Nitish Kumar Hijab Controversy: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મહિલાનો હિજાબ ખેંચવાની ઘટના બાદ ઉત્તર પ્રદેશમાં મંત્રી અને નિષાદ પાર્ટી અધ્યક્ષ ડૉક્ટર સંજય નિષાદે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'નકાબ અડી લીધો તો આટલું થઈ ગયું, ક્યાંક બીજે અડત તો શું થઈ જાત.' જોકે, આ નિવેદનનો વીડિયો વાઇરલ થયા બાદ સંજય નિષાદે સ્પષ્ટતા આપતા કહ્યું કે, આ મુદ્દાને ખોટા સંદર્ભમાં વધુ પડતો ઉછાળવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ 'જી રામ જી' ભાજપ માટે માથાનો દુઃખાવો બની! વિપક્ષની સાથે સહયોગીને પણ વાંધો પડ્યો
વિવાદિત નિવેદન
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક કાર્યક્રમ દરમિયાન એક મુસ્લિમ મહિલાનો હિજાબ ખેંચ્યો હતો. જેને લઈને રાજકીય હોબાળો મચી ગયો છે. તેમના બચાવમાં યોગી સરકારના સહયોગી નિષાદ પાર્ટીના અધ્યક્ષ ડૉ. સંજય નિષાદે કંઇ એવું કહ્યું કે, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. હકીકતમાં, એક મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, 'એ પણ તો માણસ છે, પાછળ ન પડી જવાનું હોય. અડી લીધો નકાબ તો એટલું શું થઈ ગયું. ક્યાંક બીજે અડી જાત તો શું થઈ જાત. તમે લોકો તો નકાબ પર આટલું ધ્યાન કેન્દ્રીત કરીને બેઠા છો, ક્યાંક ચહેરો-વહેરો અડી જાત તો તમે શું કરત.'
મંત્રીએ કરી સ્પષ્ટતા
આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ પ્રદેશ સરકારના મંત્રી અને નિષાદ પાર્ટી અધ્યક્ષ ડૉ. સંજય નિષાદને સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે, તેમના નિવેદનને ખોટા સંદર્ભમાં વધુ પડતો ઉછાળવામાં આવી રહ્યો છે. જો તેમના નિવેદનથી કોઈને ઠેસ પહોંચી છે તો આ નિવેદન પાછું ખેંચુ છું. મેં જે નિવેદન આપ્યું તે પૂર્વાંચલમાં કોઈન વાતને ટાળવાની રીત છે, તેનો બીજો કોઈ અર્થ નથી. આ નિવેદનનો અર્થ જરાય એવો નથી કે, કોઈ મહિલાનું અપમાન કરવામાં આવે.
હિજાબ સાથે છેડછાડ સહન નહીં કરવામાં આવે: બરેલવી
આ દરમિયાન, ઑલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ નીતિશ કુમાર દ્વારા નકાબ હટાવવા પર પ્રતિક્રિયા આપી છે. આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા, તેમણે મુખ્યમંત્રીને ભવિષ્યમાં આવા વર્તનથી દૂર રહેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે મહિલાઓનું અપમાન અને હિજાબ સાથે છેડછાડ સહન કરવામાં નહીં આવે.


