India

UPના મદરેસાઓ હવે નહીં આપી શકે કામિલ-ફાઝિલની ડિગ્રી, SCના ચુકાદાને આધાર બનાવી યોગી સરકારનો નિર્ણય

By GS Team
4 Aug 20263 mins read
TukuTouch Logo
યુપીમાં યોગી સરકારે મદરેસા શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યના મદરેસાઓ BA અને MA સમકક્ષ 'કામિલ' અને 'ફાઝિલ' ડિગ્રીઓ આપી શકશે નહીં. મદરેસાઓ હવે ફક્ત 12મા ધોરણ સુધીનું જ શિક્ષણ આપી શકશે. સુપ્રીમ કોર્ટના આદેશ અને UGCની માન્યતાના અભાવને કારણે આ નિર્ણય લેવાયો છે. આ પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

UPના મદરેસાઓ હવે નહીં આપી શકે કામિલ-ફાઝિલની ડિગ્રી, SCના ચુકાદાને આધાર બનાવી યોગી સરકારનો નિર્ણય

UP Madrasas To Stop Kamil And Fazil Degrees: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર મદરેસા શિક્ષણ ક્ષેત્રે મોટો ફેરફાર કરવા જઈ રહી છે. હવે યુપીના મદરેસાઓ BA અને MAની સમકક્ષ ગણાતી ડિગ્રીઓ આપી શકશે નહીં. મદરેસાઓમાંથી અભ્યાસ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ હવે સામાન્ય યુનિવર્સિટીઓમાં જ પ્રવેશ લેવો પડશે. ઉત્તર પ્રદેશના મદરેસાઓ હવે 'કામિલ' અને 'ફાઝિલ' ની ડિગ્રીઓ આપી શકશે નહીં. યુપીના મદરેસાઓમાંથી મળતી કામિલની ડિગ્રીને ગ્રેજ્યુએશન (BA) ની સમકક્ષ અને ફાઝિલની ડિગ્રીને પોસ્ટ ગ્રેજ્યુએશન (MA) ની સમકક્ષ માનવામાં આવતી હતી. હવે યુપીના મદરેસાઓ માત્ર 12 માં ધોરણ સુધી એટલે કે, આલિમ સ્તર સુધીનો જ અભ્યાસ કરાવી શકશે અને તેનું સર્ટિફિકેટ આપી શકશે.

યોગી કેબિનેટે આપી મંજૂરી

યોગી આદિત્યનાથ સરકારે મંગળવારે સવારે રાજ્ય કેબિનેટની બેઠકમાં મદરેસા શિક્ષણ પરિષદ અધિનિયમ-2004માં સંશોધનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે આ પ્રસ્તાવને વિધાનસભામાં પસાર કરાવવામાં આવશે. યુપી સરકારે આ નિર્ણય સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા લીધો છે. સરકારના જણાવ્યા અનુસાર કામિલ અને ફાઝિલ ડિગ્રીઓને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) તરફથી માન્યતા પ્રાપ્ત નથી, તેથી આ ડિગ્રીઓની માન્યતા નાબૂદ કરવામાં આવશે.

સરકાર સુપ્રીમ કોર્ટના આદેશ પછી અગાઉ આપવામાં આવેલી જૂની ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓને પણ રદ કરવાની તૈયારીમાં છે. જો આમ થશે તો રાજ્યના હજારો-લાખો વિદ્યાર્થીઓ સામે મુશ્કેલી ઊભી થઈ શકે છે, કારણ કે તેમની ડિગ્રી માત્ર કાગળનો ટુકડો બની જશે, અને તેના આધારે તેઓ આગળ અભ્યાસ કે નોકરી માટે અરજી નહીં કરી શકે.

શું હતી કામિલ-ફાઝિલની ડિગ્રીઓ?

'કામિલ' એ અરબી, ફારસી અને ઈસ્લામિક સ્ટડીઝનો 3 વર્ષનો કોર્સ છે, જેને બેચલર ડિગ્રી (BA) ની સમકક્ષ માનવામાં આવતો હતો. જ્યારે 'ફાઝિલ' એ કામિલ પછી કરવામાં આવતો 2 વર્ષનો એડવાન્સ કોર્સ હતો, જેને માસ્ટર ડિગ્રી (MA) ની સમકક્ષ ગણવામાં આવતો હતો.

શું હતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો?

ઉત્તર પ્રદેશ સરકારે આ નિર્ણય સુપ્રીમ કોર્ટના 5 નવેમ્બર 2024 ના આદેશનું પાલન કરવા માટે લીધો છે. 'અંજુમ કાદરી વિરુદ્ધ ભારત સંઘ' કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. આ કેસ યુપી મદરેસા શિક્ષણ બોર્ડ અધિનિયમ-2004 ની બંધારણીય માન્યતા સાથે જોડાયેલો હતો. અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે 22 માર્ચ 2024ના રોજ આ પૂરા અધિનિયમને અબંધારણીય જાહેર કર્યો હતો. તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 5 નવેમ્બર 2024ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણયને રદ કરીને મદરેસા એક્ટને બંધારણીય અને માન્ય ઠેરવ્યો હતો.

મદરેસા બોર્ડ અંગે ચુકાદો

તત્કાલીન ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની પીઠે જણાવ્યું હતું કે, બંધારણની કલમ 30 અલ્પસંખ્યકોને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર આપે છે. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, મદરેસા બોર્ડ દ્વારા 'કામિલ' અને 'ફાઝિલ' જેવી ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓ આપવી એ બંધારણ સુસંગત નથી, કારણ કે ઉચ્ચ શિક્ષણના ધોરણોનું નિયમન યુજીસી એક્ટ (UGC Act) હેઠળ કેન્દ્રના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

યોગી સરકારે સુપ્રીમ કોર્ટના આ જ નિર્દેશને આધાર બનાવીને મદરેસાઓ દ્વારા અપાતી કામિલ અને ફાઝિલની ડિગ્રીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે મદરેસામાંથી 12મું ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીઓએ BA કરવા માટે સામાન્ય યુનિવર્સિટીઓમાં જ જવું પડશે.