India

VIDEO: 'તેઓ ખૂબ હેન્ડસમ અને સૌમ્ય હતા...', સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી સાથેની પહેલી મુલાકાતનો કિસ્સો શેર કર્યો

By GS Team
24 Oct 20263 mins read
TukuTouch Logo
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ 'X' પર પૂર્વ PM રાજીવ ગાંધી સાથેની પોતાની પ્રેમ કહાણીનો એક વીડિયો શેર કર્યો છે. 1965માં ઈંગ્લેન્ડના કેમ્બ્રિજમાં આવેલા 'ધ વારસિટી' નામના ગ્રીક રેસ્ટોરન્ટમાં તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી. 10 નવેમ્બરે તેમની પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' રિલીઝ થશે, જેમાં આ સફર વર્ણવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 'તેઓ ખૂબ હેન્ડસમ અને સૌમ્ય હતા...', સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી સાથેની પહેલી મુલાકાતનો કિસ્સો શેર કર્યો

Sonia Gandhi Love Story With Rajiv Gandhi : કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઈન્સ્ટાગ્રામ બાદ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ એન્ટ્રી કરી છે. તેમણે પોતાની પ્રથમ પોસ્ટમાં એક વીડિયો શેર કરીને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથેની પોતાની પ્રેમ કહાનીની જૂની યાદો તાજી કરી છે. સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે, 1965માં ઈંગ્લેન્ડના કેમ્બ્રિજમાં આવેલા ધ વારસિટી નામના એક નાના ગ્રીક રેસ્ટોરન્ટમાં તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી. આ સાથે તેમણે પોતાની આગામી પુસ્તક (બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ) વિશે વાત કરી હતી, જે 10 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

કેમ્બ્રિજના ગ્રીક રેસ્ટોરન્ટમાં શરૂ થઈ લવ સ્ટોરી

પોતાની પ્રથમ મુલાકાતને યાદ કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે, ‘કેમ્બ્રિજના એક નાના ગ્રીક રેસ્ટોરન્ટમાં મારી પ્રેમ યાત્રાની શરૂઆત થઈ હતી. રાજીવ અને મેં પ્રેમ, હાસ્ય અને અદ્ભુત યાદોથી ભરેલી એક સુંદર દુનિયા બનાવી હતી. 10 નવેમ્બરે હું એ દુનિયા આપ સૌ સાથે વહેંચી રહી છું.’તે દિવસોમાં ઈંગ્લેન્ડમાં સારું ભોજન શોધવામાં મુશ્કેલી પડતી હતી અને ત્યાં રેસ્ટોરન્ટ પણ ઓછા હતા. આખરે અમને એક ગ્રીક રેસ્ટોરન્ટ મળ્યું, જ્યાં મોટાભાગે ભારતીય અને ઈટાલિયન વિદ્યાર્થીઓ એકઠા થતા હતા.’

રાજીવ ગાંધીના સૌમ્ય વ્યક્તિત્વનો પડ્યો ઊંડો પ્રભાવ

તે સમયની લાગણી વ્યક્ત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે, ‘અલબત્ત, તેઓ ખૂબ જ હેન્ડસમ અને આકર્ષક હતા, પરંતુ તેમના વ્યક્તિત્વમાં એક ખાસ સૌમ્યતા હતી, જેણે મને ઊંડે સુધી પ્રભાવિત કરી હતી. જ્યારે હું તેમને પહેલીવાર મળી ત્યારે એ ક્ષણ હું ક્યારેય ભૂલી શકતી નથી. એ જ રેસ્ટોરન્ટમાં મારી મુલાકાત રાજીવ સાથે થઈ હતી. પહેલી જ નજરે મને તરત લાગ્યું કે તેઓ એવા વ્યક્તિ છે જેમની સાથે સમય વિતાવવો મને ગમશે અને તેમને પણ આવો જ અનુભવ થયો હતો. એક કોમન ફ્રેન્ડે અમારો પરિચય કરાવ્યો હતો, ત્યારબાદ અમે મિત્રો બન્યા અને અવારનવાર મિત્રો સાથે પાર્ટીઓમાં જતા હતા.’

Sonia Gandhi Book-2.jfif

ઈન્સ્ટાગ્રામ પર પુસ્તકની પ્રથમ ઝલક રજૂ કરી

એક્સ પર આવ્યા પહેલાં સોનિયા ગાંધીએ ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર પણ પદાર્પણ કર્યું હતું. તેમણે પોતાની પુસ્તકની પ્રથમ ઝલક દર્શાવતો વીડિયો શેર કરતાં કહ્યું કે, ‘બધાને નમસ્તે, આપ સૌ સાથે આ ક્ષણ વહેંચતાં મને ખૂબ આનંદ થાય છે: ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’ની આ પ્રથમ ઝલક છે. આ પુસ્તક પ્રેમ, ફરજ, ખોટ અને પોતાનાપણાનું સ્થાન શોધવાની એક સફર છે. તેને આપ સૌ સમક્ષ લાવવા હું ઉત્સુક છું.’ વીડિયોમાં સોનિયા ગાંધી તેમની પુસ્તકની પ્રથમ પ્રતો સ્વીકારતા તેમજ પુત્રી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મીઠાઈ વહેંચીને ઉજવણી કરતા નજરે પડે છે.

Sonia Gandhi Book-3.jfif

10 નવેમ્બરે વિશ્વભરમાં પુસ્તક થશે રિલીઝ

સોનિયા ગાંધીનું આ સંસ્મરણ 10 નવેમ્બરે લોન્ચ થવા જઈ રહ્યું છે અને તેનું પ્રી-ઓર્ડર બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. આ પુસ્તકને વૈશ્વિક સ્તરે આલ્ફ્રેડ એ. નોફ દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે, જ્યારે ભારતમાં તેને હાર્પરકોલિન્સ ઈન્ડિયા દ્વારા રિલીઝ કરવામાં આવશે.