Get The App

UNમાં ખૂલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
India Pakistan Relation



India Pakistan Relation: પાકિસ્તાન અત્યાર સુધી કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉકેલવા માટે આતુર હતું, પણ હવે તેણે અરુણાચલ પ્રદેશના મામલે ચીનને સત્તાવાર સમર્થન આપીને ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કર્યો છે. જેના જવાબમાં, ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં અફઘાનિસ્તાનની ચર્ચા દરમિયાન પાકિસ્તાન પર આકરો પ્રહાર કર્યો. 

ભારતે પહેલીવાર ખુલ્લેઆમ તાલિબાન સરકારના સમર્થનમાં વાત કરતાં ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશે અફઘાનિસ્તાનમાં થયેલા હવાઈ હુમલાઓમાં નિર્દોષ મહિલાઓ, બાળકો અને ક્રિકેટરોના મોતની સખત નિંદા કરી. તેમણે કહ્યું કે આવા હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છે અને તે સંઘર્ષ કરી રહેલા દેશને વધુ નુકસાન પહોંચાડે છે.

UNમાં ખૂલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત

ભારતે 'વેપાર અને ટ્રાન્ઝિટ ટેરરિઝમ'નો મુદ્દો ઉઠાવ્યો, જેનો સ્પષ્ટ ઇશારો પાકિસ્તાન તરફ હતો. ભારતે ભારપૂર્વક જણાવ્યું કે લેન્ડલોક્ડ દેશની જીવનરેખાને બંધ કરવી એ WTOના નિયમોની વિરુદ્ધ છે અને તે યુદ્ધ જેવું કૃત્ય ગણાય. આ ઉપરાંત, ભારતે અફઘાનિસ્તાનની પ્રાદેશિક અખંડિતતા, સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાને મજબૂત સમર્થન આપવાની વાત પણ કરી. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને એકજૂથ થઈને ISIL, અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને તેમના સહયોગીઓ જેવા આતંકવાદી સંગઠનોને સરહદ પાર આતંક ફેલાવતા રોકવા માટે સાથે મળીને કામ કરવા જણાવ્યું.

ભારતના આંતરિક મામલે પાકિસ્તાનની દખલ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તાજેતરમાં નિવેદન બહાર પાડીને ચીનના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને લગતાં મામલાઓમાં સતત સમર્થન આપવાની ઘોષણા કરી. આ નિવેદનમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ ચીનને ટેકો આપ્યો, જે ભારતના અરુણાચલ પ્રદેશને 'ઝાંગનાન' કહે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન ફરી એકવાર ભારતના આંતરિક મામલાઓમાં દખલ દેવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ રીતે પાકિસ્તાન પોતે જ ભારતને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંબંધિત મામલાઓમાં હસ્તક્ષેપ કરવા માટે ઉશ્કેરી રહ્યું છે. જેના કારણે ભારત પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપી રહ્યું છે. 

આ પણ વાંચો: નાસિકમાં એક મહિલાના 12 બાળકો, કેટલાક વેચી મારવાનો આરોપ લાગ્યો તો કહ્યું - સંબંધીઓને ઉછેરવા આપ્યા છે

કંવલ સિબ્બલની ટિપ્પણી અને ભારતનું નવું વલણ

પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે પાકિસ્તાનની આ ચાલ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, 'અરુણાચલ પ્રદેશ પર ચીનને સમર્થન આપીને પાકિસ્તાને ભારત માટે એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે કે ભારત હવે ડ્યુરંડ રેખાના મામલે અફઘાનિસ્તાનના પક્ષનું સમર્થન કરે.'

સિબ્બલનું આ નિવેદન સાચું પડ્યું છે, કારણ કે હવે UNમાં ભારતે અફઘાનિસ્તાનમાં થઈ રહેલા પાકિસ્તાનના હુમલાઓને ખોટા ઠેરવ્યા છે. અગાઉ ભારતે પાકિસ્તાન-અફઘાનિસ્તાનના મુદ્દા પર ક્યારેય આટલા સત્તાવાર લેખિત કે મૌખિક નિવેદનો આપ્યા નહોતા. પાકિસ્તાનના સત્તાવાર નિવેદને ભારતને ડ્યુરંડ રેખા અને માનવ અધિકારોના હનનના મુદ્દે અફઘાનિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપવાનો અધિકાર આપ્યો છે. આના પરિણામે, ભારત હવે બલૂચિસ્તાનને લઈને પણ પોતાનું વલણ અપનાવી શકે છે.

UNમાં ખૂલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ 2 - image

Tags :