India

'આ બાળકોના આરોગ્યનો મુદ્દો છે', પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ લગાવવા સુપ્રીમ કોર્ટ આપશે ઐતિહાસિક આદેશ

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડમાં વધુ પડતી ખાંડ, મીઠું અને ફેટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું કે લોકોનું, ખાસ કરીને બાળકોનું સ્વાસ્થ્ય રાષ્ટ્રીય હિતનો મુદ્દો છે. હવે કોર્ટ પોતે નિર્દેશો જારી કરશે અને પેકેટ પર સ્પષ્ટ ચેતવણી લેબલ લગાવવા આદેશ આપશે. આ મામલે આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરે થશે. FSSAIએ લાલ ષટ્કોણ ચેતવણી ચિહ્નનો પ્રસ્તાવ મૂક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આ બાળકોના આરોગ્યનો મુદ્દો છે', પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ લગાવવા સુપ્રીમ કોર્ટ આપશે ઐતિહાસિક આદેશ

Packaged Food Warning Case : પેકેટમાં મળતા ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટના વધુ પડતા પ્રમાણને લઈને સુપ્રીમ કોર્ટે ભારે ચિંતા વ્યક્ત કરી છે અને આ મામલે કોર્ટ પોતે નિર્દેશો જારી કરશે. પેકેટની આગળના ભાગે સ્પષ્ટ ચેતવણી આપતું લેબલ (FoPL) લગાવવાની માગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન અદાલતે જણાવ્યું કે લોકોનું, ખાસ કરીને વધતી ઉંમરના બાળકોનું સ્વાસ્થ્ય અત્યંત મહત્વનું છે. આ વિષયને રાષ્ટ્રીય હિતનો મુદ્દો ગણાવીને કોર્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ પક્ષકારો તેમાં સહયોગ આપશે. હવે આ મામલે આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.

બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો રાષ્ટ્રીય હિતનો મુદ્દો

જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેંચે જણાવ્યું કે, કોર્ટે આ વિષય પર સંપૂર્ણ હોમવર્ક કરી લીધું છે અને ગુરુવારે ઔપચારિક આદેશ જારી કરવામાં આવશે. આ આદેશ શુક્રવારે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ થવાની શક્યતા છે. બેંચે તમામ પક્ષકારોને આદેશનો વિગતવાર અભ્યાસ કરીને 28 સપ્ટેમ્બરે આગામી સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, વધતા બાળકોના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવતી આ બાબત અત્યંત ગંભીર છે.

અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ સામે કડક ચેતવણીની માગ

અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે દલીલ કરી હતી કે, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડને ઈંડા કે મીઠાવાળા કાજુ જેવા પૌષ્ટિક ખોરાકની સમકક્ષ ગણી શકાય નહીં. તેમણે આવા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો પર વધુ કડક ચેતવણી આપવાની માગ કરી છે. તેમણે એવું સૂચન પણ કર્યું કે, ચેતવણી દર્શાવવા માટે લાલ રંગ સિવાય અન્ય કોઈ રંગનો પણ વિચાર કરી શકાય છે. અદાલતે આ તમામ સૂચનોની નોંધ લીધી છે.

FSSAIએ શું પ્રસ્તાવ આપ્યો?

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (FSSAI) દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામામાં પેકેટની આગળ ચેતવણી દર્શાવતા લેબલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ જે પ્રોડક્ટ્સમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં 2 કે તેથી વધુ નુકસાનકારક તત્વો હશે, તેના પર લાલ રંગનું ષટ્કોણ આકારનું ચેતવણી ચિહ્ન લગાવવામાં આવશે. આ ચેતવણીઓમાં વધુ પડતી ચરબી, વધુ પડતું મીઠું, વધુ પડતી ખાંડ અને વધુ પડતી મીઠાશવાળાં પીણાં જેવી ચેતવણીઓ સામેલ રાખવાની દરખાસ્ત છે.

નવી લેબલિંગ વ્યવસ્થા 2 તબક્કામાં લાગુ કરાશે

FSSAIના જણાવ્યા અનુસાર, આ નવી વ્યવસ્થા 2 તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે. પ્રથમ તબક્કામાં એવા ઉત્પાદનોનો સમાવેશ થશે જેમાં ઉમેરેલી ચરબી, ખાંડ કે મીઠામાંથી 2 કે તેથી વધુ તત્વો નિયત મર્યાદા કરતાં વધારે હોય. બીજા તબક્કામાં કોઈ 1 તત્વનું પ્રમાણ પણ જો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હશે તો તેવા ઉત્પાદનોને પણ આ નિયમ હેઠળ લાવી દેવાશે. જોકે ઘી, ખાદ્ય તેલ, સાદું મીઠું, ખાંડ, ગોળ અને મધ જેવી સિંગલ-ઇન્ગ્રીડિયન્ટ વસ્તુઓને આ નિયમમાંથી મુક્તિ આપવાની દરખાસ્ત છે. નિયમોમાં જરૂરી સુધારા-વધારા કર્યા બાદ નિર્ધારિત પ્રક્રિયા મુજબ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.