કાશ્મીરના બહુચર્ચિત 23 કાશ્મીરી પંડિતોની હત્યાને લગતા વંધામા નરસંહારની ફરી તપાસ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

1998 Wandhama massacre of 23 Kashmiri Pandits: કાશ્મીરના વંધામા ગામમાં 23 કાશ્મીરી પંડિતોની હત્યાના 1998ના બહુચર્ચિત કેસની તપાસ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જમ્મુ અને કાશ્મીર સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) દ્વારા આ તપાસ કરાશે. કાશ્મીર ખીણમાં આતંકવાદ ચરમસીમાએ હતો, ત્યારે પંડિતોને લક્ષ્યાંક બનાવીને કરાયેલી હત્યાઓના જૂના કેસોને ઉકેલવાના વ્યાપક અભિયાનના ભાગરૂપે આ કાર્યવાહી શરૂ કરાઈ છે.
દાયકાઓ જૂના કેસમાં તપાસ એજન્સીઓ સક્રિય
હવે કાશ્મીર સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સી આ હત્યાકાંડ ઉપરાંત કાશ્મીરી પંડિત નેતા ટીકા લાલ ટાપલૂ અને જસ્ટિસ નીલકંઠ ગંજુની હત્યાના કેસોની તપાસ પણ શરૂ કરવા જઈ રહી છે. આ પહેલા એજન્સીએ કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ્ટ તેમજ સાહિત્યકાર સરવાનાંદ કૌલ પ્રેમી અને તેમના પુત્ર વિરેન્દ્ર કૌલની હત્યાના કેસ પણ ફરી ખોલ્યા હતા.
હાલમાં જ વંધામા કેસ અને ટાપલૂની હત્યાના મામલામાં કાશ્મીર ખીણમાં અનેક સ્થળે દરોડા પડાયા હતા. તપાસ અધિકારીઓ આતંકવાદીઓ અને તેમને મદદ કરનારા ઓવર-ગ્રાઉન્ડ વર્કર્સ (OGWs)ની ઓળખ કરી તેમની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે.
1998ની એક રાતે વંધામા હત્યાકાંડ થયો હતો
25મી જાન્યુઆરી, 1998ના રોજ પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ અને રમઝાનના 'શબ-એ-કદર'ની રાત્રે ગંદેરબલ જિલ્લાના વંધામા ગામમાં આતંકીઓ ત્રાટક્યા હતા. હથિયારોથી સજ્જ આતંકીઓએ કાશ્મીરી પંડિતોના ઘરોમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરીને, 9 મહિલા અને 4 બાળક સહિત 23 લોકોની હત્યા કરી હતી. આ કેસ દાયકાઓ સુધી પેન્ડિંગ રહ્યો હતો.
અગાઉ એજન્સીએ જૂનમાં સરલા ભટ્ટની હત્યા કેસમાં 737 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી, જેમાં જેલમાં બંધ JKLF ચીફ યાસીન મલિકને મુખ્ય સૂત્રધાર દર્શાવાયો છે.
ટાપલૂ અને જસ્ટિસ ગંજુ હત્યાકેસ પણ સ્કૅનર હેઠળ
શ્રીનગરમાં સપ્ટેમ્બર 1989માં ભાજપના તે સમયના રાજ્ય ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ ટીકા લાલ ટાપલૂની તેમના ઘર નજીક ગોળી મારીને હત્યા કરાઈ હતી. કાશ્મીરમાં આતંકની શરૂઆતમાં જ ટાર્ગેટ કરાયેલા અગ્રણી પંડિતોમાં તેઓ સામેલ હતા.
બીજી તરફ, JKLF આતંકી મકબૂલ ભટ્ટને ફાંસીની સજા સંભળાવનારા જસ્ટિસ નીલકંઠ ગંજુની 4 નવેમ્બર, 1989ના રોજ શ્રીનગરના હરિ સિંહ સ્ટ્રીટમાં શંકાસ્પદ JKLF આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી.
નોંધનીય છે કે, કાશ્મીર સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આ તમામ કેસના જીવિત આરોપીઓ, આતંકીઓ તેમજ તેમના મદદગારોની સઘન શોધખોળ શરૂ કરી છે. આમ, 1980 અને 1990ના દાયકાના અનેક પેન્ડિંગ કેસની પુનઃતપાસ થઈ રહી છે.









