VIDEO : 3000 કરોડની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય એક દિવસ માટે બન્યા ભિક્ષુક, મુંબઈની સડકો પર ફરતો વીડિયો વાયરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharashtra News : મહારાષ્ટ્રના ઘાટકોપર ઈસ્ટથી ભાજપના અમીર ધારાસભ્ય પરાગ શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પરાગ શાહ ભિક્ષુકના વેશમાં મુંબઈની સડકો પર ફરતા જોવા મળ્યા છે. કરોડોની સંપત્તિ ધરાવતા ધારાસભ્યને આ રૂપમાં જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

જૈન ધર્મગુરુની સલાહ પર કર્યો અનોખો પ્રયોગ
મળતી માહિતી મુજબ, પરાગ શાહે એક જૈન ધર્મગુરુની સલાહ પર આ અનોખો પ્રયોગ કર્યો હતો. જીવનની વાસ્તવિકતાઓને નજીકથી સમજવા અને વિનમ્રતાનો અનુભવ કરવા માટે તેમને એક દિવસ ભિક્ષુકના વેશમાં સામાન્ય લોકો વચ્ચે સમય પસાર કરવાની સલાહ આપવામાં આવી હતી.
આખો દિવસ મુંબઈની સડકો પર રહ્યા
પરાગ શાહે સામાન્ય ભિક્ષુક જેવો વેશ ધારણ કરીને આખો દિવસ સડકો પર પસાર કર્યો હતો. ખાસ વાત એ હતી કે રસ્તા પરથી પસાર થતા મોટાભાગના લોકો તેમને ઓળખી શક્યા નહોતા. તેમણે સામાન્ય લોકોની જેમ સડકો પર સમય વિતાવ્યો હતો.
કોણ છે પરાગ શાહ?
પરાગ શાહ ઘાટકોપર ઈસ્ટથી ભાજપના ધારાસભ્ય છે. તેમણે વર્ષ 2017માં BMC ચૂંટણીથી રાજકીય સફરની શરૂઆત કરી હતી અને વોર્ડ નંબર 132માંથી કોર્પોરેટર તરીકે જીત મેળવી હતી. ત્યારબાદ વર્ષ 2019માં ભાજપે તેમને ઘાટકોપર ઈસ્ટ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા, જ્યાં તેમણે જીત મેળવી હતી. વર્ષ 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે આ બેઠક પરથી ફરી જીત મેળવી હતી. પરાગ શાહ રાજકારણમાં આવતા પહેલાં રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે કાર્યરત હતા. વર્ષ 2024ના ચૂંટણી સોગંદનામા મુજબ, પરાગ શાહ અને તેમની પત્નીની કુલ સંપત્તિ રૂ.3383 કરોડથી વધુ હોવાનું જાહેર થયું હતું. આ સંપત્તિના કારણે તેઓ મહારાષ્ટ્રના સૌથી અમીર ધારાસભ્ય અને દેશના સૌથી અમીર ધારાસભ્યોમાં સામેલ છે.



