India

કેતન અગ્રવાલને કોણે ધક્કો માર્યો તેના પુરાવા નથી! સિયાનો લાઈ-ડિટેક્ટર ટેસ્ટ કરાવવા પોલીસની માંગ

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
પૂણેના ચર્ચિત બિલ્ડર કેતન અગ્રવાલ મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. પૂણે પોલીસે મુખ્ય આરોપી સિયા ગોયલનો લાઈ-ડિટેક્ટર ટેસ્ટ કરવા કોર્ટ પાસે મંજૂરી માંગી છે. કેતનને ખીણમાં કોણે ધક્કો માર્યો તે જાણવા અને પુરાવા મેળવવા આ ટેસ્ટ મહત્ત્વનો છે. લોહગઢ કિલ્લા પર બનેલી આ ઘટનામાં સિયા અને તેના પાર્ટનર ચેતન ચૌધરી પર હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેતન અગ્રવાલને કોણે ધક્કો માર્યો તેના પુરાવા નથી! સિયાનો લાઈ-ડિટેક્ટર ટેસ્ટ કરાવવા પોલીસની માંગ
IMAGE - IANS

Siya Goyal Polygraph Test: પૂણેના ચર્ચિત બિલ્ડર કેતન અગ્રવાલ મર્ડર કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની મુખ્ય આરોપી સિયા ગોયલ સાચું બોલે છે કે જૂઠું, તે જાણવા માટે પૂણે પોલીસે ગુરુવારે કોર્ટ પાસે લાઈ-ડિટેક્ટર (પોલીગ્રાફ) ટેસ્ટ કરવાની મંજૂરી માંગી છે. તપાસ કરી રહેલી પોલીસે કોર્ટને જણાવ્યું કે, આ કેસમાં આરોપીઓએ આપેલા નિવેદનો સિવાય કોઈ પ્રત્યક્ષદર્શી સાક્ષી કે એવા કોઈ મજબૂત પુરાવા નથી, જે સાબિત કરી શકે કે કેતનને ખીણમાં કોણે ધક્કો માર્યો હતો. આ સંજોગોમાં કેસના મૂળ સુધી પહોંચવા અને પુરાવા મેળવવા માટે આરોપીનો આ ટેસ્ટ કરવો ખૂબ જ મહત્ત્વનો બન્યો છે.

તપાસને આગળ વધારવા પોલીસનો મોટો દાવ

પોલીસે કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી સિયા ગોયલ અને સહ-આરોપી ચેતન ચૌધરીના નિવેદનો અગાઉ નોંધી લેવામાં આવ્યા છે, પરંતુ તપાસને વધુ મજબૂત કરવા અને સત્ય સામે લાવવા માટે પોલીગ્રાફ ટેસ્ટ કરવો ખૂબ જરૂરી છે.

પોલીસનું માનવું છે કે આ ટેસ્ટના આધારે કેસમાં કેટલાક નવા અને મહત્ત્વના પુરાવા મળી શકે છે. બીજી તરફ, સિયા ગોયલના વકીલ વિપુલ દુશિંગે આ અંગે જણાવ્યું કે, પોલીસ ભલે કોર્ટમાં ગઈ હોય પરંતુ આવા ટેસ્ટ માટે ઘણી કાનૂની અને ટેકનિકલ પ્રક્રિયાઓ પૂરી કરવી પડે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ટેસ્ટ માટે આરોપીની સહમતી હોવી પણ ફરજિયાત છે.

લગ્નના થોડા મહિના પહેલા જ ખીણમાં ધકેલી દીધો

આ ચકચારી ઘટના 18 જૂનના રોજ લોહગઢ કિલ્લા પર બની હતી, જ્યાં પૂણેના બિલ્ડર કેતન અગ્રવાલને કિલ્લાની ઊંડી ખીણમાં ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. કેતન અને સિયા ગોયલની સગાઈ થઈ ચૂકી હતી અને આગામી નવેમ્બર મહિનામાં તેમના લગ્ન થવાના હતા. જોકે, પોલીસે સિયા ગોયલ અને તેના કથિત પાર્ટનર ચેતન ચૌધરી પર કેતનની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. ઘટના બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ 3 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં છે.

મોબાઈલ ડેટા ડિલીટ થયાની આશંકા અને ક્રાઈમ સીન રીક્રીએશન

આ કેસમાં પોલીસને વધુ એક મોટી શંકા એ છે કે કેતનના મોત બાદ તેનો મોબાઈલ ફોન થોડા સમય માટે સિયા પાસે જ હતો, જે બાદમાં તેણે કેતનના પરિવારને સોંપ્યો હતો. પૂણે ગ્રામ્ય પોલીસને આશંકા છે કે સિયાએ આ સમય દરમિયાન મોબાઈલમાંથી કોઈ મહત્ત્વના પુરાવા કે ચેટ ડિલીટ કર્યા હોઈ શકે છે, જેની અત્યારે ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

તપાસના ભાગરૂપે પોલીસે 1 જુલાઈએ ચેતન ચૌધરીને સાથે રાખીને લોહગઢ કિલ્લા પર ક્રાઈમ સીન રીક્રીએટ કર્યો હતો. આ પહેલાં રવિવારે સિયા ગોયલની હાજરીમાં પણ એક ડમીનો ઉપયોગ કરીને કેતનને ખીણમાં કેવી રીતે ફેંકવામાં આવ્યો તેની આખી સિક્વન્સ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.