વિવાદોમાં રહેલી બીબીએમ આતંકીઓની પહેલી પસંદ
વોટ્સએપ, ટેલિગ્રામ ઉપરાંત સિગ્નલ, થ્રીમા, ડસ્ટ, એલિમેન્ટની પણ બોલબાલા, આતંકીએ પૂછપરછમાં માહિતી આપી
જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તોયબાના આતંકીઓ દ્વારા બ્લેકબેરી મેસેન્જર બીબીએમનો ઉપયોગ વધી રહ્યો છે. જે સાથે જ અનેક મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ પણ આતંકીઓ દ્વારા થઇ રહ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. શ્રીનગર પોલીસ દ્વારા જમ્મુ કાશ્મીર બહારના લશ્કર-એ-તોયબા મોડયુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જે સાથે જ અબુ હુરૈરા નામના આતંકીની ધરપકડ કરવામાં આવી હતી, અબુએ પૂછપરછમાં અનેક મોટા ખુલાસા કર્યા છે.
અબુએ તપાસ ટીમને જણાવ્યું છે કે હું અને મારી ટીમ દ્વારા અનેક મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરાઇ રહ્યો હતો, જેમાં બીબીએમ, એલિમેન્ટ, થ્રીમા અને ડસ્ટનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વોટ્સએપ, ટેલિગ્રામ, સ્કિપી, સિગ્નલ વગેરેનો પણ આતંકી નેટવર્ક દ્વારા ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે.
બીબીએમ ભારતમાં સર્વર વગર જ સંચાલીત હતી, જોકે સરકારે કંપનીને સર્વર દ્વારા સંચાલન કરવા કહ્યું જેથી સુધારા કરાયા હતા. જોકે ૨૦૧૯માં બીબીએમએ ફ્રી સર્વિસ બંધ કરી દીધી અને ચોક્કસ ફી સાથે સર્વિસ આપવાનું શરૂ કર્યું હતું.


