Get The App

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
West Bengal Election Seats Deal


West Bengal Election Seats Deal: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવું સમીકરણ આકાર લઈ રહ્યું છે, જે આગામી વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેની ગણતરીઓ બગાડી શકે છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી હુમાયુ કબીરની 'આમ જનતા ઉન્નયન પાર્ટી'(AJDUP) સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ વ્યૂહનીતિના ભાગરૂપે ઓવૈસી 25 માર્ચે કોલકાતામાં હુમાયુ કબીર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજશે, જેમાં ગઠબંધનની રૂપરેખા જાહેર કરવામાં આવશે.

ચૂંટણીનું ગણિત અને બેઠકોની વહેંચણી

હુમાયુ કબીરની પાર્ટીએ અગાઉથી જ રાજ્યની 182 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી દીધી છે, જેમાં હવે AIMIM પણ ભાગીદાર બનશે. માનવામાં આવે છે કે AIMIM લગભગ 8 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. કબીરે અત્યાર સુધીમાં 18 ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે, જેમાં રાનીનગર, ભગવાનગોલા અને મુર્શિદાબાદ જેવી બેઠકોનો સમાવેશ થાય છે. નોંધપાત્ર છે કે હુમાયુ કબીર પોતે મુર્શિદાબાદ જિલ્લાની ત્રણ બેઠકો - ભગવાનગોલા, નૌદા અને રાજીનગર પરથી ચૂંટણી લડવાના છે.

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026નું ટાઈમટેબલ

રાજ્યમાં આ વખતે ચૂંટણી બે તબક્કામાં યોજાવા જઈ રહી છે:

પ્રથમ તબક્કો: 23 એપ્રિલ, 2026 (152 બેઠકો માટે)

બીજો તબક્કો: 29 એપ્રિલ, 2026 (142 બેઠકો માટે)

પરિણામ: 4 મે, 2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: યુદ્ધને કારણે LPG ની અછત વચ્ચે યુરિયા ઉત્પાદન 50% ઘટ્યું, ખાતરની અછત સર્જાવાની આશંકા

શું હશે આ ગઠબંધનની અસર?

પશ્ચિમ બંગાળમાં મુખ્ય મુકાબલો મમતા બેનર્જીની TMC અને ભાજપ વચ્ચે હોવાનું મનાય છે, પરંતુ ઓવૈસી અને કબીરનું આ નવું જોડાણ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો પર મતોનું વિભાજન કરી શકે છે. વર્ષ 2021ની ચૂંટણીમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનો સફાયો થઈ ગયો હતો, ત્યારે આ નવો મોરચો રાજ્યના રાજકારણમાં 'ત્રીજા કોણ' તરીકે ઊભરીને કિંગમેકર બનવાની મહત્ત્વની કોશિશ કરી રહ્યો છે. આ ગઠબંધન ખાસ કરીને લઘુમતી મતો પર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર TMCની મુશ્કેલીઓ વધારી શકે છે.

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું 2 - image