Get The App

'જી રામ જી' ભાજપ માટે માથાનો દુઃખાવો બની! વિપક્ષની સાથે સહયોગીને પણ વાંધો પડ્યો

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
'જી રામ જી' ભાજપ માટે માથાનો દુઃખાવો બની! વિપક્ષની સાથે સહયોગીને પણ વાંધો પડ્યો 1 - image


G Ram G Scheme : કેન્દ્ર સરકાર દ્વારા MGNREGA (મનરેગા) યોજનાનું સ્થાન લેનારા 'વિકસિત ભારત-જી રામ જી વિધેયક 2025'ને લઈને વિપક્ષના વિરોધની સાથે હવે સત્તાધારી NDA ગઠબંધનની અંદરથી પણ અસંતોષનો સૂર ઉઠ્યો છે. NDAના સાથી પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ આ નવી યોજના હેઠળ 40 ટકા ખર્ચ રાજ્યો પર નાખવાની જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો છે, જેના કારણે ગઠબંધનમાં તણાવના સંકેત મળી રહ્યા છે.

ભાજપ સહયોગીને જ વાંધો... 

TDP સાંસદ લવુ શ્રી કૃષ્ણ દેવરયાલુએ કહ્યું કે, આંધ્રપ્રદેશ 2014થી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને આ નવી જોગવાઈ રાજ્ય પર વધુ આર્થિક બોજ નાખશે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી કે કેન્દ્ર સરકાર ભૂતકાળની જેમ આ વખતે પણ રાજ્યની મદદ કરશે. પાર્ટીના પ્રવક્તાએ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ આ જોગવાઈ પર પુનર્વિચાર કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરશે.

વિપક્ષના ભારે હોબાળા વચ્ચે બિલ લોકસભામાં પાસ

આ દરમિયાન, ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષી સભ્યોના ભારે હોબાળા અને નારાબાજી વચ્ચે આ વિધેયક લોકસભામાં રજૂ કર્યું હતું, જેને ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યું હતું. વિપક્ષી દળોએ આ વિધેયકનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમનો મુખ્ય આરોપ હતો કે યોજનામાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ હટાવવું એ તેમનું ઘોર અપમાન છે. કોંગ્રેસે આજે  આ મુદ્દે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાની પણ તૈયારી કરી છે.

વિપક્ષના આરોપો પર સરકારનો જવાબ

વિપક્ષના આરોપોને ફગાવી દેતા, શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, "મહાત્મા ગાંધી અમારા દિલમાં વસે છે." તેમણે વળતો સવાલ પૂછ્યો કે, "કોંગ્રેસની સરકારે પણ 'જવાહર રોજગાર યોજના'નું નામ બદલ્યું હતું, તો શું તે પંડિત જવાહરલાલ નહેરુનું અપમાન હતું?" તેમણે વધુમાં જણાવ્યું કે આ નવી યોજનામાં રોજગારના દિવસો 100થી વધારીને 125 કરવામાં આવ્યા છે અને તેના માટે 1.51 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ગામડાઓનો સર્વાંગી વિકાસ થશે.

Tags :