પૃથ્વીના ત્રીજા ઘ્રુવ હિમાલયથી જ ભારતમાં વર્ષાઋતુ, નહીં તો ગંભીર જોખમ સર્જાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ભારત અને વિશ્વના હવામાન સંગઠનો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા અભ્યાસની ચેતવણી
- નગાધિરાજમાં બરફનો જે અતિ વિપુલ જથ્થો છે તે માનવજાત ઉપરાંત પર્યાવરણની સમતુલા માટે પણ વરદાનરૂપ છે
મુંબઈ : પૃથ્વીના ત્રીજા ઘ્રુવ ગણાતા હિમાલયના અસ્તિત્વથી જ ભારતમાં વર્ષાઋતુ છે. હિમાલયનું અસ્તિત્વ જ નહીં રહે અને તેમાંની વિશાળ હિમ નદીઓ ઝડપભેર પીગળી જશે તો ગંભીર જોખમ સર્જાશે અને ભારતમાંથી વર્ષા ઋતુ હંમેશા માટે અદ્રશ્ય થઇ જશે. ભારતમાં વરસાદી ચક્ર જ નહીં રહે. ભારતની ગંગા, યમુના, ગોદાવરી, બ્રહ્મપુત્રા જેવી વિશાળ નદીઓ, સરોવરો સૂકાં ભઠ્ઠ થઇ જશે. ભારતમાંનું અદભુત ઋતુ ચક્ર જ વેરવિખેર થઇ જશે. પરિણામે ભારતનાં જ નહીં પણ નેપાળ, તિબેટ, બર્મા વગેરેનાં કરોડો - અબજો લોકોને પીવાનું પાણી સુદ્ધાં નહીં મળે.
આટલું જ નહીં, આ વિશાળ પરિસરમાંની ખેતીવાડી પર પણ મહા સંકટ સર્જાઇ શકે છે. વિશાળ જીવસૃેષ્ટિના અસ્તિત્વ સામે મહા જોખમ પણ સર્જાઇ શકે છે.
ભારત હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ(નિવૃત્ત) અને પૃથ્વીના વિરાટ ગોળાના હવામાન -આબોહવામાં થઇ રહેલા વ્યાપક ચિંતાજનક પરિવર્તન વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધનાત્મક અભ્યાસ કરતા ડો. કે.એસ. હોસાલીકરે ગુજરાત સમાચાર સાથેના ખાસ ટેલિફોનિક ઇન્ટર્વ્યુમાં આવો રેડ સિગ્નલ આપ્યો છે.
૨૦૨૬ની ૨૬, ઓગસ્ટે , બુધવારે નેપાળમાં થયેલા ભારે વિનાશક જળ પ્રલયની પ્રચંડ થપાટથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઘેરી ચિંતા ફેલાઇ ગઇ છે. એક મહાકાય હિમનદી તૂટીને ભોટે કોશી નદીની શાખા ગણાતી લ્હેન્દે ખોલે નામની નદીમાં ખાબકી હતી. પરિણામે નદીનાં તોફાની પૂર, માટી, કાદવ વગેરેએ જબરી તબાહી મચાવી દીધી.
ડો. કે.એસ. હોસાલીકર તેમના બહોળા સંશોધનાત્મક અભ્યાસના આધારે ગુજરાત સમાારને કહ્યું છે કે નેપાળમાં થયેલા જીવલેણ જળ પ્રલય અને હિમાલયમાંની હિમશીલાઓ ઝડપભેર પીગળી રહી હોવાની ગંભીર ઘટનાને ગ્લોબલ વોર્મિંગ સાથોસાથ માનવીય પ્રવૃત્તિઓ સાથે પણ સીધો અને જોખમી સંબંધ છે. ફક્ત હિમાલયની જ નહીં પણ યુરોપના બરફીલા પર્વતોમાંની હિમશીલાઓ પણ બહુ ઝડપભેર પીગળી રહી હોવાના ચિંતાજનક પુરાવા મળ્યા છે.
