VIDEO : દિલ્હીમાં ફરી મોટી દુર્ઘટના, ઈમારત ધરાશાયી થતા 8 ઈજાગ્રસ્ત, કાટમાળ નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Building Collapse : દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં એક 4 માળની ઈમારત અચાનક ધરાશાયી થતાં ભારે દોડધામ મચી ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે GTB હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં એક 3 વર્ષનું બાળક, એક મહિલા અને 6 પુરુષો સામેલ છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો દબાયા હોવાની આશંકા વચ્ચે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
આસપાસના 2 મકાનોને પણ નુકસાન
દિલ્હી પોલીસે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું છે કે, આ દુર્ઘટના ન્યૂ સીમાપુરીના ઈ-બ્લોકમાં આવેલા મકાન નંબર E-401માં બની છે. આશરે 25 વારના પ્લોટ પર બનેલી આ 4 માળની ઈમારત ધરાશાયી થતાં તેની અસરથી બાજુમાં આવેલા અન્ય 2 મકાનોને પણ આંશિક નુકસાન પહોંચ્યું છે. પોલીસે પુષ્ટિ કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 3 વર્ષના એક બાળક સહિત કુલ 7 ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે રાહત તેમજ બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તૈનાત
ડીસીપી આર. મીણાના જણાવ્યા અનુસાર, આ ઈમારત આશરે 25 વારના પ્લોટ પર ઊભી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટના બની ત્યારે અંદર કેટલા લોકો હાજર હતા અને ઈમારત પડવાનું સાચું કારણ શું છે તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. રેસ્ક્યુ ટીમ કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોને ઝડપથી બહાર કાઢવાના પ્રયાસો કરી રહી છે.
આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામ
ઘટનાને કારણે સીમાપુરી ગોળ ચક્કર અને DLF ભોપુરા સહિત આસપાસના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. દિલ્હી ટ્રાફિક પોલીસે નાગરિકોને આ વિસ્તાર તરફ જવાનું ટાળવા વિનંતી કરી છે. સાથે જ ઘટનાસ્થળ નજીક વાહનો ઊભા ન રાખવા કે ટોળાં ન વળવા અપીલ કરાઈ છે, જેથી એમ્બ્યુલન્સ અને રાહત ટીમો માટે રસ્તો ખુલ્લો રહી શકે.
સત્ય નિકેતન દુર્ઘટના બાદ ફરી એકવાર સુરક્ષા સામે સવાલો
દિલ્હીમાં અગાઉ 6 સપ્ટેમ્બર 2026ના રોજ સત્ય નિકેતનમાં 5 માળની પીજી ઈમારત તૂટી પડતાં 5 વિદ્યાર્થીઓ સહિત 7 લોકોનાં મોત થયાં હતાં. તે સમયે એમસીડીના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા અને જૂની ઈમારતોના સ્ટ્રક્ચરલ ઓડિટ તેમજ ગેરકાયદે બાંધકામો સીલ કરવાનો આદેશ અપાયો હતો.




