India

VIDEO : મેયરની ખુરશી પાસે ફેંકી ચા, માઈક તોડ્યા... દિલ્હી MCDમાં બબાલ, AAP-કોંગ્રેસની મહિલા કાઉન્સિલરો બાખડી

By GS Team
22 Oct 20263 mins read
TukuTouch Logo
દિલ્હી MCD સદનમાં ગુરુવારે સફાઈ અને પ્રદૂષણ મુદ્દે ચર્ચા દરમિયાન AAP-કોંગ્રેસ મહિલા કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસ નેતા નાઝિયા દાનિશની ટિપ્પણીથી મામલો ગરમાયો અને કાઉન્સિલરો મેયરના આસન સુધી પહોંચી ગયા. માઈક ખેંચાયા અને ચા ફેંકવાનો પણ આરોપ લાગ્યો. મેયર પ્રવેશે એજન્ડા પાસ કરી કાર્યવાહી સ્થગિત કરી, જ્યારે AAPએ ભાજપ-કોંગ્રેસ પાસે માફીની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : મેયરની ખુરશી પાસે ફેંકી ચા, માઈક તોડ્યા... દિલ્હી MCDમાં બબાલ, AAP-કોંગ્રેસની મહિલા કાઉન્સિલરો બાખડી

Delhi MCD AAP-Congress Clash : દિલ્હી મહાનગરપાલિકા (MCD) ની સામાન્ય સભામાં ગુરુવારે ભારે હોબાળો મચી ગયો હતો. સદનમાં સફાઈ વ્યવસ્થા અને પ્રદૂષણ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસની મહિલા કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપીની નોબત આવી ગઈ હતી. કોંગ્રેસ નેતા નાઝિયા દાનિશના નિવેદન બાદ માહોલ એટલો તંગ બન્યો હતો કે કાઉન્સિલરો સીધા મેયરના આસન સુધી પહોંચી ગયા હતા અને જોરદાર હંગામો મચાવ્યો હતો.

કોંગ્રેસ નેતાના કટાક્ષથી મામલો ગરમાયો

સદનમાં જ્યારે સફાઈ વ્યવસ્થા અને પ્રદૂષણના મુદ્દે ચર્ચા થઈ રહી હતી ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા નાઝિયા દાનિશે AAP કાઉન્સિલરો પર કટાક્ષ કર્યો હતો. આ ટિપ્પણીથી AAPના સભ્યો ઉશ્કેરાઈ ગયા હતા અને ગૃહમાં જોરદાર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે આમ આદમી પાર્ટીના નેતા પ્રતિપક્ષ અને મહિલા કાઉન્સિલર શગુફ્તા ચૌધરી સહિત અન્ય કાઉન્સિલરો વિરોધ દર્શાવવા મેયરના પોડિયમ પાસે ધસી ગયા હતા.

માઈક ખેંચ્યા અને મેયરની ખુરશી પાસે ચા ફેંકી

વિરોધ દરમિયાન સદનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાઉન્સિલરોએ એકબીજા પાસેથી માઈક ઝૂંટવી લીધા હતા અને તેને તોડવાના પ્રયાસો પણ કર્યા હતા. એટલું જ નહીં, મેયરની ખુરશી પાસે ચા ફેંકવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપો થયા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં મહિલા કાઉન્સિલરો વચ્ચે જોરદાર ધક્કામુક્કી અને ખેંચતાણ થતી સ્પષ્ટ જોઈ શકાય છે.

ભારે હોબાળા વચ્ચે એજન્ડા પાસ અને કાર્યવાહી મોકૂફ

સદનમાં ચાલી રહેલા ભારે ધમાસાણ વચ્ચે મેયર પ્રવેશ વાહીએ કોઈપણ રીતે સદનનો એજન્ડા પાસ કરાવી લીધો હતો અને ત્યારબાદ સભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. મેયર પ્રવેશ વાહીએ AAP નેતાઓ અને કાઉન્સિલરોના આ વર્તન સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે તેમજ ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડનારા સભ્યો સામે કડક પગલાં લેવાના સંકેત આપ્યા છે.

AAPએ ટ્વિટ કરીને ભાજપ-કોંગ્રેસ પર સાધ્યું નિશાન

આ સમગ્ર વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. પોસ્ટમાં લખાયું છે કે, ‘આજે સિવિક સેન્ટર ખાતે મળેલી MCD હેડક્વાર્ટરની બેઠક દરમિયાન, આપના કાઉન્સિલરોએ ભાજપ પાસે 2 કરોડ રૂપિયાના ફંડનો હિસાબ માંગ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતા નાઝિયા દાનિશે આપના કાઉન્સિલર શગુફ્તા ઝુબેર ચૌધરી વિરુદ્ધ અંગત ટિપ્પણીઓ કરી હતી અને અપશબ્દો બોલ્યા હતા.’

'મેયર અને કોંગ્રેસ નેતા માફી માંગે': આમ આદમી પાર્ટીની માંગ

આમ આદમી પાર્ટીએ પોસ્ટ કરીને આ ઘટનાને કમનસીબ ગણાવી છે અને માફીની માંગ કરી છે. AAPએ ટ્વિટ કર્યું છે કે, ‘પોતાના વિસ્તારના લોકોના અધિકારો અને વિકાસ માટે MCD બેઠકમાં ભાજપ પાસે ફંડ માંગનાર AAP કાઉન્સિલર શગુફ્તા ઝુબેર ચૌધરીને નિશાન બનાવવી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપ શાસિત MCDના ઈશારે કોંગ્રેસ નેતા નાઝિયા દાનિશે AAP કાઉન્સિલર શગુફ્તા ઝુબેર ચૌધરી સામે અંગત ટિપ્પણીઓ કરી અને અપશબ્દો બોલ્યા. હવે કોંગ્રેસની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અમારી માંગ છે કે આજની ગૃહ બેઠકમાં બોલાયેલા આ અપશબ્દો માટે ભાજપના મેયર પ્રવેશ વાહી અને કોંગ્રેસ નેતા નાઝિયા દાનિશ ગૃહમાં માફી માંગે. જ્યારે AAP કાઉન્સિલરો જનતાના હક માટે અવાજ ઉઠાવે છે, ત્યારે ભાજપ શાસિત MCDએ જવાબ આપવો જોઈએ, અવાજ દબાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.’