Get The App

તૃણમૂલમાં ભંગાણના એંધાણ, ચૂંટણીમાં હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ ઉઠાવ્યા સવાલ

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
તૃણમૂલમાં ભંગાણના એંધાણ, ચૂંટણીમાં હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ ઉઠાવ્યા સવાલ 1 - image

TMC Rebellion: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે મળેલી કારમી હાર બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભડકો થયો છે. પક્ષના અનેક દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યોએ મમતા બેનરજી અને તેમના ભત્રીજા અભિષેક બેનરજીના નેતૃત્વ સામે બગાવતી તેવર અપનાવ્યા છે.

નેતાઓ જાહેરમાં વખોડવા લાગ્યા 

પશ્ચિમ બંગાળમાં ભાજપના હાથે મળેલી ઐતિહાસિક હાર બાદ મમતા બેનરજીની પાર્ટીમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંતરિક સંઘર્ષ જોવા મળી રહ્યો છે. વર્ષો સુધી પક્ષની શિસ્તમાં રહેલા નેતાઓ હવે જાહેરમાં હાર માટે નેતૃત્વ અને ગુટબંધીને જવાબદાર ઠેરવી રહ્યા છે.

અભિષેક બેનરજી નિશાને 

પક્ષના અનેક ધારાસભ્યોએ હાર માટે જનરલ સેક્રેટરી અભિષેક બેનરજીની કાર્યશૈલીને જવાબદાર ગણી છે. મુર્શિદાબાદના ધારાસભ્ય નિયામત શેખે સીધો આરોપ લગાવ્યો છે કે પક્ષમાં માત્ર 'લોબી' અને ગુટબંધી ચાલે છે. તેમણે કહ્યું કે જમીની હકીકત જાણવાને બદલે સોશિયલ મીડિયા અને ટેકનોલોજી પર વધુ પડતો ભરોસો રાખવો ભારે પડ્યો છે. અનેક ધારાસભ્યોએ ચૂંટણી વ્યૂહનીતિકાર એજન્સી (I-PAC) પરની નિર્ભરતા સામે પણ રોષ વ્યક્ત કર્યો છે.

મમતાના રાજીનામા અંગે મતભેદ

હાર બાદ મમતા બેનરજીએ મુખ્યમંત્રી પદ છોડવાનો ઇનકાર કર્યો છે, જેની સામે પક્ષના જ ધારાસભ્ય અરુણભ સેને કટાક્ષ કર્યો કે જો તેઓ મમતાની જગ્યાએ હોત તો ચોક્કસપણે રાજીનામું આપી દીધું હોત. પક્ષની અંદર એક મોટો વર્ગ એવું માની રહ્યો છે કે હાર સ્વીકારવાને બદલે સત્તા પર ટકી રહેવાની જીદ લોકોમાં પક્ષની છબી વધુ ખરાબ કરી રહી છે.

સ્ટાર પ્રચારકોનો હુમલો

મનોજ તિવારી: પૂર્વ મંત્રી મનોજ તિવારીએ ફેસબુક લાઈવમાં TMC સરકારને ભ્રષ્ટ ગણાવી હતી અને કહ્યું હતું કે તેને સત્તા પરથી ઉખાડી ફેંકવી યોગ્ય જ હતું. તેમણે આરોપ લગાવ્યો કે તેમને સરકારમાં સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હતા.

સાંસદ દેવ: અભિનેતા અને સાંસદ દેવે આરોપ લગાવ્યો કે પૂર નિયંત્રણ માટેના 'ઘાટલ માસ્ટરપ્લાન' વિશે મમતા અને અભિષેકે તેમને જૂઠું આશ્વાસન આપ્યું હતું, જે હવે તેઓ જનતા સામે નહીં બોલી શકે.

પ્રવક્તાઓ સામે કાર્યવાહી

પક્ષ વિરોધી નિવેદનબાજી કરનારા 5 પ્રવક્તાઓ- રિજુ દત્ત, કૃષ્ણેન્દુ ચૌધરી, કોહિનૂર મજુમદાર, પાપિયા ઘોષ અને કાર્તિક ઘોષને પક્ષે કારણદર્શક નોટિસ ફટકારી છે. આ નેતાઓએ કાં તો અભિષેક બેનરજીની ટીકા કરી હતી અથવા ચૂંટણી પછીની હિંસા રોકવા માટે ભાજપના વખાણ કર્યા હતા.