India

VIDEO : પુરીમાં જગન્નાથ રથયાત્રામાં નાસભાગ, એક શ્રદ્ધાળુનું મોત, અનેકને ઈજા

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
ઓડિશાના પુરીમાં જગન્નાથજીની રથયાત્રાના પ્રારંભે ભક્તોની ભારે ભીડને કારણે દુર્ઘટના સર્જાઈ હતી. રથ ખેંચતી વખતે થયેલી દોડધામમાં ગૂંગળામણથી 1 શ્રદ્ધાળુનું મોત થયું, જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયા. રેસ્ક્યુ ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. અતિશય વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે પ્રશાસન એલર્ટ પર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : પુરીમાં જગન્નાથ રથયાત્રામાં નાસભાગ, એક શ્રદ્ધાળુનું મોત, અનેકને ઈજા

Puri Rath Yatra 2026 Stampede : ઓડિશાના પુરીમાં જગપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ગુરુવારથી ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. જોકે, રથયાત્રાના પ્રથમ દિવસે જ ભક્તોની ભારે ભીડને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લાખો ભક્તોની હાજરી વચ્ચે થયેલી દોડધામમાં ગૂંગળામણના કારણે એક શ્રદ્ધાળુનું મોત નીપજ્યું છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

રથ ખેંચતી વખતે સર્જાઈ અફરાતફરી

ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોને જ્યારે 12મી સદીના મુખ્ય મંદિરથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમને જોવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ અતિશય ભીડમાં શ્વાસ લેવાની તકલીફ થતાં એક શ્રદ્ધાળુ અચાનક બેહોશ થઈને ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

રેસ્ક્યુ ટીમે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા

ઘટનાને પગલે સ્પેશિયલ રેસ્ક્યુ યુનિટ (SRU)ની ટીમોએ તુરંત જ બચાવ કામગીરી શરૂ કરીને અસરગ્રસ્તોને ભીડમાંથી બહાર કાઢ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે પુરીની મેડિકલ કોલેજ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ભીડ પર નિયંત્રણ મેળવવા માટે પ્રશાસન દ્વારા તાત્કાલિક વધારાની સુરક્ષા અને મેડિકલ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

શંખનાદ અને જયઘોષ સાથે યાત્રા શરૂ

આ અગાઉ, પરંપરાગત વાદ્યો, શંખનાદ અને ઝાંઝ-પખવાજના નાદ સાથે ભગવાનની યાત્રા શરૂ થઈ હતી. સૌપ્રથમ ચક્રરાજ સુદર્શનને રથ પર બિરાજમાન કરાયા હતા અને ત્યારબાદ દેવી સુભદ્રા તથા ભગવાન જગન્નાથના રથોને પ્રસ્થાન કરાવાયા હતા. આ સમયે સમગ્ર પુરી 'જય જગન્નાથ'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ યાત્રા મુખ્ય મંદિરથી ગુન્ડિચા મંદિર સુધી જશે.

ધોધમાર વરસાદથી જળબંબાકાર, તંત્ર એલર્ટ પર

પુરીમાં છેલ્લા 24 કલાકમાં અંદાજે 200 મિલીમીટર જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પુરી મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)ની 24 કલાક કાર્યરત ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.

મંત્રીએ રાત્રે કર્યું નિરીક્ષણ અને આપ્યા આદેશ

આવાસ અને શહેરી વિકાસ મંત્રી કૃષ્ણ ચંદ્ર મહાપાત્રએ જાતે સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને કડક સૂચના આપતાં કહ્યું કે, 'પાણી ભરાયેલા વિસ્તારોમાં હાઈ-કેપેસિટી પમ્પિંગ યુનિટ્સ કાર્યરત કરવામાં આવે અને રથયાત્રાના રૂટ પર રસ્તાઓ સુકા અને વાહનવ્યવહાર યોગ્ય રાખવામાં આવે.'