India

યુપી રાજકારણમાં ગરમાવો : ઓવૈસી અને ચંદ્રશેખર આઝાદ રચશે ત્રીજો મોરચો, કાલે સત્તાવાર જાહેરાત

By GS Team
11 Nov 20263 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં AIMIMના અસદુદ્દીન ઓવૈસી અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) વચ્ચે ગઠબંધન થયું છે. આ બંને નેતાઓ રાજ્યમાં ભાજપ અને વિપક્ષ સામે ત્રીજો મોરચો રચશે. 12 નવેમ્બર 2026ના રોજ લખનઉમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત થશે. તેઓ 150 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુપી રાજકારણમાં ગરમાવો : ઓવૈસી અને ચંદ્રશેખર આઝાદ રચશે ત્રીજો મોરચો, કાલે સત્તાવાર જાહેરાત

Owaisi and Azad Form Alliance in UP Elections : ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM અને નગીના બેઠકના સાંસદ ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) વચ્ચે ચૂંટણી ગઠબંધન કરવા સહમતિ સધાઈ ગઈ છે. આ બંને નેતા ઉત્તર પ્રદેશમાં એકસાથે ચૂંટણી લડીને ભાજપ અને વિપક્ષી ગઠબંધનો સામે ત્રીજો મોરચો ઊભો કરવા સજ્જ થઈ ગયા છે. અહેવાલો મુજબ, 12 નવેમ્બર 2026ના રોજ બપોરે 12 વાગ્યે લખનઉમાં એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરાશે. આ દરમિયાન ગઠબંધનના નામ અને તેમના રાજકીય હેતુની પણ જાહેરાત કરાશે.

આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) અને ભીમ આર્મીનું રાજકીય મહત્ત્વ
આ મોરચો ઉત્તર પ્રદેશની આશરે 150 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. આ સાથે તેઓ અન્ય નાના પક્ષોને પણ તેમની સાથે જોડવાના પ્રયાસો કરી રહ્યા છે. આ સ્થિતિમાં ભીમ આર્મી અને આઝાદ સમાજ પાર્ટીનું મહત્ત્વ ખૂબ વધી જાય છે.
જો કે, આઝાદ સમાજ પાર્ટી ભીમ આર્મીની જ એક રાજકીય પાંખ છે. ચંદ્રશેખર આઝાદ અને વિનય રતન સિંહે 15 માર્ચ 2020ના રોજ બહુજન સમાજ પાર્ટી(BSP)ના સ્થાપક કાંશીરામની જન્મજયંતિ પર આ પાર્ટીની સ્થાપના કરી હતી. આ પાર્ટીનો હેતુ આંબેડકરવાદી વિચારધારા, દલિતો અને બહુજન સમાજના અધિકારોને રાજકીય મંચ પૂરો પાડવાનો છે.
વર્ષ 2014માં સ્થાપાયેલી 'ભીમ આર્મી' શરૂઆતમાં એક સામાજિક સંગઠન તરીકે કામ કરતી હતી. ચંદ્રશેખર આઝાદે માયાવતીની BSP સાથે કામ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ ન થતાં તેમણે સક્રિય રાજકારણમાં ઝંપલાવવા આ પાર્ટી બનાવી હતી.

આઝાદ સમાજ પાર્ટીને મળેલી સફળતા
આ પાર્ટીની સ્થાપના વખતે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસના પણ અનેક પૂર્વ નેતાઓ તેમાં જોડાયા હતા. એ રીતે આઝાદ સમાજ પાર્ટી ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ચૂંટણી લડી ચૂકી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ચંદ્રશેખર આઝાદ યુપીની નગીના બેઠક પરથી 1.5 લાખથી વધુ મતોની સરસાઈથી જીતીને પાર્ટીના પ્રથમ સાંસદ બન્યા હતા. આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ચૂંટણી લડવાનું માધ્યમ છે, જ્યારે ભીમ આર્મી આજે પણ જમીની સ્તરે એક સામાજિક સંગઠન અને પાર્ટીની યુવા પાંખ તરીકે કામ કરે છે.

ઓવૈસીના તમામ 38 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
ઓવૈસી સતત ત્રીજી વખત ઉત્તર પ્રદેશના ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. ભાજપને સત્તામાં આવતા રોકવાના હેતુથી તેમણે અગાઉ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને ગઠબંધન માટે અપીલ કરી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતાં આ વિકલ્પ અજમાવ્યો છે. વર્ષ 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી AIMIM એ 38 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ તેઓ એકપણ બેઠક પર જીતી શક્યા ન હતા. એટલું જ નહીં, આ તમામ 38 બેઠકો પર ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. આ ચૂંટણીમાં પાર્ટીને કુલ મતોના માત્ર 0.24% વોટ મળ્યા હતા.
ત્યાર પછી વર્ષ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ ઓવૈસીએ 103 બેઠકો પર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. એ વખતે પણ તેમનું ખાતું સુદ્ધાં ખૂલ્યું ન હતું અને મોટા ભાગના ઉમેદવારોની જામીન જપ્ત થઈ ગઈ હતી. જો કે, એ ચૂંટણીમાં તેમનો વોટ શેર વધીને 0.43% થયો હતો.

આ નવા ગઠબંધનનું રાજકીય મહત્ત્વ
ઓવૈસી પાસે મુસ્લિમ મતબૅંક પર પકડ બનાવવાનો આધાર છે, જ્યારે ચંદ્રશેખર આઝાદ પાસે દલિત અને યુવા મતદારોનું સમર્થન છે. આ બંને નેતા એકસાથે આવવાથી રાજ્યમાં ‘દલિત-મુસ્લિમ’ના સમીકરણ રચાઈ રહ્યા છે. આ ગઠબંધન આગામી ચૂંટણીમાં રાજ્યના મુખ્ય રાજકીય પક્ષોના સમીકરણોને મોટા પાયે પ્રભાવિત કરી શકે છે.