Get The App

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ રાહુલ-સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, CBIએ સેંગરની જામીન અરજી SCમાં પડકારશે

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ રાહુલ-સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, CBIએ સેંગરની જામીન અરજી SCમાં પડકારશે 1 - image


Uttar Pradesh Unnao Rape Case : ઉન્નાવ ગેંગરેપ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન મળતા પીડિતાનો પરિવાર નારાજ થયો છે. આ સ્થિતિ વચ્ચે પીડિતાએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે. પીડિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દિલ્હીમાં 10 જનપથ ખાતે થયેલી આ મુલાકાત દરમિયાન પીડિતાએ ન્યાય માટે ગાંધી પરિવાર સામે પોતાની વેદના ઠાલવી હતી. બીજી તરફ CBI સેંગરની જામીન અરજી પડકારવાનો નિર્ણય લીધો છે. હવે CBI આ મામલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવશે.

પીડિતા અને પરિવારની ત્રણ મુખ્ય માંગણીઓ

મુલાકાત દરમિયાન પીડિતાએ રાહુલ ગાંધી પાસેથી સહયોગની અપેક્ષા રાખતા ત્રણ બાબતો પર ભાર મૂક્યો હતો.

1... સેંગર સામે સુપ્રીમ કોર્ટમાં મજબૂત કાયદાકીય લડત લડવા માટે પીડિતાએ એક અનુભવી વકીલની માંગ કરી છે. રાહુલ ગાંધીએ આ બાબતે સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.

2... પરિવાર પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે, તેથી તેમણે કોઈ કોંગ્રેસ શાસિત રાજ્યમાં શિફ્ટ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

3... પીડિતાના પતિએ આર્થિક સ્થિતિ સુધારવા માટે રોજગારની માંગ કરી છે, જેના પર રાહુલ ગાંધીએ યોગ્ય પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે.

CBI સેંગરની જામીન અરજીને પડકારશે, SC જવાનો નિર્ણય

ઉન્નાવ રેપ કેસમાં દોષિત કુલદીપ સિંહ સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ CBIએ મોટો નિર્ણય લીધો છે. તપાસ એજન્સીએ સ્પષ્ટ કરી દીધું છે કે આ આદેશને ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં પડકરાશે. તેના માટે વિશેષ મંજૂરી અરજી (SLP) દાખલ કરાશે. CBIએ જણાવ્યું કે, દિલ્હી હાઈકોર્ટની ડિવીઝન બેન્ચના આદેશનું ઊંડાણપૂર્વક અધ્યયન કરાયું છે, ત્યારબાદ એ નક્કી કરાયું છે કે, આરોપીને આપવામાં આવેલા જામીન અને સજા સસ્પેન્શનના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજા ખટખટાવશે.

CBIનું કહેવું છે કે, આ મામલો ખુબ જ ગંભીર છે અને તેમાં પીડિતાને ન્યાય અપાવવો સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આરોપીની અપીલ અને જામીન અરજીને દિલ્હી હાઈકોર્ટમાં CBI અને પીડિતાના પરિવારોએ આકરો વિરોધ કર્યો હતો. CBIએ સમય રહેતા પોતાનો જવાબ અને લેખિત દલીલો પણ કોર્ટમાં દાખલ કરી હતી. તેઓ પીડિતાના પરિવારે પણ જામીનનો વિરોધ કરતા સુરક્ષાને લઈને ગંભીર આશંકાઓ અને ધમકીઓનો હવાલો આપ્યો હતો.

સેંગરના જામીન પર રાહુલ ગાંધીના પ્રહાર

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કુલદીપ સિંહ સેંગર (Kuldeep Singh Sengar)ને મળેલી જામીન પર આકરી પ્રતિક્રિયા આપતા તેને શરમજનક અને નિરાશાજનક ગણાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી સવાલ ઉઠાવ્યો હતો કે, ‘જ્યારે પીડિતા ભયના ઓથાર હેઠળ જીવી રહી હોય ત્યારે દુષ્કર્મીઓને જામીન આપવા એ કેવો ન્યાય છે?’ અગાઉ ઈન્ડિયા ગેટ પર પ્રદર્શન કરી રહેલી પીડિતાની માતાને સુરક્ષાદળો દ્વારા હટાવવાની ઘટનાની પણ તેમણે આકરી ટીકા કરી હતી.

આ પણ વાંચો : હવે એરલાઈન્સોની મનમાની નહીં ચાલે ! સરકારે બે નવી એરલાઈન્સને આપી મંજૂરી

શું છે દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય?

દિલ્હી હાઈકોર્ટે 23 ડિસેમ્બરે નીચલી કોર્ટ દ્વારા સેંગરને આપવામાં આવેલી આજીવન કેદની સજા પર રોક લગાવી છે અને શરતી જામીન મંજૂર કર્યા છે. કોર્ટે 15 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર આ રાહત આપી છે. વર્ષ 2017ના આ કેસમાં હવે આગામી સુનાવણી 15 જાન્યુઆરી 2026ના રોજ થશે.

પીડિતાનો હવે પછીનો રસ્તો

હાઈકોર્ટના આ નિર્ણયને પીડિતાએ પોતાના પરિવાર માટે મોત સમાન ગણાવ્યો છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે, તે સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે. આ ઉપરાંત, પીડિતાએ ન્યાયની આશા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu)ને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો, રોહિત શર્માએ પણ તોફાની બેટિંગ કરી ક્રિકેટ રસિયાઓના જીત્યા દિલ