પુરી જગન્નાથ રથયાત્રાની ટાઈમિંગ મુદ્દે હોબાળો? ઈસ્કોન અને મંદિર પ્રશાસન આમને-સામને
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Puri Jagannath Rath Yatra Timing Row: ભગવાન જગન્નાથજીની રથયાત્રા અલગ-અલગ તારીખો અને સમયે યોજવા અંગે પુરી જગન્નાથ મંદિર પ્રશાસન અને ઇસ્કોન (ISKCON) વચ્ચેનો ગજગ્રાહ વધુ ઉગ્ર બન્યો છે. બંને પક્ષો એકબીજા પર ખોટા દાવા અને ગેરમાર્ગે દોરવાના આક્ષેપો કરીને આમને-સામને આવી ગયા છે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) દ્વારા ઇસ્કોનના એ દાવાને સખત શબ્દોમાં નકારી કાઢવામાં આવ્યો છે જેમાં કોઈપણ દિવસે રથયાત્રા યોજવાને શાસ્ત્રસંમત ગણાવવામાં આવી છે.
મંદિર પ્રશાસનનું સ્પષ્ટ કહેવું છે કે, વિદેશમાં અકાળે (નિયત સમય વિના) રથયાત્રા અને ભગવાન જગન્નાથજી સાથે જોડાયેલા અન્ય પવિત્ર ઉત્સવોની ઉજવણી કરવી તે શાસ્ત્રોના નિયમોની તદ્દન વિરુદ્ધ છે.
ઇસ્કોનની પ્રેસ રિલીઝને મંદિર પ્રશાસને ગણાવી ખોટી
શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) એ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, ગત 12મી જુલાઈના રોજ મીડિયામાં પ્રસારિત થયેલી ઇસ્કોન રાષ્ટ્રીય સંચાર કાર્યાલય (નવી દિલ્હી)ની પ્રેસ રિલીઝ સંપૂર્ણપણે ભ્રામક છે. પ્રશાસનના જણાવ્યાનુસાર, આ પ્રેસ રિલીઝનો મુખ્ય હેતુ સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવાનો અને સદીઓ જૂની શ્રી જગન્નાથ રથયાત્રાની પરંપરા પર પ્રશ્નો ઊભા કરવાનો છે. ઇસ્કોનનો આ દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે.
ભુવનેશ્વરની બેઠકમાં વિદ્વાનો વચ્ચે શાસ્ત્રાર્થ
આ વિવાદના ઉકેલ માટે 20મી માર્ચ, 2025ના રોજ ભુવનેશ્વર ખાતે SJTA અને ઇસ્કોનના વિદ્વાનો વચ્ચે એક મહત્ત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઇસ્કોનના વિદ્વાનોએ વિવિધ શાસ્ત્રોના સંદર્ભો ટાંકીને ભારતની બહાર વર્ષ દરમિયાન અલગ-અલગ તારીખો પર રથયાત્રા યોજવાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. પુરી મંદિરના વિદ્વાનો અને પંડિતોએ અધિકૃત શાસ્ત્રો તેમજ પુરાણોના પુરાવા રજૂ કરીને ઇસ્કોનની દલીલો અને દાવાઓને સંપૂર્ણપણે રદિયો આપ્યો હતો.
ગજપતિ મહારાજાના નામે ગેરસમજ ફેલાવવાનો આક્ષેપ
મંદિરના અધિકારીઓએ ઇસ્કોન પર વધુ એક ગંભીર આરોપ લગાવ્યો હતો કે, સંસ્થા દ્વારા એવી ખોટી છાપ ઊભી કરવામાં આવી રહી છે કે પુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેબે અકાળે યોજાતી રથયાત્રાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંમતિ આપી છે. વાસ્તવમાં, ગજપતિ મહારાજાએ જર્મનીના બર્લિન ખાતે ઇસ્કોન દ્વારા આયોજિત રથયાત્રાના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેનો સહારો લઈને આ ગેરસમજ ફેલાવવામાં આવી રહી હોવાનો દાવો મંદિર પ્રશાસને કર્યો છે.
આ વિવાદ અંગે ઇસ્કોનના કોમ્યુનિકેશન ડિરેક્ટર અને રાષ્ટ્રીય પ્રવક્તા, યુધિષ્ઠિર ગોવિંદ દાસે SJTA નિવેદનની સમીક્ષા કર્યા વિના ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.