હકીકત તો એ છે કે પૃથ્વીને ઉત્તર ઘ્રુવ અને દક્ષિણ ઘ્રુવ એવા બે ઘ્રુવ પ્રદેશ છે, તેમ હિમાલય પૃથ્વીનો ત્રીજો ઘ્રુવ ( હિમાલય ઇઝ થર્ડ પોલ ઓફ ધ અર્થ) કહેવાય છે. હિમાલયના બફીલા ઉગમ સ્થાનમાંથી વહેતી ગંગા, યમુના સહિત અન્ય વિશાળ નદીઓ ભારત સહિત એશિયાનાં લાખો -કરોડો માનવીઓને પીવાનું પાણી , ખેતીવાડી માટે સિંચાઇનું જળ, અસંખ્ય પ્રાણીઓ, પક્ષીઓ સહિત જીવોનું અસ્તિત્વ ટકાવી રાખે છે. સરળ રીતે સમજીએ તો નગાધિરાજમાં બરફનો જે અતિ વિપુલ જથ્થો છે તે માનવજાત ઉપરાંત પર્યાવરણની સમતુલા માટે પણ વરદાનરૂપ છે.
વિશ્વ હવામાન સંગઠન( વર્લ્ડ મિટિયોરોલોજી ઓર્ગેનાઇઝેશન : ડબલ્યુ. એમ.ઓ.) અને ભારત હવામાન વિભાગ(ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ : આઇ.એમ.ડી.) દ્વારા થયેલા સહિયારા સંશોધનાત્મક અભ્યાસ દ્વારા એવી વિગતો જાણવા મળી છે કે હિમાલય પૃથ્વી પરનો સૌથી યુવાન પર્વત છે. ખરેખર તો હિમાલય એક વિશાળ પર્વતમાળા છે જે ભારત, નેપાળ, તિબેટથી લઇને બર્મા સુધી પથરાયેલી છે. હિમાલયમાંની હિમ નદીઓ થીજી ગયેલા બરફનું સર્જન છે. આવી હિમ નદીઓમાં કલ્પનાતીત કહી શકાય એટલો બરફનો જથ્થો સંગ્રહાયેલો છે.આ બરફ જ ઋતુ ચક્ર, જીવ સૃષ્ટિના અને પર્યાવરણના અસ્તિત્વનું વરદાન છે.
આજે જોકે પ્રકૃતિના આ સુંદર અને ઉપકારક સર્જન સામે જબરું જોખમ ઝળુંબી રહ્યું છે.એટલે જ તો હાલ ભારતની ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશન(ઇસરો) સહિત અમેરિકાની નાસા, વિશ્વભરના ભૂકંપશાસ્ત્રીઓ, ભૂગર્ભશાસ્ત્રીઓ, હવામાનશાસ્ત્રીઓ, પર્યાવરણશાસ્ત્રીઓ હિમાલયમાં થઇ રહેલા કુદરતી અને માનવ સર્જિત પરિવર્તન વિશે ગહન સંશોધનાત્મક અભ્યાસ કરી રહ્યા છે. આ સંશોધનમાં રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સ, સિસ્મોગ્રાફ, રાડાર, ડ્રોન વગેરે જેવાં આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણોનો ઉપયોગ થાય છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા આવા વ્યાપક સંશોધનાત્મક અભ્યાસની વિગતો એમ પણ કહે છે કે હિમાલયમાંની હિમ નદીઓ બહુ ઝડપભેર પીગળી રહી હોવાથી ભવિષ્યમાં ભારત સહિત પડોશી દેશોમાંની નદીઓમાં ભારે તોફાની પૂર, બરફનાં ભયંકર ઝંઝાવાત, સમુદ્રની સપાટીમાં વધારો, ભારેભરખમ ભેખડો ધસી પડવી વગેરે જેવી જીવલેણ આફતો આવી શકે છે. ભારે ચિંતાજનક કહી શકાય એવો વિનાશ થઇ શકે છે. એટલે જ ભારત સરકારે આવી કુદરતી આફતો દરમિયાન લોકોનું બચાવકાર્ય કરવા શિસ્તબદ્ધ વ્યવસ્થા કરવાની જરૂર છે.સાથોસાથ નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા જાહેર કાર્યક્રમોનું આયોજન પણ કરવું આવશ્યક છે.




