Get The App

તમિલનાડુમાં 'વિજય રથ' અટક્યો કોંગ્રેસનો સાથ છતા બહુમત નહીં

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
તમિલનાડુમાં 'વિજય રથ' અટક્યો કોંગ્રેસનો સાથ છતા બહુમત નહીં 1 - image

- વિજયે 112 ધારાસભ્યોની સહીવાળો પત્ર સોંપ્યો પણ જરૂર 118ની

- બહુમત ન હોવાથી રાજ્યપાલે વિજયને પાછા મોકલ્યા એઆઇએડીએમકેએ પણ હાથ ઉંચા કર્યા, ટેકો નહીં

નવી દિલ્હી : તમિલનાડુમાં નવી સરકાર રચવાનું કોંકડુ ગૂંચવાયું છે, ડીએમકેને સત્તામાંથી ઉખાડી ફેંકનારા અભિનેતા અને રાજનેતા વિજયના પક્ષ ટીવીકેએ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો હતો. જોકે કોંગ્રેસનું સમર્થન છતા વિજયના પક્ષ ટીવીકે પાસે પૂર્ણ બહુમત ન હોવાથી આ દાવો હાલ નિષ્ફળ જણાઇ રહ્યો છે, તમિલનાડુમાં કુલ ૨૩૪ બેઠકો છે જેમાંથી બહુમતનો આંકડો ૧૧૮ છે, ટીવીકે પાસે હાલ ૧૦૮ બેઠકો છે અને બહુમત સાબિત કરવા માટે વધુ ૧૦ બેઠકોની જરૂર છે. 

તમિલનાડુના ચૂંટણી પરિણામો મુજબ વિજયના પક્ષ ટીવીકેને ૨૩૪માંથી ૧૦૮ બેઠકો મળી છે, વિજય પોતે બે બેઠકો પરથી જીત્યા હોવાથી તેઓ એક બેઠક ખાલી કરી આપશે તેથી સંખ્યા ૧૦૭ પર આવી જશે એવામાં સ્પીકરની એક બેઠકની ગણતરી ના થતી હોવાથી સંખ્યા ઘટીને ૧૦૬ પર આવી જશે. હાલ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોનો ટેકો આપવાની જાહેરાત કરી છે. એવામાં વિજય રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથનને મળ્યા હતા. અને ૧૧૨ ધારાસભ્યોની સહીવાળો પત્ર સોંપ્યો હતો. જોકે રાજ્યપાલે બહુમત માટે ૧૧૮ ધારાસભ્યોની જરૂર હોવાનું કહીને વિજયને પરત મોકલ્યા હતા. જ્યારે વિજયે થોડો વધુ સમય માગ્યો હોવાના અહેવાલો છે. 

હાલ ટીવીકેને માત્ર કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનું જ સમર્થન છે જ્યારે ડાબેરી સંગઠનો અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે ટેકો આપવાની ના પાડી દીધી છે. એટલુ જ નહીં એઆઇએડીએમકેએ પણ વિજય સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી દીધી છે. તેથી હાલ સૌથી વધુ બેઠકો છતા વિજય એકલા પડી ગયા છે, કોંગ્રેસ સિવાય તેમના પક્ષને કોઇનો પણ ટેકો નથી. બીજી તરફ એવી પણ અટકળો ચાલી રહી છે કે એકબીજાના ઘોર વિરોધી એઆઇએડીએમકે અને સત્તા ગુમાવી ચુકેલા ડીએમકે બન્ને વચ્ચે ગઠબંધન થઇ શકે છે. હાલ ડીએમકે પાસે ૫૯ જ્યારે એઆઇએડીએમકે પાસે ૪૭ બેઠકો છે, જો બન્નેનું ગઠબંધન થાય તો આંકડો ૧૦૬ થઇ જશે જે બહુમતથી ૧૨ બેઠકો દૂર છે. એવામાં હાલ તમિલનાડુમાં સરકાર રચવાનું કોંકડુ ગૂંચવાયું છે, એવા અહેવાલો છે કે વિજય એઆઇએડીએમકેના ટેકાથી સરકાર રચવાનું પણ વિચારી રહ્યા છે.