India

રામ મંદિરમાં દાન ચોરી કરનારાની હિંમત આ રીતે વધી, CCTV નિરીક્ષણમાં પણ લાલિયાવાડીનો ખુલાસો

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમમાં 2 થી 3 કરોડની કથિત ચોરી મામલે પોલીસે જેલમાં બંધ અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા અને કરુણેશ પાંડેને રિમાન્ડ પર લીધા છે. CCTV નિરીક્ષણમાં લાલિયાવાડી અને કંટ્રોલ રૂમમાં કર્મચારીઓની ગેરહાજરીનો લાભ ઉઠાવી આરોપીઓએ ચોરી કરી હતી. આરોપીઓએ 79 લાખ રોકડા અને દાગીના રિકવર કરાવ્યા છે, જેનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવામાં થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ મંદિરમાં દાન ચોરી કરનારાની હિંમત આ રીતે વધી, CCTV નિરીક્ષણમાં પણ લાલિયાવાડીનો ખુલાસો

Ram Mandir Donation Row: અયોધ્યાના રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિની તપાસ હવે એવા વળાંક પર પહોંચી ગઈ છે, જ્યાં પોલીસનું માનવું છે કે કેટલાય મહત્વના ખુલાસા માત્ર દસ્તાવેજોથી નહીં, પરંતુ આરોપીઓને સામસામે બેસાડીને પૂછપરછ કરવાથી સામે આવશે. આ જ કડીમાં અયોધ્યા પોલીસે જેલમાં બંધ અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા અને કરુણેશ પાંડેને રિમાન્ડ પર લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે.

CCTV નિરીક્ષણમાં પણ લાલિયાવાડીનો ખુલાસો

તપાસમાં સામે આવ્યું છે કે, દાનની ગણતરી માટેના કાઉન્ટિંગ રૂમમાં લાગેલા CCTV કેમેરાની દેખરેખમાં રાખવામાં આવેલી કથિત બેદરકારીનો આરોપીઓએ પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ઘણી વખત કંટ્રોલ રૂમમાં કોઈ કર્મચારી હાજર નહોતો રહેતો, જેના કારણે તેમના પર નજર રાખનાર કોઈ ન હતું અને ચોરી કરવી તેમના માટે સરળ બની જતી હતી.

ચોરી કરનારાઓની હિંમત આ રીતે વધી

પોલીસ પૂછપરછમાં ધરપકડ કરાયેલા આરોપીઓએ જણાવ્યું કે, નોકરી મળ્યાના માત્ર બે-ત્રણ મહિનામાં જ 6 કર્મચારીઓએ ભેગા મળીને દાનની રકમની ચોરી શરૂ કરી દીધી હતી. શરૂઆતમાં તેઓ 500ની એક-બે નોટો કપડાંમાં છુપાવીને બહાર લઈ જતા હતા. જ્યારે લાંબા સમય સુધી તેમની આ કરતૂત પકડાઈ નહીં, ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધતો ગયો અને ધીમે-ધીમે તેઓ નોટોના બંડલ તથા ત્યારબાદ મોટી રકમની ચોરી કરવા લાગ્યા.

2 થી 3 કરોડની ચોરીની કબૂલાત

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ સામૂહિક રીતે લગભગ 2 થી 3 કરોડ સુધીની કથિત ચોરીની કબૂલાત કરી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ રકમનો ઉપયોગ 7 આરોપીઓએ અયોધ્યા સહિત અન્ય સ્થળોએ પ્રોપર્ટી ખરીદવામાં કર્યો હતો.

આરોપીઓના ઠેકાણા પરથી 79 લાખની રોકડ અને દાગીના રિકવર

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રસ્ટે ચાર અને પાંચ જૂનની આસપાસ આરોપીઓના ઠેકાણા પરથી લગભગ 79 લાખની રોકડ અને કેટલાક દાગીના રિકવર કરાવ્યા હતા. ધરપકડ બાદ પણ તેમની પાસેથી વધારાની રોકડ મળી આવી હોવાની માહિતી સામે આવી છે. રિકવર કરાયેલા દાગીનાની ચકાસણી કરવામાં આવી રહી છે. જો તેના કાયદેસરના ખરીદ અથવા ભેટમાં મળ્યા હોવાના પુરાવા મળશે, તો તે પરિવારજનોને પરત કરવામાં આવશે, અન્યથા તેને ચોરીની મિલકત ગણીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.