India

ઉજ્જૈન દર્શન કરી પરત ફરતા પંચમહાલના 6 યુવકોના મોત: હાઈવે પર રોંગ સાઈડ આવતી ટ્રક સાથે ભયાનક અકસ્માત

By GS Team
9 Aug 20263 mins read
TukuTouch Logo
ધાર-ઉજ્જૈન હાઇવે પર પંચકવસા ગામ નજીક રવિવારે બપોરે એક ગમખ્વાર અકસ્માતમાં પંચમહાલના 6 યુવાનોનાં મોત થયા છે. ઉજ્જૈનથી મહાકાલ દર્શન કરીને પરત ફરતી વખતે રોંગ સાઈડથી આવતી ટ્રક સાથે કાર અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ટક્કર એટલી ભયાવહ હતી કે કારનો કૂચડો બોલી ગયો અને 6 યુવાનોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા, જ્યારે 1 ગંભીર રીતે ઘાયલ થયો. પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉજ્જૈન દર્શન કરી પરત ફરતા પંચમહાલના 6 યુવકોના મોત: હાઈવે પર રોંગ સાઈડ આવતી ટ્રક સાથે ભયાનક અકસ્માત

6 Youth Dhar Ujjain Highway Accident: ધાર-ઉજ્જૈન ફોરલેન હાઇવે પર રવિવારે(9 ઓગસ્ટ) બપોરે 1 વાગ્યાની આસપાસ પંચકવસા ગામ નજીક એક ગંભીર અકસ્માતની ઘટનામાં ગુજરાતના પંચમહાલના છ યુવાનોના મોત નીપજ્યા છે. યુવકો ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના દર્શન કરીને કારમાં ગુજરાત પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

હાઈવે પર રોંગ સાઈડ આવતી ટ્રક સાથે ભયાનક અકસ્માત

પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસની માહિતી અનુસાર, બદનાવર-ઉજ્જૈન ફોરલેન હાઇવે પર રોંગ સાઈડમાં લોખંડના સામાનથી ભરેલી ટ્રક ઉજ્જૈન તરફ ઝડપથી આગળ વધી રહી હતી. આ દરમિયાન કાર ટ્રક સાથે જોરદાર ટકરાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેમાં રહેલા 6 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

રોંગ સાઈડથી આવતા ટ્રેલર સાથે ઈકો કારની ટક્કર

પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાના 6 યુવાનો ઈકો કારમાં ઉજ્જૈન દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ધાર-ઉજ્જૈન હાઈવે પર સામેથી રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે ઈકો કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ઈકો કારનો કૂચડો નીકળી ગયો હતો અને કારમાં સવાર છ મિત્રોના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા. જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

તમામ યુવકો ખાનગી ફાઇનાન્સ કંપનીમાં કરતા હતા નોકરી

અકસ્માતનો ભોગ બનેલા તમામ યુવાનો ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા અને મિત્રતાના નાતે સાથે દર્શન કરવા ગયા હતા. મૃતકોમાં શહેરા તાલુકાના ભુરખલ ગામના વિશાલસિંહ પરમાર, ગોધરાના મયુર ચૌહાણ, ગોધરા તાલુકાના વેલવડ ગામના રાકેશ મકવાણા, ગોધરા તાલુકાના રતનપુરના પરેશ પરમાર, ગોધરાના વિમલસિંહ સોલંકી અને ગોધરા તાલુકાના આંગડિયા ગામના દીપક બારીયાનો સમાવેશ થાય છે.

નવપરિણીત યુવકના મોતે પરિવારને ભાંગી નાખ્યો

આ દુર્ઘટનામાં કાળનો કોળિયો બનેલા વેલવડના રાકેશ મકવાણાના તાજેતરમાં જ લગ્ન થયા હતા. લગ્નના થોડા જ સમયમાં પતિનું અકસ્માતમાં અકાળે અવસાન થતાં નવવધૂ અને પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક તંત્ર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. સ્થાનિક ગ્રામજનો અને પોલીસે સાથે મળીને કારનો કાચ તોડીને ભારે પ્રયાસ બાદ મૃતક યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જેમાં ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને વાહનમાંથી બહાર કાઢીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા બદનાવરના સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યારે મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલના મોકલવામાં આવ્યા હતા.

મૃતકના પરિવારજનોને જાણ કરાઈ

પોલીસે મૃતકોની ઓળખ કરી લીધી છે અને ગુજરાતમાં તેમના પરિવારોને અકસ્માત અંગે જાણ કરી દીધી છે. જ્યારે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગંભીર અકસ્માતને કારણે ફોર-લેન હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક ખોરવાયો હતો, પરંતુ પોલીસે સ્થળે પહોંચીને ટ્રાફિકનો પ્રવાહ પૂર્વવત કર્યો હતો.