'સર' બાદની યાદીમાં સામેલ ના થઇ શકેલા મતદારોને અરજીની તક અપાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફોર્મ-છ ભરીને અરજી કરી શકાશે, બૂથ લેવલ અધિકારી મદદ કરશે
- જુની અને નવી યાદીની સરખામણી કરાશે, બાદબાકી કરાયેલાની સાથે નવા મતદારો પણ નામ નોંધાવી શકાશે
- 'સર'ના ડ્રાફ્ટ રોલ્સમાંથી 13 કરોડ નામો બાદ કરાયાનો અહેવાલમાં દાવો
નવી દિલ્હી : દેશભરમાં એસઆઇઆર એટલે કે મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધી જે પણ રાજ્યોમાં એસઆઇઆર પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે ત્યાં બાદબાકી કરાયેલા મતદારોને ફરી અરજી કરવાની છૂટ અપાઇ છે. જુનાની સાથે નવા મતદારો પણ પોતાનું નામ યાદી સામેલ કરાવી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા પ્રક્રિયા શરૂ કરાઇ છે. અત્યાર સુધી એસઆઇઆરના ડ્રાફ્ટમાં આશરે ૧૩ કરોડ મતદારોની બાદબાકી કરાયાના અહેવાલો સામે આવ્યા છે.
બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિએ દિલ્હી, મુંબઇમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમાર સામે દેખાવો થયા હતા, વિપક્ષ પણ એસઆઇઆર પ્રક્રિયામાં મનમાનીથી નિર્ણયો અને મત ચોરીના આરોપો લગાવીને જ્ઞાાનેશ કુમારને ઘેરી રહ્યો છે. એવા સમયે ચૂંટણી પંચે જે મતદારો એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન યાદીમાંથી બહાર થઇ ગયા છે તેમને ફરી તક આપવાની જાહેરાત કરી છે.
ચૂંટણી પંચના નવા આદેશ મુજબ જે પણ રાજ્યોમાં એસઆઇઆર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે ત્યાં નાગરિકો સામાન્ય ફોર્મ-૬ દ્વારા અરજી કરી શકશે. ચૂંટણી પંચે અધિકારીઓને કહ્યું છે કે તેઓ એવા માન્ય મતદારોની ઓળખ કરે કે જેમના નામ કોઇ કારણોસર મતદાર યાદીમાં સામેલ નથી કરી શકાયા. એસઆઇઆર પહેલા અને પછીની મતદાર યાદીની સરખામણી કરવામાં આવશે. આ દરમિયાન એવા મતદારોની ઓળખ કરવામાં આવશે કે જેઓના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. આવા મતદારોની ઓળખ થઇ ગયા બાદ બૂથ લેવલ અધિકારીઓને તેમના ઘરે જઇને ફોર્મ-૬ ભરીને મતદાર યાદીમાં ફરી નામ જોડવામાં મદદરૂપ થવા પણ કહેવામાં આવ્યું છે.




