પ્રશ્નપત્રોમાં ભૂલોને કારણે યુજીસી-નેટના ત્રણ પેપર રદ : સપ્ટેમ્બરમાં ફરીથી પરીક્ષા યોજશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા યુજીસી-નેટ જૂન ૨૦૨૬ની પરીક્ષાના ત્રણ વિષયો અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાના પ્રશ્નપત્રોમાં વ્યાપક ભૂલો સામે આવ્યા બાદ આ ત્રણેય વિષયોની પરીક્ષા ફરીથી લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ પુનઃપરીક્ષા આગામી ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ યોજાશે, જેના માટે ઉમેદવારો પાસેથી કોઈ વધારાનો પરીક્ષા શુલ્ક લેવામાં આવશે નહીં.
જૂનિયર રિસર્ચ ફેલોશિપ, સહાયક અધ્યાપકની પાત્રતા અને પીએચ.ડી. પ્રવેશ માટે ૨૨ થી ૩૦ જૂન દરમિયાન ૮૭ વિષયોમાં આ પરીક્ષા લેવાઈ હતી. જોકે, આ ત્રણ વિષયોના પ્રશ્નપત્રોમાં તથ્યો, મુદ્રણ અને ભાષાંતરની ગંભીર ક્ષતિઓ, વિદ્વાનોના નામોમાં અશુદ્ધિઓ તેમજ જૂના પ્રશ્નોના પુનરાવર્તનની ફરિયાદો મળતાં એક તપાસ સમિતિ નીમવામાં આવી હતી. સમિતિની ભલામણ બાદ એજન્સીએ જણાવ્યું કે પરીક્ષાની પારદશતા અને ગુણવત્તા જાળવી રાખવા માટે પુનઃપરીક્ષા યોજવી જરૂરી છે. બાકીના ૮૪ વિષયોના પરિણામો નિયત સમય મુજબ જ જાહેર થશે અને તેમાં કોઈ વિલંબ થશે નહીં. પુનઃપરીક્ષા માટે શહેર, કેન્દ્ર અને પ્રવેશપત્ર સંબંધિત વિગતો ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.









