માઈલેજ પર નજીવી અસર થશે, ઈથેનોલના કારણે કાર બંધ થવાનો એકેય કેસ નથી: વિરોધ વચ્ચે ગડકરીનો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20) અને તેનાથી વાહનોની પરફોર્મન્સ પર પડતી અસરોને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદો વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્થિતિ એકદમ સ્પષ્ટ કરી દીધી છે. તેમણે સ્વીકાર્યું છે કે પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધવાને કારણે વાહનોની માઇલેજમાં આંશિક ઘટાડો આવી શકે છે, કારણ કે પેટ્રોલની સરખામણીએ ઈથેનોલની કેલોરિફિક વેલ્યૂ (calorific value) ઓછી હોય છે. જોકે, તેમણે દેશના વાહન ચાલકોને ભરોસો આપ્યો છે કે મોટાભાગના કિસ્સાઓમાં ગાડીઓની માઇલેજ પર આનો પ્રભાવ ખૂબ જ મામૂલી અને નહિવત જેવો હશે.
સોશિયલ મીડિયાના દાવાઓ ખોટા અને અતિશયોક્તિભર્યા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એવા વીડિયો, જેમાં દાવો કરાયો છે કે E20 ફ્યુઅલના કારણે ગાડીઓના એન્જિન અને અન્ય પાર્ટ્સ ખરાબ થઈ રહ્યા છે, તેને કેન્દ્રીય મંત્રીએ સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે આ દાવાઓ તદ્દન વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવ્યા છે. દેશમાં 20% ઈથેનોલ અને 80% પેટ્રોલના આ E20 બ્લેન્ડને સીધેસીધું લાગુ નથી કરાયું, પરંતુ તે પહેલાં પૂણેની પ્રખ્યાત ટેસ્ટિંગ લેબ ARAI અને દેશના મોટા વાહન ઉત્પાદકો દ્વારા અનેક પરીક્ષણોમાંથી પસાર કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટમાં પાસ થયા બાદ જ તેને બજારમાં ઉતારાયું છે.
જૂની કારો માટે સરકારે લીધા એડવાન્સ પગલાં
જ્યારે નીતિન ગડકરીને જૂની કારો પર આ ફ્યુઅલની અસરો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે,
'સરકારે આ બાબતે પહેલાંથી જ સાવચેતીના પગલાં લઈ લીધા છે. વાહન નિર્માતા કંપનીઓને સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા છે કે જ્યારે પણ જૂની કારો સર્વિસિંગ માટે આવે, ત્યારે તેના પ્રભાવિત થઈ શકે તેવા નાના-મોટા પાર્ટ્સને બદલી દેવામાં આવે.'
નીતિન ગડકરીએ પડકાર ફેંકતા કહ્યું કે,
'મને એક પણ એવી કાર બતાવો જે E20 ફ્યુઅલના કારણે ખરાબ થઈ હોય'.
કંપનીઓ દ્વારા કરાયેલી તપાસમાં સામે આવ્યું છે કે ગાડીઓમાં ખરાબી ઈથેનોલને લીધે નહીં, પરંતુ ભેળસેળયુક્ત ઇંધણના વપરાશને કારણે આવી હતી.
સર્વિસ સેન્ટર પર મફતમાં બદલી અપાશે વૉશર
માઇલેજ અંગે વિગતવાર વાત કરતાં ગડકરીએ ARAIના રિપોર્ટનો હવાલો આપીને જણાવ્યું કે, જે વાહનો ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સાથે જ બનાવવામાં આવ્યા છે, તેમાં માઇલેજની કોઈ સમસ્યા નથી. ભારે ટ્રાફિક અને હાઇવે પર સતત 100 કિમીની ઝડપે ગાડી ચલાવવાની સ્થિતિમાં માઇલેજમાં થોડો તફાવત દેખાઈ શકે છે. ફ્લેક્સ એન્જિન ટૅક્નોલૉજીમાં સમય સાથે સુધારા કરવામાં આવ્યા છે. પહેલાં ગાડીઓમાં મેટલના વૉશર વપરાતા હતા, જેની જગ્યાએ હવે રબરના વૉશર વપરાય છે. સરકારે કંપનીઓને આદેશ આપ્યો છે કે જૂની કારોના સર્વિસિંગ સમયે ગ્રાહકો પાસેથી કોઈ પણ વધારાનો ચાર્જ લીધા વિના આ વૉશર્સ બદલી આપવામાં આવે.
ઈથેનોલથી એન્જિનની હેલ્થ સુધરશે, ટૂંક સમયમાં આવશે ફ્લેક્સ-ફ્યુઅલ મોડલ્સ
કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો છે કે તેમની જાણકારી મુજબ ઈથેનોલના કારણે આજ દિન સુધી એક પણ કાર વચ્ચે રસ્તા પર બંધ કે ખરાબ નથી થઈ. પરફોર્મન્સની દૃષ્ટિએ ઈથેનોલનો ઓક્ટેન નંબર હાઈ હોવાથી તે એન્જિનની હેલ્થ માટે ઘણું સારું છે. બ્રાઝિલ જેવા દેશો 1970ના દાયકાથી 27% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનો સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે. ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી પણ આ ટૅક્નોલૉજીને લઈને ઉત્સાહિત છે અને ટૂંક સમયમાં જ દિગ્ગજ કંપનીઓ બજારમાં પોતાના ફ્લેક્સ-ફ્યુઅલ મોડલ્સ રજૂ કરવા જઈ રહી છે.
સામાન્ય જનતાને સસ્તા ઇંધણનો વિકલ્પ આપવાનો સરકારનો હેતુ
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને ઇંધણના વિવિધ વિકલ્પો પૂરા પાડવાનો છે, જેથી તેઓ પોતાની પસંદગી અને બજેટ મુજબ ફ્યુઅલ પસંદ કરી શકે. હાલના સમયમાં ઈથેનોલની કિંમત અંદાજે ₹75 પ્રતિ લીટર છે, જે પેટ્રોલ કરતા ઘણી સસ્તી છે. આ ઉપરાંત, જ્યારે ફ્લેક્સ ફ્યુઅલ ટૅક્નોલૉજીને હાઇબ્રિડ સિસ્ટમ સાથે જોડવામાં આવે છે, ત્યારે ગાડીની પરફોર્મન્સ અને ફ્યુઅલની બચત બંને ઘણું વધી જાય છે.









