Get The App

ઉત્તર પ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ મતદાર યાદી જાહેર

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
Uttar Pradesh Final Voter List

Uttar Pradesh Final Voter List: ઉત્તર પ્રદેશમાં છેલ્લા 166 દિવસથી ચાલી રહેલી મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) પૂર્ણ થયા બાદ હવે રાજ્યનું ફાઈનલ મતદાર યાદી જાહેર કરાઈ છે. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિણવાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, નવી યાદી મુજબ ઉત્તર પ્રદેશમાં હવે કુલ મતદારોની સંખ્યા 13,39,84,792 થઈ ગઈ છે.

મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો

નવી યાદીમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે અગાઉની સરખામણીએ રાજ્યમાં મતદારોની સંખ્યામાં 2.05 કરોડનો ધરખમ ઘટાડો થયો છે. નોંધનીય છે કે 27 ઓક્ટોબર 2025ના રોજ ફ્રીઝ કરવામાં આવેલી યાદીમાં 15.44 કરોડ મતદારો હતા, જે આ પ્રક્રિયા બાદ ઘટીને 13.39 કરોડ થઈ ગયા છે. જોકે, 6 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ યાદીની સરખામણીમાં અંતિમ યાદીમાં 84.28 લાખ નવા મતદારોનો ઉમેરો પણ થયો છે.

પુરુષ અને મહિલા મતદારોનું ગણિત

રાજ્યની કુલ મતદાર યાદીમાં પુરુષોનું વર્ચસ્વ જોવા મળ્યું છે. કુલ મતદારોમાંથી 54.54% પુરુષો છે, જ્યારે 45.46% મહિલા મતદારો છે. આંકડાકીય રીતે જોઈએ તો:

પુરુષ મતદારો: 7,30,71,061

મહિલા મતદારો: 6,09,09,525

થર્ડ જેન્ડર: 4,206

18થી 19 વર્ષના યુવા મતદારો: 17,63,360

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત: ‘પાસપોર્ટ વિવાદ’માં હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક, આસામ CMના પત્નીએ નોંધાવી હતી FIR

આ પાંચ જિલ્લામાં સૌથી વધુ મતદારો વધ્યા

અંતિમ મતદાર યાદી મુજબ ઉત્તર પ્રદેશના પાંચ જિલ્લાઓમાં સૌથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પ્રયાગરાજ 3,29,421 નવા મતદારો સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ લખનઉમાં 2,85,961, બરેલીમાં 2,57,920, ગાઝિયાબાદમાં 2,43,666 અને જૌનપુરમાં 2,37,590 મતદારોનો વધારો થયો છે.

શા માટે નામ કપાયા?

આ પ્રક્રિયા દરમિયાન અંદાજે 2.22 કરોડ લોકો તાર્કિક વિસંગતતા ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત 1.04 કરોડ લોકો એવા હતા જેમનું નામ તેમના માતા-પિતા કે વાલીઓ સાથે મેચ થતું ન હોવાથી તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. જે લોકોના નામ હાલની યાદીમાં રહી ગયા છે, તેઓ હજુ પણ ફોર્મ-6 ભરીને પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકે છે.

ઉત્તર પ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ મતદાર યાદી જાહેર 2 - image