UPI મુદ્દે ઘેરાયેલી સરકારે કોંગ્રેસના નામે બચાવ શોધ્યો, ચિદમ્બરમ-મનીષ તિવારીના નામ આગળ ધર્યા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UPI Tax Controversy : રાજસ્થાન અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહેલા 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના નિર્ણયને લઈને રાજકારણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ નિર્ણયને 'UPI ટેક્સ' ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અમેરિકી દબાણમાં કામ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ વિવાદમાં ચારેબાજુથી ઘેરાયેલી કેન્દ્ર સરકારે હવે કોંગ્રેસના જ દિગ્ગજ નેતાઓને આગળ ધરીને મોટો બચાવ શોધી કાઢ્યો છે અને કોંગ્રેસ પર બેવડા માપદંડ અપનાવવાનો આરોપ મૂક્યો છે.
ચિદમ્બરમ અને મનીષ તિવારીની ભૂમિકા પર સવાલ
સરકારી સૂત્રો અને ભાજપે નાણાકીય બાબતોની સંસદીય સ્થાયી સમિતિના અહેવાલનો હવાલો આપતા દાવો કર્યો છે કે સમિતિએ જ UPI માટે તબક્કાવાર MDR વ્યવસ્થા લાગુ કરવાની ભલામણ કરી હતી. ખાસ કરીને 12 ઓગસ્ટે જ્યારે આ રિપોર્ટ અપનાવવામાં આવ્યો ત્યારે સમિતિની બેઠકમાં કોંગ્રેસના 5 સાંસદો- પી. ચિદમ્બરમ, મનીષ તિવારી, ગૌરવ ગોગોઈ, કિશોરી લાલ અને કે. ગોપીનાથ હાજર હતા. સરકારી સૂત્રોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સમિતિની બેઠકમાં કોંગ્રેસના આ મોટા નેતાઓએ કોઈ જ વાંધો નોંધાવ્યો ન હતો, તો હવે રાહુલ ગાંધી આનો વિરોધ કેમ કરી રહ્યા છે?
નવું MDR સ્ટ્રક્ચર અને સરકારનો તર્ક
નવા નિયમો અનુસાર, 15 ઓક્ટોબર 2026 થી 2,000 રૂપિયાથી વધુના પાત્ર વેપારી UPI વ્યવહારો પર 0.4 ટકા MDR લાગુ થશે, જે ગ્રાહકને બદલે વ્યાપારીઓ પાસેથી લેવામાં આવશે. 75,000 રૂપિયા કે તેથી વધુના વ્યવહારો માટે તેની મહત્તમ મર્યાદા 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. નાના વેપારીઓને રાહત આપતા ક્યુઆર કોડ દ્વારા મહિને 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે સાયબર સુરક્ષા અને પેમેન્ટ નેટવર્કને મજબૂત કરવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
રાજકીય રણનીતિ અને આગળનો માર્ગ
આ સમગ્ર મામલે હજુ સુધી કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સરકારે સંસદીય સમિતિની આડમાં વિપક્ષને જ ઘેરી લીધો છે. આગામી સમયની ચૂંટણીઓ પહેલાં આ આર્થિક મુદ્દો જનતા વચ્ચે મોટો ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં સરકાર અને વિપક્ષ બંને એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે.




