉપરાંત રાહુલના આ ભાષણનો જવાબ વડાપ્રધાને નહીં, પરંતુ ગૃહમંત્રીએ આપ્યો હતો. શાહે અત્યંત કડક રીતે, વિગતવાર રાહુલ ગાંધીના તર્કોને ઘેરી લીધા હતા.
કોંગ્રેસની દુવિધા: નેતૃત્વનો ચહેરો કોણ?
એકતરફ કોંગ્રેસ પ્રિયંકાના ભાષણથી ઉત્સાહમાં છે, તો બીજી તરફ પાર્ટીને ચિંતા છે કે, શું પ્રિયંકા નેતૃત્વને આગળ વધારવાની જવાબદારી લેશે? રાહુલ ગાંધીની ગેરહાજરી અને તેમના દમ વગરના ભાષણે પાર્ટીમાં સવાલો ઊભા કરી દીધા છે. 48 કલાકની અંદર કોંગ્રેસ નેતૃત્વની તસવીર બદલાઈ ગઈ છે. ગૃહમાં પ્રિયંકા ગાંધીનો મુકાબલો વડાપ્રધાન સાથે જોવા મળ્યો હતો, જ્યારે રાહુલનો મુકાબલો ગૃહમંત્રી સાથે જોવા મળ્યો.
આ પણ વાંચો : UNમાં ખૂલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ

