Get The App

Explainer: તમિલનાડુના લોકોને આપેલા વચનો પૂરા કરવા વિજયને 2,160 કિલો સોનું જોઈએ, RBIની મદદ લેવી પડશે

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: તમિલનાડુના લોકોને આપેલા વચનો પૂરા કરવા વિજયને 2,160 કિલો સોનું જોઈએ, RBIની મદદ લેવી પડશે 1 - image
 AI IMAGE

Vijay Gold Promise Tamil Nadu: થલાપતિ વિજયે તમિલનાડુની પ્રજાને આપેલા વચનોની ચોમેર ચર્ચા થઈ રહી છે. તેનું કારણ એ છે કે, વિજયની પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ(TVK)ને સ્થાપના પછીની પહેલી જ ચૂંટણીમાં 108 બેઠક મળી છે. આ રીતે જીત મેળવીને સરકાર બનાવવા થનગની રહેલી વિજયની પાર્ટી માટે લોકોને સોનું આપવાનું વચન પાળવું મોટો પડકાર બની શકે છે. આ વચનો પૂરા કરવા વિજયે રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાની મદદ લેવી પડશે. 

ચાલો જાણીએ કેવી રીતે...  

વચનોનું ગણિત: કેટલા લાભાર્થી, કેટલો ખર્ચ?

થલાપતિ વિજયે ચૂંટણી ઢંઢેરામાં બે મોટા વચન આપ્યા હતા. 

- દરેક નવજાત બાળકને સોનાની વીંટી

- ગરીબી રેખા નીચેના પરિવારોની દુલ્હનને 8 ગ્રામ સોનું+રેશમી સાડી

હવે આંકડા સમજીએ

- તમિલનાડુમાં દર વર્ષે આશરે 780,000 બાળકો જન્મે છે.

- દર વર્ષે 4,00,000થી 5,00,000 લગ્ન થાય છે. એમાંથી 60% પરિવારો (લગભગ 2,70,000 દુલ્હનો) ગરીબી રેખાની નીચે આવી જશે.

- એક દુલ્હનના 8 ગ્રામ સોનાની કિંમત (22 કેરેટ, ₹14,000 પ્રતિ ગ્રામ) = ₹1.12 લાખ.

- ફક્ત દુલ્હનોને સોનું આપવાનો વાર્ષિક ખર્ચ = 2,70,000 × ₹1.12 લાખ = ₹3,000 કરોડથી વધુ.

- નવજાત બાળકો માટે વીંટીની કિંમત લગભગ ₹5,000 ધારીએ તો 4.7 લાખ BPL બાળકોને વીંટીનો ખર્ચ ₹235 કરોડ 

આમ, બે વચનો માટે આપવાના થતાં સોનાનો અંદાજિત ખર્ચ ₹3235 કરોડ જેટલો થવા જાય છે.

RBIની પરવાનગી વિના નહીં ચાલે

આટલા મોટા પ્રમાણમાં સોનું ખરીદવું એ માત્ર પૈસાનો જ વિષય નથી, પણ દેશના અર્થતંત્રનો પણ વિષય છે. દુલ્હનો અને નવજાત બાળકો માટે વાર્ષિક અંદાજે 2300થી 2500 કિલો સોનાની જરૂર પડશે. આટલી વિશાળ જથ્થાબંધ ખરીદી સીધી રીતે ભારતની 'ચાલુ ખાતાની ખાધ'ને અસર કરી શકે છે કારણ કે, ભારત સોનાની આયાત પર નિર્ભર છે. આથી, આવી યોજનાના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર અને આરબીઆઇના આયાત નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે.

સરકારી સોનું તમિલનાડુ માટે બોજ બનશે?

તમિલનાડુની આર્થિક તિજોરી માટે વિજયના સોનાના વચનો બહુ મોટો બોજ બની જવાની શક્યતા છે. રાજ્ય સરકારે આટલી મોટી માત્રામાં સોનું ખરીદવા માટે બજારમાંથી ઉધાર લેવું પડશે, જેના માટે આરબીઆઇની મંજૂરી અને દેવાની મર્યાદા (FRBM Act- Fiscal Responsibility and Budget Management Act) ધ્યાનમાં રાખવી પડશે. આ નિયમ મુજબ રાજ્ય સરકાર પોતાની મરજી મુજબ ઉધાર લઈ શકતી નથી. 

કલ્યાણ યોજનાઓનો ખર્ચ આસમાને પહોંચશે 

વિજયના અન્ય વચનો પર પણ એક નજર નાંખીએ. 

- મહિલા-પ્રમુખ પરિવારોને દર મહિને ₹2,500

- દરેક પરિવારને 6 LPG સિલિન્ડર મફત

- 10 લાખ બેરોજગાર સ્નાતકોને ₹4,000 માસિક ભથ્થું

આ બધા વચનો પૂરા કરવામાં તમિલનાડુનો ‘કલ્યાણ યોજના ખર્ચ’ રૂ. 1 લાખ કરોડે પહોંચી જશે, જે હાલ ₹65,000 કરોડ છે. આ રકમ રાજ્યના 2025-26ના અંદાજિત બજેટ(₹3.31 લાખ કરોડ)ના લગભગ 30% જેટલું થાય. એનો અર્થ એ કે, દર ત્રણ રૂપિયામાંથી એક રૂપિયો ફક્ત કલ્યાણ યોજનાઓ પાછળ ખર્ચાશે. વિજયે વચનો આપતા તો આપી દીધા, પણ આ દિશામાં સમજી-વિચારીને આગળ વધવું પડશે, નહીંતર રાજ્યનો ખજાનો ખાલી થઈ જતાં વાર નહીં લાગે!