Operation Sindoor News : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણ એ 'ઓપરેશન સિંદૂર' ને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઓપરેશન સિંદૂરના પહેલા જ દિવસે ભારતીય વાયુસેનાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વાયુસેના સંપૂર્ણપણે 'ગ્રાઉન્ડેડ' થઈ ગઈ હતી.
વાયુસેના પર વિવાદાસ્પદ ટિપ્પણી
પુણેમાં પત્રકારો સાથે વાત કરતા ચવ્હાણે કહ્યું, "7 મેના રોજ પહેલા દિવસે અમે ખરાબ રીતે હારી ગયા હતા. તે દિવસે અડધા કલાકની હવાઈ લડાઈ થઈ હતી, જેમાં અમે સંપૂર્ણપણે હારી ગયા, ભલે લોકો માને કે ન માને. ભારતીય વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. એરફોર્સ સંપૂર્ણપણે ગ્રાઉન્ડેડ હતી અને એક પણ વિમાન ઉડી શક્યું ન હતું." તેમણે આગળ કહ્યું, "જો ગ્વાલિયર, બઠિંડા અથવા સિરસાથી કોઈ વિમાન ઉડાન ભરત, તો પાકિસ્તાન દ્વારા તેને તોડી પાડવામાં આવવાની ખૂબ જ વધારે સંભાવના હતી, એટલા માટે એર ફોર્સ સંપૂર્ણપણે ગ્રાઉન્ડેડ હતી."
19 ડિસેમ્બર અને PM પદ અંગેનો દાવો
ચવ્હાણે પોતાના એ દાવાને ફરીથી દોહરાવ્યો કે જલ્દી જ એક મરાઠી નેતા દેશના વડાપ્રધાનનું પદ સંભાળી શકે છે અને 19 ડિસેમ્બર ના રોજ ભારતના વડાપ્રધાન બદલાઈ જશે. પૂર્વ વડાપ્રધાન કાર્યાલયના મંત્રી રહી ચૂકેલા અને નવી દિલ્હીમાં મજબૂત સંપર્કો ધરાવતા ચવ્હાણે પોતાના નિવેદનને ગંભીરતાથી લેવા માટે ભાર મૂક્યો હતો.
કયા આધારે કર્યો દાવો?
ચવ્હાણે આ દાવો અમેરિકાના રાજકીય ઘટનાક્રમો સાથે જોડ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકામાં એક વ્યક્તિ (કથિત ઇઝરાયલી ગુપ્તચર એજન્ટ) દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનના કારણે ત્યાં મોટી રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પની ખુરશી પણ જોખમમાં છે. તેમણે દાવો કર્યો કે 19 ડિસેમ્બરના રોજ અમેરિકામાં એક નવો કાયદો લાગુ થયા બાદ આ પ્રભાવશાળી હસ્તીઓના નામ સામે આવવાની સંભાવના છે, જેની અસર ભારતમાં પણ જોવા મળશે અને સંભવતઃ તેનાથી ભારતના વડાપ્રધાનમાં પરિવર્તન આવી શકે છે.
ભાજપનો પલટવાર: આંતરરાષ્ટ્રીય ષડયંત્ર
બીજી તરફ, ભાજપના નેતાઓએ ચવ્હાણના દાવાઓ પર આકરા સવાલ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે અમેરિકન દસ્તાવેજો પર આધારિત રાજકીય ઉથલપાથલથી ભારતના વડાપ્રધાનમાં પરિવર્તન કેવી રીતે આવી શકે છે. ભાજપના નેતાઓએ આ વાતને નકારી કાઢી છે કે કોઈ મરાઠી નેતા વડાપ્રધાન બનશે અથવા નેતૃત્વ પરિવર્તનની કોઈ શક્યતા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવા માટે જાણી જોઈને આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે, અને છેલ્લા કેટલાક દિવસોથી અરાજકતા અને અશાંતિ ઊભી કરવા માટે એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ચાલી રહ્યું છે.


