India

જમીન પર પડેલા નૂડલ્સમાંથી ભુજિયા બનાવતી હતી 'નૂડલ્સ કિંગ' તરીકે જાણીતા બિઝનેસમેનની કંપની! 32 હજાર કિલો માલ જપ્ત

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
FSSAI દ્વારા રાજસ્થાનમાં 'Wai Wai' નૂડલ્સ બનાવતી CG ફૂડ્સ ઇન્ડિયાની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં ફ્લોર પર પડેલા નૂડલ્સમાંથી કોઈ પણ હીટ ટ્રીટમેન્ટ વગર ભુજિયા બનાવવામાં આવતી હતી. અધિકારીઓએ 32,000 કિલો સ્ટોક અને 1,925 બોક્સ એક્સપાયર્ડ પ્રોડક્ટ્સ જપ્ત કરી, નેપાળના અબજોપતિ બિનોદ ચૌધરીની કંપની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જમીન પર પડેલા નૂડલ્સમાંથી ભુજિયા બનાવતી હતી 'નૂડલ્સ કિંગ' તરીકે જાણીતા બિઝનેસમેનની કંપની! 32 હજાર કિલો માલ જપ્ત

FSSAI Crackdown on Wai Wai Bhujia: Floor Noodles Reprocessed in Factory | શું તમે તમારા ઘરના ડાઇનિંગ ટેબલ પર કે બાળકના હાથમાં પેકેટવાળા જે સ્નેક્સ મૂકો છો, તે ખરેખર સુરક્ષિત છે? દેશભરમાં ચાલી રહેલા ખાદ્ય સુરક્ષા અભિયાન વચ્ચે એક ચોંકાવનારો અને આંખો ખોલી નાખતો કિસ્સો સામે આવ્યો છે. 'Wai Wai' નૂડલ્સ બનાવતી કંપનીની ફેક્ટરીમાં ભોંયતળિયે પડેલા નૂડલ્સમાંથી ભુજિયા બનાવવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ભોંયતળિયે પડેલા ટુકડાઓમાંથી બનતી હતી ભુજિયા

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રાજસ્થાનમાં આવેલી સીજી ફૂડ્સ ઈન્ડિયાની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન અધિકારીઓએ જોયું કે ફેક્ટરીના ફ્લોર પર પડેલા તૂટેલા નૂડલ્સને ભેગા કરીને કોઈપણ જાતની હીટ ટ્રીટમેન્ટ આપ્યા વગર સીધા જ ભુજિયા બનાવવામાં વાપરવામાં આવતા હતા.

ફેક્ટરીમાં જમીન પરથી એકત્રિત કરાયેલા તૂટેલા નૂડલ્સને હીટ ટ્રીટમેન્ટ આપ્યા વિના ફરીથી પ્રોસેસ કરીને ભુજિયા બનાવવામાં આવી રહી હતી.

— FSSAI રિપોર્ટ

32 હજાર કિલો જથ્થો અને એક્સપાયર્ડ પ્રોડક્ટ્સના 1,925 બોક્સ જપ્ત

તપાસ દરમિયાન નિયમોના ઉલ્લંઘનની હદ માત્ર ગંદકી પૂરતી મર્યાદિત નહોતી. આ પ્લાન્ટમાંથી અંદાજે 32,000 કિલો સ્ટોક જપ્ત કર્યો છે. આ ઉપરાંત, ફેક્ટરી પરિસરમાંથી મુદત વીતી ગઈ હોય તેવી તૈયાર પ્રોડક્ટ્સના 1,925 બોક્સ પણ મળી આવ્યા હતા. FSSAI એ સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટર સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે અને પ્રયોગશાળામાં ચકાસણી માટે વિવિધ નમૂનાઓ એકત્રિત કર્યા છે.

'નૂડલ કિંગ' તરીકે જાણીતા નેપાળના એકમાત્ર અબજોપતિની કંપની

આ કાર્યવાહી જે કંપની સામે થઈ છે તે CG કોર્પ ગ્લોબલ (CG Corp Global) ગ્રૂપનો હિસ્સો છે. આ કન્સોર્ટિયમનું નેતૃત્વ બિનોદ ચૌધરી સંભાળે છે, જેઓ નેપાળના એકમાત્ર અબજોપતિ છે. Wai Wai ઇન્સ્ટન્ટ નૂડલ્સ બ્રાન્ડના નિર્માણ માટે તેમને વૈશ્વિક સ્તરે 'નૂડલ કિંગ' તરીકે ઓળખવામાં આવે છે.

મુંબઈમાં પણ મોટો પર્દાફાશ: એક્સપાયરી ડેટ બદલવાનું કૌભાંડ

આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસો અગાઉ જ મહારાષ્ટ્રના ફૂડ સેફ્ટી વિભાગે નવી મુંબઈના એક ગોડાઉન પર દરોડો પાડીને લગભગ 5,000 કાર્ટન પ્રોડક્ટ્સ પકડી પાડી હતી. આ ગોડાઉનમાં પેકેજિંગ પરથી જૂની તારીખો ભૂંસવા માટે કેમિકલ્સ અને નવી બનાવટી તારીખો છાપવા માટે મશીનોનો ઉપયોગ થતો હતો.

આ ગોડાઉનમાં રહેલી ચીજો મોટી મલ્ટિનેશનલ બ્રાન્ડ્સની હતી.

  • પેપ્સિકોની લેય્સ અને કુરકુરે
  • નેસ્લેના મેગી મસાલા નૂડલ્સ
  • કોકા-કોલાના થમ્સ અપ અને લિમ્કાના કેન
  • યુનિલીવરનું નોર મશરૂમ સૂપ

દેશવ્યાપી કડકાઈ: પિઝા હટ અને ડોમિનોઝ સામે પણ પગલાં

સમગ્ર ભારતમાં અત્યારે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે. મહારાષ્ટ્ર એફડીએ વડા તુકારામ મુંઢે તેમની કડક કાર્યપદ્ધતિ માટે જાણીતા બન્યા છે. તેમણે રાજ્યવ્યાપી દરોડા દરમિયાન નિયમોના ઉલ્લંઘન બદલ ડોમિનોઝ પિઝાના 4 આઉટલેટ્સ અને પિઝા હટના 1 આઉટલેટના લાયસન્સ મોકૂફ કરી દીધા હતા.