લાઠી ચાર્જ અને પેલેટ ગન મુદ્દે સંસદીય બેઠકમાં ભારે હોબાળો, ભાજપ સાંસદે ચર્ચાનો ઇન્કાર કરતાં વિપક્ષ લાલઘૂમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Parliament Panel Meeting Ruckus : સંસદની ગૃહ બાબતોની સમિતિની બેઠકમાં મંગળવારે (25 ઑગસ્ટ 2026) ભારે હોબાળો જોવા મળ્યો હતો. વિપક્ષી સભ્યોએ બેઠકમાં પેલેટ ગનનો ઉપયોગ અને જંતર-મંતર ખાતે દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ અંગે ચર્ચા કરવાની માંગ કરી હતી. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ કમિટીના અધ્યક્ષ અને ભાજપના સાંસદ રાધામોહન દાસે(Radhamohan Das) આ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
રાહુલ ગાંધીના ધરણાં બાદ પોલીસે નોંધી FIR
દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન પેલેટ ગનથી ઘવાયેલા સાહિલ(Sahil)ના કિસ્સામાં એફઆઇઆર નોંધવાની માંગ સાથે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર ધરણાં કર્યા હતા. તેઓ 5 કલાક સુધી ધરણાં પર બેઠા બાદ પોલીસે આખરે અજાણ્યા શખ્સો સામે કેસ દાખલ કર્યો હતો.
ગૃહમંત્રી પર રાહુલ ગાંધીના ગંભીર આક્ષેપ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સાહિલના શરીરમાં 200થી વધુ છરા અને આંખમાં 3 છરા વાગ્યા છે. તેમણે જણાવ્યું કે, 'તપાસ ચાલુ રહેશે, પરંતુ સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે ખીલી લગાવેલી લાકડીઓ વાપરવાનો આદેશ કોણે આપ્યો હતો? શું આ કાર્યવાહીનો આદેશ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) દ્વારા આપવામાં આવ્યો હતો કે અન્ય કોઈએ આપ્યો હતો? જો ગૃહમંત્રીએ આ આદેશ આપ્યો હોય, તો વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની જવાબદારી પણ નક્કી થવી જોઈએ.'
સુપ્રીમ કોર્ટે રચી 5 સભ્યોની એક્સપર્ટ કમિટી
જંતર-મંતર તેમજ દેશના અન્ય ભાગોમાં થયેલી હિંસા અને પોલીસ તેમજ સુરક્ષા દળોની કાર્યવાહીની તપાસ માટે સુપ્રીમ કોર્ટે 5 સભ્યોની હાઇ પાવર એક્સપર્ટ કમિટીની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ આર. સુભાષ રેડ્ડી(R. Subhash Reddy)ને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અદાલતને આશા છે કે આ કમિટીનો અહેવાલ આગળના મહત્ત્વના નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે.
દિલ્હીમાં સીજેપી કરશે વિરોધ માર્ચ
કોકરોચ જનતા પાર્ટી(CJP)એ દિલ્હીમાં 5 સપ્ટેમ્બરના રોજ શાંતિપૂર્ણ વિરોધ માર્ચ યોજવાની જાહેરાત કરી છે. પક્ષે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે 25 જુલાઈના રોજ યુવાનોને આપેલા વચનો પૂરા કર્યા નથી. સીજેપીના જણાવ્યા અનુસાર, સરકાર વચનો અમલમાં મૂકવાને બદલે એક મહિનાથી વિલંબ કરી રહી છે, ટેકનિકલ કારણો આગળ ધરી રહી છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ સ્પષ્ટ ખાતરી આપવાથી બચી રહી છે.




