યુપીઆઈ પર ચાર્જ નાંખી વગર જોઈતી આફત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પેટ ચોળીને શૂળ ઊભું કર્યું : મોદીના જન્મદિવસે જ હોબાળો
- વહોરીકોઇ પણ ભોગે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન ચાર્જ પરત લેવામાં નહીં આવે, કોઇ જ વિદેશી દબાણ નથી : સરકાર
- વેપારીઓ યુપીઆઇ ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલશે, આમ નાગરિકોએ ભોગવવું પડશે : સુપ્રીમમાં અરજી
બેન્કોએ આ ચાર્જ નાખવાની માગ નથી કરી, સરકારના નિર્ણયથી બેન્કો પર બોજ વધશે : સ્વદેશી જાગરણ મંચ
આરએસએસના સ્વદેશી જાગરણ મંચ, પેટ્રોલિયમ ડીલરો, ભાજપના સાથીપક્ષની નિર્ણય પરત લેવા માગ
નવી દિલ્હી : ઓનલાઇન પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાતા યુપીઆઇ દ્વારા નાણાકીય લેવડ દેવડ પર સરકાર દ્વારા વેપારીઓ પાસેથી ચાર્જ વસુલવાની જાહેરાત કરવામાં આવી છે, જેને લઇને હવે વિવાદ થઇ રહ્યો છે. વિપક્ષે દાવો કર્યો છે કે વિદેશી તાકતોના દબાણને કારણે સરકારે આ નિર્ણય લેવો પડયો છે જ્યારે સરકારે કહ્યું છે કે કોઇનું પણ દબાણ નથી. બીજી તરફ વિવિધ સંગઠનો દ્વારા આ નિર્ણયનો વિરોધ શરૂ થઇ ગયો છે. ખુદ ભાજપના સાથીપક્ષો, આરએસએસના સંગઠન દ્વારા પણ સરકારના આ નિર્ણય સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને તેને પરત લેવા માગણી કરી છે.
૧૫મી ઓક્ટોબરથી દેશભરમાં બે હજાર રૂપિયાથી વધુના યુપીઆઇ ટ્રાન્ઝેક્શન પર વેપારીઓ પર ૦.૪ ટકા ચાર્જ લેવાની શરૂઆત થશે. જોકે આ નવી નીતિની જાહેરાતના બીજા જ દિવસે વિરોધ શરૂ થઇ ગયો છે. સાથે જ સરકારના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે, જેને પગલે આ મુદ્દે વિવાદ વધી રહ્યો છે. ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તે આ નવી યુપીઆઇ ચાર્જ નીતિમાંથી પેટ્રોલ પમ્પોને છૂટ આપે અને તેમની પાસેથી આ ચાર્જ ના વસુલે.
નાણામંત્રીને લખેલા પત્રમાં એસોસિએશને કહ્યું છે કે દેશમાં બહુ જ મોટા પ્રમાણમાં ફ્યુઅલની ખરીદી થતી હોય છે, ગ્રાહકો યુપીઆઇનો વધુ ઉપયોગ કરતા હોય છે. પેટ્રોલ અને ડીઝલ ડીલરો નક્કી કરાયેલા માર્જિન પર કામ કરતા હોય છે, તેઓ આ યુપીઆઇ પેમેન્ટના ખર્ચ બદલ સરળતાથી પેટ્રોલ કે ડીઝલના ભાવ નથી વધારી શકતા. ડીલર માર્જિન પણ ૨૦૧૭થી બદલાયા નથી. બીજી તરફ વીજળી સહિતનો ખર્ચ વધ્યો છે. માત્ર પાંચ રૂપિયા વસુલવામાં આવશે તો પણ ફ્યૂઅલ રિટેલર્સ પર મોટો બોજ આવી પડશે. જો આ ચાર્જ રદ કરવામાં ના આવ્યો તો ફ્યૂઅલ સ્ટેશનો પર યુપીઆઇનો ઉપયોગ જ બંધ થઇ શકે છે.
આ વિરોધમાં હવે વિપક્ષની સાથે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આરએસએસના પેટા સંગઠનો પણ જોડાવા લાગ્યા છે. સંઘના આર્થિક બાબતોના સંગઠન સ્વદેશી જાગરણ મંચના કો-કન્વેનર અશ્વિની મહાજને કહ્યું હતું કે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન પર ફી વસુલવી બહુ જ દુઃખદ બાબત છે, બેન્કોએ આ એમડીઆર ચાર્જ લગાવવાની માગ નથી કરી, આ ચાર્જ લગાવીને સરકાર બેન્કોનો ખર્ચો વધારી રહી છે. લોકો એટીએમના બદલે યુપીઆઇનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ ચાર્જને કારણે લોકો યુપીઆઇથી એટીએમ તરફ વળશે જેને કારણે બેન્કોનો વ્યવસ્થાનો ખર્ચ વધશે. સરકારે જે નિર્ણય લીધો તે દુઃખદ છે તેનાથી ભારતની સફળતાઓ નીચી દેખાશે. વિપક્ષ જ નહીં સત્તાધારી પક્ષ ભાજપના સાથી પક્ષો પણ સરકારના આ નિર્ણયથી ખુશ નથી, તમિલનાડુમાં ભાજપનો સાથી પક્ષ પીએમકે વિરોધમાં ઉતર્યો છે. પીએમકેના અધ્યક્ષ અમ્બુમણી રામાદોસે કહ્યું હતું કે સરકારે આ નિર્ણય પરત લેવો જોઇએ, ખુદ કેન્દ્ર સરકારે ડિજિટલ પેમેન્ટ કોઇ પણ પ્રકારના ચાર્જથી મૂક્ત રાખવાનું વચન આપી ચુકી હતી, તેણે આ વચન પાળવું જોઇએ.
એવા અહેવાલો છે કે ચોમેરથી ઘેરાયેલી સરકાર આ નિર્ણય પરત લેવાના મૂડમાં નથી, સુત્રોની માહિતી મુજબ સરકારે કહ્યું છે કે આ નિર્ણય બહુ જ સમજી વિચારીને પાંચ વર્ષ પહેલા જ લેવાઇ ગયો હતો, તેને કોઇ પણ સંજોગોમાં પરત લેવામાં નહીં આવે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઇ ગયા બાદ આ ચાર્જ વસુલવાનો નિર્ણય પાંચ વર્ષ પહેલા લેવાઇ ગયો હતો. જ્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં સરકારના આ નિર્ણય સામે અપીલ કરાઇ છે. સરકાર દ્વારા આ મુદ્દે બહાર પડાયેલા ગેઝેટને રદ કરવાની માગણી આ અરજીમાં કરવામાં આવી છે. સરકારે લાદેલો આ ચાર્જ આમ નાગરિકો પર અસર કરશે. વેપારીઓ પર ભલે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન ચાર્જ નાખ્યો પરંતુ તેનો બોજ ગ્રાહકો પર આવશે કેમ કે વેપારીઓ આ ટ્રાન્ઝેક્શન ચાર્જ ગ્રાહકો પાસેથી વસુલશે.




