India

તિરુપતિ બાલાજી મંદિરે ઈતિહાસ રચ્યો, આવ્યું મસમોટું દાન ! જાણો અચાનક દાન કેમ વધ્યું

By GS Team
16 Jul 20264 mins read
TukuTouch Logo
આંધ્રપ્રદેશના તિરૂમલા સ્થિત તિરૂપતિ બાલાજી મંદિરમાં 15 જુલાઈની મધ્યરાત્રિથી નવી ડોનર પોલિસી લાગુ થતાં પહેલાં, 24 કલાકમાં 96.98 કરોડ રૂપિયાનું રેકોર્ડ દાન મળ્યું. 2,460 દાતાઓએ જૂના નિયમો હેઠળ આજીવન લાભો મેળવવા માટે દાન આપ્યું. TTDની નવી પોલિસી હેઠળ હવે દાતાઓને મળતી સુવિધાઓ 20 વર્ષ (વ્યક્તિગત) અને 15 વર્ષ (સંસ્થા) સુધી જ માન્ય રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

તિરુપતિ બાલાજી મંદિરે ઈતિહાસ રચ્યો, આવ્યું મસમોટું દાન ! જાણો અચાનક દાન કેમ વધ્યું

Tirupati Balaji Temple Gets Record Rs 97 Crore Donation : આંધ્રપ્રદેશના તિરૂમલા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર (તિરૂપતિ બાલાજી) મંદિરમાં મંગળવારે દાન આપનારાઓની એવી ભીડ ઉમટી કે, માત્ર 24 કલાકમાં મંદિરને 96.98 કરોડ રૂપિયાનું રેકોર્ડ દાન પ્રાપ્ત થયું. પ્રથમ નજરે આ સામાન્ય ધાર્મિક આસ્થાની બાબત લાગી શકે છે, પરંતુ તેની પાછળનું કારણ કંઈક અલગ જ નીકળ્યું.

એવું તો શું બદલાયું કે લોકો દાન આપવા ઉમટી પડ્યા?

તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD)ની નવી ડોનર પોલિસી 15 જુલાઈની મધ્યરાત્રિથી લાગુ થઈ ગઈ છે, જેના પછી દાતાઓને મળતી આજીવન સુવિધાઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે, હજારો શ્રદ્ધાળુઓએ નવી પોલિસી લાગુ થાય તે, પહેલાં દાન આપીને જૂના નિયમો હેઠળ મળતા આજીવન લાભો સુરક્ષિત કરી લીધા.

2,460 દાતાઓએ આપ્યું દાન

અહેવાલો અનુસાર, મંગળવારે કુલ 2,460 દાતાઓએ મંદિરમાં યોગદાન આપ્યું હતું. તેમાંથી 1,212 શ્રદ્ધાળુઓએ 1 લાખથી 10 લાખ રૂપિયા વચ્ચે દાન આપ્યું, જ્યારે 1,246 લોકોએ 10 લાખથી 25 લાખ રૂપિયા સુધીનું યોગદાન આપ્યું. આ સિવાય બે શ્રદ્ધાળુઓએ એક-એક કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું હતું. આટલી મોટી સંખ્યામાં દાતાઓ એક જ દિવસમાં સામે આવતા મંદિર પ્રશાસનને પણ રેકોર્ડબ્રેક આવક થઈ છે.

વર્ષ 2025-26 માં 1,738 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થઈ

તિરૂપતિ બાલાજી મંદિર વિશ્વના સૌથી સમૃદ્ધ ધાર્મિક સ્થળોમાં ગણાય છે. તેની અંદાજિત કુલ સંપત્તિ લગભગ 3.38 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જે કેટલાક નાના દેશોની જીડીપી (GDP) કરતા પણ વધુ છે. નાણાકીય વર્ષ 2025-26માં મંદિરની હુંડીમાં જ 1,738 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થઈ હતી. આનો અર્થ એ કે, મંદિરને સરેરાશ દરરોજ લગભગ 4.75 કરોડ રૂપિયાનું દાન મળે છે.

Tirupati Balaji Temple Gets Record Rs 97 Crore Donation : TTDના આંકડા મુજબ, મંદિરમાં અત્યાર સુધીમાં 1,97,888 રજિસ્ટર્ડ દાતાઓ છે. જેમાંથી લગભગ 1.5 લાખ લોકોએ 1 લાખ રૂપિયા કે, તેથી વધુનું દાન આપ્યું છે, જ્યારે અંદાજે 22,000 શ્રદ્ધાળુઓ એવા છે, જેમણે 10 લાખ રૂપિયાથી વધુનું યોગદાન આપ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા દાતાઓની સંખ્યા સતત વધી છે. આ જ કારણે મંદિર પ્રશાસને દાતાઓને મળતી સુવિધાઓની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો હતો.

10 લાખ રૂપિયા કે તેથી વધુ દાન આપનારા આશરે 3,000 નવા દાતાઓ જોડાયા

TTD બોર્ડના અધ્યક્ષ બી. આર. નાયડુએ જણાવ્યું કે, છેલ્લા માત્ર ચાર મહિનામાં જ 10 લાખ રૂપિયા કે, તેથી વધુ દાન આપનારા લગભગ 3,000 નવા દાતાઓ જોડાયા છે. આટલી ઝડપથી વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દાન વ્યવસ્થામાં પારદર્શિતા અને સમાનતા લાવવા માટે નવી ડોનર પોલિસી લાગુ કરવી જરૂરી બની ગઈ હતી. તેમનું કહેવું છે કે, નવી વ્યવસ્થાનો હેતુ દાતાઓ અને સામાન્ય શ્રદ્ધાળુઓ વચ્ચે સંતુલન જાળવવાનો છે, જેથી દર્શન વ્યવસ્થા વધુ વ્યવસ્થિત અને પારદર્શક બની શકે.

નવી ડોનર પોલિસીમાં શું બદલાવ આવ્યો?

નવી ડોનર પોલિસી હેઠળ સૌથી મોટો ફેરફાર એ છે કે, હવે દાતાઓને મળનારી સુવિધાઓ આજીવન નહીં રહે. પહેલાં જે શ્રદ્ધાળુઓ નક્કી કરેલી રકમનું દાન આપતા હતા, તેમને જીવનભર ઘણી વિશેષ સુવિધાઓ મળતી હતી. જેમાં વિશેષ પ્રવેશ દર્શન, સુપ્રભાત સેવા, બ્રેક દર્શન, કલ્યાણોત્સવમાં ભાગીદારી, આવાસ સુવિધા અને લાડુ, રેશમી વસ્ત્રો તેમજ સોના-ચાંદીના સિક્કા જેવી ભેટો સામેલ હતી.

હવે નવી વ્યવસ્થા અનુસાર, વ્યક્તિગત દાતાઓને મળનારા વિશેષાધિકાર માત્ર 20 વર્ષ સુધી જ માન્ય રહેશે, જ્યારે સંસ્થાઓ અને ટ્રસ્ટો માટે આ સમયગાળો 15 વર્ષ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે, હવે કોઈ પણ નવો દાતા જીવનભર આ સુવિધાઓનો લાભ લઈ શકશે નહીં. TTDએ દાનની જૂની સ્લેબ સિસ્ટમ પણ નાબૂદ કરી છે. હવે દાતાઓને તેમના યોગદાનના આધારે ચાર અલગ-અલગ શ્રેણીઓમાં રાખવામાં આવશે.

વારંવાર મળતા વાર્ષિક લાભો બંધ થયા

બીજો એક મોટો ફેરફાર એ છે કે, હવે તમામ દાતાઓના દર્શન અને સેવાઓની ફાળવણી સંપૂર્ણપણે ઓનલાઈન ડોનર મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થવાથી પારદર્શિતા વધશે. સેવાઓની ફાળવણીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં 50 લાખ રૂપિયા કે તેથી વધુ દાન આપનારા શ્રદ્ધાળુઓને દર વર્ષે એકથી ત્રણ વખત સુપ્રભાત સેવામાં સામેલ થવાની તક મળતી હતી. હવે આ સુવિધા વર્ષમાં માત્ર એક જ વાર મળશે.

સ્મૃતિ ચિહ્નોમાં પણ ઘટાડો કરાયો

પહેલાં 1 કરોડ રૂપિયાનું દાન આપનારાઓને 5 ગ્રામનો સોનાનો સિક્કો અને 50 ગ્રામનો ચાંદીનો સિક્કો આપવામાં આવતો હતો. નવી વ્યવસ્થામાં 50 લાખથી 1.5 કરોડ રૂપિયા સુધીનું દાન આપનારા નવા દાતાઓને માત્ર 2 ગ્રામનો સોનાનો સિક્કો અને 10 ગ્રામનો ચાંદીનો સિક્કો આપવામાં આવશે. એટલે કે ભેટોનું સ્વરૂપ પણ પહેલાં કરતાં મર્યાદિત કરાયું છે.

જો કે, આ નવી ડોનર પોલિસીનું સૌથી મહત્વનું પાસું એ છે કે, તેને ભૂતકાળની અસરથી (રેટ્રોસ્પેક્ટિવ) લાગુ કરવામાં આવી નથી. આનો અર્થ એ કે, 15 જુલાઈની મધ્યરાત્રિ પહેલાં દાન આપનારા તમામ જૂના દાતાઓને મળતી આજીવન સુવિધાઓ પહેલાંની જેમ જ ચાલુ રહેશે. આ જ કારણ રહ્યું કે, નવી વ્યવસ્થા લાગુ થતાં પહેલાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાન આપીને જૂના નિયમો હેઠળ મળતા લાભો સુરક્ષિત કરી લીધા. આ કારણે તિરૂપતિ બાલાજી મંદિરે એક જ દિવસમાં આશરે 97 કરોડ રૂપિયાનું રેકોર્ડ દાન મેળવીને નવો ઈતિહાસ રચી દીધો છે.